દેવાયત બોદર (ભાગ 3: નવઘણનો જીવ બચાવવા દેવાયત આપે છે, સગા દીકરાનું બલિદાન)

દેવાયત બોદર

દેવાયત બોદર : પાંચેક વર્ષનો સમય વીતે છે, દિવસેને દિવસે નવઘણ પોતાના ભાઈ-બહેન સાથે મોટો થઈ રહ્યો છે. આ તરફ બને છે એવું કે, આલીદરના જાપે સોલંકીના સૈનિકોએ ચોકી બેસાડી અને આખા ગામ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. આહિર કોમના વડીલોને બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે કે,”રા’ડિયાસનો વંશજ દેવાયત બોદરને ત્યાં છે, શું આ વાત સાચી છે? શું સાચેજ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. ત્યારે વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી, બધા ના કહીને નનયો કરે છે. આખરે સોલંકીન સૈનિકો ચોકીએ દેવાયત બોદરને બોલાવે છે.દેવાયત બોદરચોકીએ આવેલા દેવાયતને પૂછવામાં આવ્યું કે,”દેવાયત આહીર! તમારા ઘેર રા’ડિયાસનો દીકરો નવઘણ ઉછરે છે?” દેવાયત જાણી ગયા કે કોઈકે દગો કર્યો છે તેથી હવે આ વાત છુપાવવી યોગ્ય નથી, ત્યારે તેઓએ જવાબ આપતા કહ્યું કે,”હા સાચી વાત! નવઘણ મારે ઘેર ઉછરે છે. થાણેદારે ગુસ્સે થઈ કહ્યું કે,”રાજાના શત્રુને ઉછેરો છો, આતો રાજદ્રોહ કહેવાય!”દેવાયત બોલ્યા કે,”આ રાજદ્રોહ નથી બાપ! મારે તો રાજ ભક્તિ દેખાડવી’તી, રા’ડિયાસના દીકરાને હું ઉછેરતો નથી, એતો મારે ત્યાં કેદ છે, તમે કહો તો તેને હમણાં હાજર કરું!” થાણેદાર હુકમ કરે છે,”નવઘણને હાજર કરો!” દેવાયત એ કહ્યું,”હાં! હમણાં ઘર ઉપર એક કાગળ લખી દઉં, અને નવઘણણે તમારી સામે હાજર કરું” દેવાયતે કાગળ લખ્યો કે,”આયરાણી! નવઘણને નવા રાજની રીતે તૈયાર કરી આ આવેલા આદમી હારે રવાના કરજો.” વધુમાં ઉમેર્યુ કે,”આયરાણી! “રા” રાખીને વાત કરજો’ને નવઘણને વેલો હાજર કરજો!”દેવાયત બોદરસોલંકીઓ સોરઠી ભાષા સમજી શક્યા નહીં, પણ આહિરાણી સમજી ગઈ તેણે નવઘણના બદલે તેના દીકરા વાહણને તૈયાર કર્યો અને રાજા જેવા વસ્ત્રો પહેરાવી છેલ્લીવાર એનું મોઢું જોઈ આંખોના આંસુ લૂછીને સૈનિકોને હવાલે કર્યો. સૈનિકો દેવાયત આહિરના પુત્ર વાહણણે લઈને ચોકીએ આવે છે. ત્યારે દેવાયત કહે છે,”લ્યો બાપ! આ રહ્યો નવઘણ!” ત્યાં ઉભેલો આહીર ડાયરો ખૂબજ અચંબામાં મુકાઈ ગયો કારણ કે, તે ઓળખી ગયા હતા કે આ તો દેવાયતનો દીકરો છે!નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. સોલંકીના હુકમથી ખુદ બાપના હાથે રહેલી તલવારથી પુત્ર વાહણનું ધડ અને મસ્તક નોખા થયા અને દીકરાની કતલ થઈ. જે મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા’ ના કુળદીપકને જલતો રાખ્યો! થાણેદારને વિશ્વાસ આવી ગયો, તેમણે બંને આયર દંપતીને છોડી મૂક્યા. આહીર ડાયરો આટલું જોરદાર બલિદાન જોઈને સ્તબ્ધ થઈ ગયો…આગળના ભાગમાં જાણીશું કે, કઈ રીતે નવઘણ મોટો થઈને સોલંકીઓ સામે વેર વાળે છે અને જૂનાગઢને ફરી પોતાને કબ્જે કરે છે…

સંદર્ભ: “રા’નવઘણ” પુસ્તક અને ઝવેરચંદ મેઘાણી રચિત “રા’નવઘણ”

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Image Source: Madhyam Communications (Youtube Channel) 

Also Read : Mamtaben Hareshbhai Popat cleared UPSC exam with 45th rank