Junagadh News : ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે, કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે; જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે પરિસ્થિતિ છે તે જોતાં શરમથી માથું ઝૂકી જાય છે. એક સમયે “સોને કી ચિડિયા” કહેવાતો આપણો ભારત દેશ આજે અવ્યવસ્થા, અસ્વચ્છતા, ગંદકી, દુર્ગંધનો શિકાર બની રહ્યો છે. જેના શિકારી આડકતરી અને સાપેક્ષ રીતે આપણે જ છીએ.
ખુલ્લામાં શૌચક્રિયા કરવી, ગમે ત્યાં ઊભીને પેશાબ કરવો, કચરો ગમે ત્યાં ગમે તેમ ફેંકવો, કેળાં ખાઈ તેની છાલ રોડ પર ગમે ત્યાં ફેંકવી, પાન-મસાલાનાં કે માવાનાં પાઉચ કે કાગળો ગમે ત્યાં ફેંકવાં, એટલું જ નહીં પાન-માવા ચાવીને ગમે ત્યાં થૂંકવું, વગેરેથી તો આપણે બધા ટેવાઇ ગયા છીએ! ખરું ને! શું આવી પરિસ્થિતિમાં આપણે આપણા શહેરને સ્વચ્છ રાખી શકીશું?
વિદેશોમાં જોવા મળતી સ્વચ્છતાનું મહત્ત્વનું કારણ તો ત્યાંની પ્રજાની સ્વચ્છતા માટેની જાગરૂકતા તેમજ તેમની સારી આદતો છે. એ નાગરિકોમાં એટલી સભાનતા છે કે, તેઓને તમે ક્યારેય ગમે ત્યાં કચરો ફેંકતાં, ગંદકી કરતાં કે થૂંકતાં જોઈ જ ન શકો! તેઓ કચરાના નિકાલ માટે ઘરમાં કે બહાર કચરાપેટીનો જ ઉપયોગ કરે છે. કદાચ કોઈ સ્થાને કચરાપેટી ઉપલબ્ધ ન હોય તો પ્લાસ્ટિક બેગમાં કે અન્ય રીતે કચરાને તેઓ પોતાની પાસે જ સાચવી રાખે છે. જ્યારે કચરાપેટી મળે ત્યારે જ તેનો તેમાં નિકાલ કરે છે. એક કાગળના ટુકડાને પણ ગમે ત્યાં ફેંકવાની કોઈ હિંમ્મત ન કરી શકે. વિશ્વાસ ન હોય તો યુ.કે.ના લેસ્ટર શહેરમાં વસતા ગુજરાતીઓના અનુભવો ક્યારેક સાંભળજો, બધુજ સમજાઈ જશે!
આપણે ત્યાં પાન ખાવું એ ઇતિહાસના જુદા જુદા તબક્કે સંસ્કૃતિનો હિસ્સો રહ્યો છે, પણ તેની સાથે આપણે જાહેર સ્વચ્છતાની સંસ્કૃતિનો ભાગ્યે જ કોઈ ખ્યાલ આપણે ત્યાં જાગ્યો છે. આપણે ‘પાન ખાયે સૈયાં હમારો’ અને ‘ખઈકે પાન બનારસવાલા’ એવું બધું ગાયા કર્યું, પણ પેલું ‘સ્પિટ ઇઝ પૉઇઝન’ જેવું આપણને કંઈ સૂઝ્યું જ નહીં. આપણને એવું પણ ન થયું કે સદીઓથી આપણા અસ્તિત્વ માટે આપણે ધરતી માતાને ખેડીને, તેને ખોદીને તો તેની પર ત્રાસ ગુજારીએ જ છીએ. હવે થૂંકીને એને અપવિત્ર તો ન કરીએ. મંદિરમાં ધરતી માતાની જય બોલાવી, એના ઉપર જ થૂંકવું એ કેટલું યોગ્ય છે?
શહેરના રસ્તા પર આપણી આગળ જઈ રહેલ કોઈ પિચકારી મારે’ને તે આપણી પર ઊડે છે. બસની સાઈડ કાપતા પહેલા કે તેની પાછળ ચાલતી વખતે બસમાં બેઠેલા કોઈ લાળિયા રાક્ષસની આપણને બીક લાગે કે, હમણાં થૂંકશે તો આપણી ઉપર લાળાભિષેક થશે. રસ્તાની બાજુમાં ચાલવાની કોશિશ કરતાં હોઈએ’ને ચાની કેબિન પરથી કોગળો આવે છે, પાનના ગલ્લેથી પિચકારી છૂટે. તમાકુ કે મસાલાના ડૂચા મોંમા રાખીને વાત કરનારા થોડી મિનિટો વાત કરે એટલામાં તો આજુબાજુની ધરતી લાલચોળ કરી દે! બસસ્ટેન્ડ, બસ, પ્લેટફૉર્મ, ટ્રેઇન, ઇમારતોના દાદરા, ફૂટપાથ, હોસ્પિટલની લોબીઓ, બગીચા, સિનેમા, સભાગૃહો, પાર્કિંગ એકપણ જાહેર જગ્યાને થૂંકીને બક્ષી નથી કેટલાક મહાનુભાવોએ!
જ્યારે આપણી પર કોઈનું થૂંક ઊડે તો, સીધી માથાકૂટ! જ્યારે આપણે તો જાહેર જગ્યાઓ અને ધરતીને વેંચાતી લઈ લીધી છે, નૈ? એનો વાંક ફક્ત એટલો જ કે એ કઈ બોલતી નથી! બસ આપણને છાતી ચીરીને પાણી અને અનાજ આપ્યા કરે છે અને આપણે એને થૂંકીને લાલ કરીએ છીએ! આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે, તમાકુ ન છોડી શકીએ તો કઈ નૈ, પરંતુ પાન-માવા ખાઈને ગમે ત્યાં થૂંકવાનું છોડી દેશું તો ધરતીના આશીર્વાદ મળશે!
કડવું છે પણ સત્ય છે…
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : Junagadh News : લાઇબ્રેરી ના જીર્ણ થયેલા પુસ્તકોનું પીડીએફ સ્વરૂપે થશે નવીનીકરણ