નરસિંહ મહેતા એવોર્ડ હાંસલ કરનારા લોકપ્રિય ગઝલકાર ખલીલ ધનતેજવી વિશે આટલું જાણીએ…

નરસિંહ મહેતા એવોર્ડ

આમતો ગુજરાતી ગઝલના ચાહકોના મુખે માવઠાં ને હેલીવાળા એમના અનેક શેર રમતા હોય છે, પણ ગઇકાલે તા.13મી ઓક્ટોબરના રોજ એટલે કે શરદપૂનમની સંધ્યા ઘણી રળિયામણી બની ગઈ. પૂ. મોરારીબાપુની પ્રેરણાથી ગુજરાતી વિદ્યમાન કવિને દરવર્ષે અપાતો નરસિંહ મહેતા એવોર્ડ આ વર્ષે ખલીલ ધનતેજવીને આપવાનો નિર્ણય નરસિંહ મહેતા સાહિત્ય નિધિએ લીધો. પ્રણાલિકા પ્રમાણે, શરદ પૂર્ણિમાના દિવસે આ એવોર્ડ પૂ.બાપુના હસ્તે આ લોકપ્રિય ગઝલકાર ખલીલ ધનતેજવીને અપાયો.

નરસિંહ મહેતા એવોર્ડ

ખલીલ ધનતેજવી; આ નામ લોકો સુધી, વાચક-ભાવકના મોઢે રમતું થયું ગઝલો થકી. એમના ગઝલ સર્જનને કારણે અને ખાસ તો એમના અંદાઝે બયાંને લીધે તેઓ ખૂબ જાણીતા થયા. બાકી શબ્દ સાથેનો એમનો સંબંધ ફક્ત ગઝલને લીધે નથી, સાહિત્યના અન્ય આયામોમાં પણ એમનો વિહાર છે. લેખક હોય તો ફિલ્મના સંવાદ લખે, કવિ હોય તો ફિલ્મમાં ગીત પણ લખે પણ ખલીલભાઇએ તો ફિલ્મોના નિર્માણ-નિર્દેશન પણ કર્યાં છે. “ખાપરો ઝવેરી, ડો.રેખા” એમની ફિલ્મના નામ છે. ચુંદડી ચોખા ફિલ્મના સંવાદ એમણે લખ્યા હતા અને છૂટાછેડાં ફિલ્મના લેખન અને નિર્દેશન માટે એમને એવોર્ડ પણ મળ્યા છે.

નરસિંહ મહેતા એવોર્ડ

ઊંચું કદ, ખરજનો અવાજ, મોટી આંખો અને એમાં નમણાંશ, એ ખલીલ ધતેજવીની દેખીતી ઓળખ છે. ઊંચાઇ તો એવી કે, એકવાર અમિતાભ બચ્ચને એમને ઊંચકી લીધા હોવાની પણ ઘટના બની હતી. 12મી ડિસેમ્બર 1939ના રોજ જન્મેલા ખલીલ ધનતેજવીએ શિક્ષણ તો ચાર ધોરણ સુધીનું લીધું છે, પરંતુ સાહિત્ય સર્જન અને શિક્ષણને સીધો કોઇ સંબંધ નથી એનો જીવંત પુરાવો એ ખલીલભાઇ છે. સાહિત્ય ક્ષેત્રે એમણે વાર્તા સર્જનથી પગરણ માંડ્યાં, નવલકથાઓ પણ લખી. “મુકામ પોસ્ટ ઝાકળ”, “ભરચક એકાંત”, “એક મુઠ્ઠી હવા”, “સાંજ પડેને સુનું લાગે”, “લોહી ભીની રાત”, “નગરવધૂ”, “કોરી કોરી ભીનાશ” સહિતની નવલકથાઓ ખલીલભાઇએ ગુજરાતી સાહિત્યને આપી છે. વર્તમાનપત્રોમાં કટારલેખન પણ કર્યું અને હાલમાં પણ કરી રહ્યા છે.

ગુજરાતી વાચકો સુધી જો કે એમને ગઝલો જ લઇ ગઇ એમ કહેવું જરાય અયોગ્ય નથી. એક તો બુલંદ અવાજ, ગઝલની રવાની, બોલચાલની ભાષાનો પણ ગઝલમાં ઉપયોગ એ એમના વિશેની નોંધનીય બાબતો છે. કવિતાના નિષ્ણાંતો કહે છે એમ કવિતા એ કાનની કળા છે, તો ખલીલ ધનતેજવીની કવિતાના શબ્દો સીધા કાનને અથડાઇ મન પર ટકોરા દે એવી ઘટના ઘણા મુશાયરામાં સતત બનતી રહે છે. સામાન્ય શ્રોતા, ભાવક સાથે એમની ગઝલ સીધો સંવાદ સાધે છે. જેમને ગઝલના મીટર, છંદ, બંધારણ વગેરે ખબર નથી એમને પણ આ ગઝલો ગમે છે. ‘સાદગી’ અને ‘સારાંશ’ એમના ગુજરાતી ગઝલ સંગ્રહ છે. જ્યારે શાયદ સંચયમાં હિન્દી-ઉર્દૂ ગઝલો એમણે આપી છે.

“તમે મન મુકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે

અમને રહ્યા હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે.”

એ એમનો લોકપ્રિય થયેલો શેર છે અને એ જ ગઝલનો અન્ય એક શેર તો ખલીલભાઇ બોલે પછી મિનિટો સુધી શ્રોતાઓ તાળી પાડતા હોય છે. અરે, વન્સમોર પણ થાય છે. એ શેર છે,

“તમાચો ખાઇ લઇશ ગાંધીગીરીના નામ પર હું પણ,

પણ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે.”

આવી હળવી શૈલીમાં માર્મિક વાત કહેનારા ખલીલભાઇની ગઝલો માટે ગઝલના નિષ્ણાંતો, અભ્યાસુઓ વિવિધ સાહિત્યિક સામયીકમાં ઘણીવાર ચર્ચા કરે છે અને શાસ્ત્રોક્ત રીતે એમની ગઝલને પ્રમાણે છે. આવા આ લોકપ્રિય, નિવડેલા કવિને ગુજરાતી ભાષાનો ગૌરવવંતો નરસિંહ મહેતા પુરસ્કાર આપવાનો અવસર આઆપણાં જૂનાગઢમાં શરદપૂનમના દિવસે યોજાઇ ગયો. તલગાજરડામાં ચાલી રહેલા સંસ્કૃત પર્વના અંતિમ દિવસે આ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી હતી.

દરવર્ષે જૂનાગઢમાં રૂપાયતન ખાતે આ એવોર્ડની અર્પણવિધી હોય છે. આ અગાઉ કવિ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, સુરેશ દલાલ, રમેશ પારેખ, ભગવતી કુમાર શર્મા, ભાનુપ્રસાદ પંડ્યા, અનિલ જોશી, રાજેન્દ્ર શુક્લ, વિનોદ જોશી, જલન માતરી અને ચીનુ મોદી સહિતના સર્જકોને આ એવોર્ડ એનાયત થઇ ચૂક્યો છે.

સંદર્ભ: ચિત્રલેખા

Also Read : Junagadh is during Rains.