પરબધામ : સંત દેવીદાસ બાપુએ જાગૃત કરેલી લોકસેવાની મશાલ

પરબધામ

સત દેવીદાસ, અમર દેવીદાસ

પરબધામ : આ નામ કાને પડતાં જ આપણને પરબધામ યાદ આવે! આ પરબધામની મુલાકાત તો મોટાભાગે બધાજ લઈ ચૂક્યા હશે, પણ આપણે કદાચ તેનું ધાર્મિક મહાત્મ્ય અને ત્યાંની ઐતિહાસિકતાની નહીં જાણતા હોય! તો આવો આજે વાત કરીએ પરબનાં પીરાણાના જાગતા ઇતિહાસ ની… parabdham

પરબધામ, જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં આવેલું એક ગામ છે, જે જૂનાગઢ શહેરથી માત્ર 40 કીમીના અંતરે આવેલું છે. પરબધામએ 18મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસ બાપુને સમર્પિત તીર્થધામ છે.

parabdham

આ પરબધામમાં સંત દેવીદાસ ઉપરાંત દાદા મેકરણ તથા સાદુળ પીરનો ઢોલિયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધિ, સંત કવિ દાસી જીવણ સાહેબની સ્મૃતિનો કૂવો દર્શનીય છે. અહિયાં દેવીદાસ બાપુ, અમર માં, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર તેમજ સાંઈ સેલાણીબાપુનું સમાધિ સ્થાન છે. આવો પરબધામનો ઈતિહાસ જાણીએ…

ઈતિહાસ:

ઈ.સ. 18મી સદીમાં કચ્છ અને સિંઘ પ્રાંતમાં દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પીડિત લોકો સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કરી આવતા હતા. એ સમયે સંત દેવીદાસે માનવતાના ધોરણે તે પીડિતોને આશ્રય આપ્યો હતો. તેમની સ્મૃતિમાં આ યાત્રાધામ વિકસેલું છે.

પરબધામ

મહાભારત કાળમાં તેઓએ રામનાથ થી દસ ગાઉ દૂર સરભંગ ઋષિના પ્રાચીન આશ્રમમાં દત્તમહારાજજીનો સુનો પડેલો ધૂણો સજીવન કર્યો અને ઘરે ઘરે જઈને રોટલો ઉઘરાવી ત્યાં ભૂખ્યાને ભોજન કરવી લોકસેવા શરૂ કરી. દેવીદાસ અહિયાં આવ્યા એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવુ કઈ ન હતું. લીમડા નીચે મેકરણ કાપડીનો ધૂણો અને ત્રિશુળ જ હતા અને ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે ત્યાં ધૂણી પ્રગટાવી અને લીમડા ડાળે ધજા ફરકતી કરી. તે સ્થાન ને આજે પરબધામના નામથી ઓળખવામાં છે.

પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાની માન્યતા છે. તેઓનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજીયાસર ગામના નેસમાં જીવાભગત અને સાજણબાઈના ઘરે થયો હતો. દેવીદાસ પરબધામમાં રહીને રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા. એવામાં વીસાવદરના શોભાવડલા ગામના આહીર કુળના અમર માં પણ તેમની સાથે આ સેવા યજ્ઞમાં જોડાયાં.

પરબધામ

એક વખત અમરમાંનું આણું પરબનાં રસ્તે થઈને જઈ રહ્યું હતું. રસ્તામાં પરબધામે આ લોકો બપોરા(બપોરનું ભોજન) કરવા માટે રોકાયા. અમરમાં તેમના નણંદ સાથે પરબના પીરનાં દર્શન કરવા ગયા. અમરમાંએ દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેઓએ પતિ  સાથે જવાના બદલે દેવીદાસ બાપુના શિષ્યા બનીને પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ અને લોકસેવા શરૂ કરી.

ઉત્સવો:

દર વર્ષે અહીં અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે. તે વિશે એવી લોકવાયકા છે કે દેવીદાસ બાપુએ સમાધિ ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સદેહે દેવીદાસબાપુને દર્શન દીધા અને કઈક વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવીદાસ બાપુએ એટલું માંગ્યું હતું કે,“પરબની જગ્યાના દર્શન માત્રથી કુષ્ઠારોગી માનસિક, શારીરિક કે સામાજિક વેદનાથી પીડાતા જીવાત્માનાં દુ:ખ ભાંગી જાય.” તેમણે લીધેલી સમાધિના દિવસને એટલે કે અષાઢીબીજે પરબધામમાં મોટો મેળો ભરાય છે. સેવાદાસ બાપુ સ્વધામ ગયા પછી તેમના શિષ્ય કરશનદાસબાપુ પરબધામના હાલના મહંત છે.

મહા મહિનાની બીજ, દશેરા અને મહંત સેવાદાસબાપુની પુણ્યતિથી નિમિતે 4 એપ્રિલના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. આ દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. બહારથી આવનારા પર્યટકો માટે અહીં રહેવા માટે ધર્મશાળા તેમજ ભોજન માટે અન્નક્ષેત્રની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ જગ્યાની સ્વચ્છતા અહીં આવતા શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષે છે.

સૌને સત દેવીદાસ, અમર દેવીદાસ…

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also read : Artist of the week : Know these Artists of Junagadh City!