આખું વર્ષ ભલે જૂનાગઢ ની બહાર રહ્યાં હોય, પણ ચોમાસુ તો જૂનાગઢમાં જ વિતાવવું પડે હો!

જૂનાગઢ

હાલને ભેરુ, આ ચોમાસે જૂનાળે ભેળાં ભીંજાઈએ 

ને આ મહામૂલો મનખો દેહ, સફળ કરી જાઈએ”

જૂનાગઢ : બીજા શહેરો માટે ચોમાસુ એ માત્ર એક વર્ષાઋતુ હશે, પણ આપણાં જૂનાગઢ માટે તો એ એક ઉજવણીનો પ્રસંગ હોય છે.  જે રીતે આખાં વર્ષ દરમિયાન આપણે તહેવારો ઉજવીએ છીએ, એ જ રીતે આપણે વરસાદના આગમનને પણ વધાવીએ છીએ. આજે વાત એવા લોકોને રીઝવવાની છે કે, જે લોકો જૂનાગઢના તો છે પણ જૂનાગઢમાં નથી! કારણ કોઈપણ હોય શકે; સ્ટડી, જોબ કે બિઝનેસ, પણ તે જૂનાગઢમાં આવી શકતા નથી.

જૂનાગઢ

આખું વર્ષ ભલે તમે જૂનાગઢથી દૂર હોવ પરંતુ જો ચોમાસામાં અમુક સમય, એ પણ અમીછાંટણાં થઈ ગયા પછી પણ તમે જૂનાગઢમાં ન આવી શકો તો ખરાં જૂનાગઢી કેમ’ના કહેવાવ?

જૂનાગઢ

આપણાં શહેર જૂનાગઢ પર વર્ષાઋતુ આફરીન હોય છે. નરસૈયાંની આ નગરીને ચોમાસાના વાદળો અને વરસાદ જાણે કે નવી દુલ્હનની જેમ સોળે શણગાર સજાવે છે. આપણા વડવાઓ કહેતા કે, ગિરનાર તો ભાઈ વાદળો સાથે વાતો કરે! કદાચ ગિરનાર દાદાની એ જ વાદળો સાથેની લાગવગને લઈને આપણા શહેર પર વર્ષાઋતુ આટલી મહેરબાન હોય છે!

“બીજા શહેરોને આ કાળાડિબાંગ વાદળો પલાળે છે અપરંપાર

પણ આપણાં જૂનાગઢને એ જ વાદળો ભીંજાવે છે બની ને એનો યાર !”

મૌસમના એક વરસાદ પછી તો આ નગરીનું સૌંદર્ય સ્વર્ગની અપ્સરાથી પણ ઓછું નથી હોતું. ગિરનારની સમગ્ર પ્રકૃતિ જાણે નવું જીવન પામે છે, ચારેકોર હરિયાળી અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય છે. જટાશંકરે તો જાણે કે ભોળાનાથની જટામાંથી ગંગાભિષેક થતો હોય એવા ઝરણાં જીવંત બની વહેતાં હોય છે અને તળાવની પાળે આવેલા નવા નીરને વધાવવા પક્ષીઓ આનંદથી કલરવ કરતાં હોય છે.

જૂનાગઢ

તો ક્યાં સુધી બીજા શહેરોમાં રહીને ખાલી પલળ્યા કરશો? આવો આપણાં જૂનાગઢમાં’ને થોડા ભીંજાવ પણ ખરાં!તળેટીના ખોળે કે પછી તળાવની પાળે, ભવનાથના રસ્તે કે પછી વિલિંગ્ડન ડેમના હરતે ફરતે, દાતારના ડુંગરે કે પછી વાઘેશ્વરી માતાના મંદિરે થતાં સૂર્યાસ્તે! સ્વાદવિહીન વરસાદના ટીપાં તમારા જીવનને સ્વાદિષ્ટ બનાવી નાખશે!

તો હાલો બિસ્તરા પોટલા સંકેલો અને વાટ પકડો જૂનાગઢ ભણી,

વિતાવો આ ચોમાસુ જૂનાગઢમાં, એ જ વિનંતી છે “કસુંબી” તણી !

Author : Kalpit Chandpa(“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રા “યાદ કરો કુરબાની” યોજવામાં આવી