જૂનાગઢ જિલ્લા પર મહેરબાન થયા મેઘરાજા, એક જ રાતમાં નદીઓમાં નવા નીર વહેતા થઈ ગયા.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનો ભય વ્યાપી ગયો હતો, ત્યારે આ ભયની વચ્ચે થોડી રાહત આપવા માટે મેઘરાજાએ જૂનાગઢ જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. જેના કારણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો સહિત તમામ લોકો હરખની લાગણી અનુભવી રહ્યા છે.

ગઈકાલે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. જેના કારણે જૂનાગઢની જીવાદોરી સમાન વીલીન્ગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. જેથી હવે જુનાગઢવાસીઓએ પાણીની ચિંતા કરવાની રહી નથી. આ સાથે જ જિલ્લાના અન્ય ડેમો પણ ઓવરફ્લો થયા છે, તો અમુક ડેમમાં નવા નિરની આવક થઈ ચૂકી છે.

અહીં જોઈ શકીએ છીએ કે, ગઈકાલ રાતે મેઘરાજાની સવારી સાથે આવેલા મુશળધાર વરસાદના કારણે વંથલીનો સૌથી મોટો ઓઝત ડેમ નવા નીર સાથે ભવ્ય દેખાઈ રહ્યો છે. જેના થકી સમગ્ર સોરઠ પંથકના ખેડૂતો ખેતી બાબતે નિશ્ચિન્ત થઈ ગયા છે.

આ સાથે જ માંગરોળની સાંબલી નદીમાં પણ નવા નીર આવ્યા છે. જેના થકી સાંબલી ડેમના ઉપરવાસમાં 10.3 ફૂટ નવા નિરની આવક થઈ છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લાની વિવિધ નદીઓમાં પણ મબલખ પ્રમાણમાં નવા નીર ઉમેરાયા છે.

ગઈકાલે થયેલી મેઘમહેરના કારણે ઓઝત-2 ડેમ, મઘુવંતી ડેમ, આંબાજળ ડેમ સહિતના મોટાભાગના ડેમોમાં સરેરાસ 3 ફૂટ પાણીની આવક થવા પામી છે. જેના થકી સોરઠ પંથકમાં ચાલુ વર્ષે ખેતી અને અન્ય ક્ષેત્રોમાં પાણીની ચિંતા ટળી ગઈ છે.

Information Sources:- InfoJunagadh