સ્વતંત્રતા : બાબરીયાવાડની ઘટના પછી હિન્દી સંઘ દરરોજ પાંચ સિપાહીઓની ટૂકડીને બાબરીયાવાડ મોકલતો અને સાંજે તે ટુકડી પાછી આવતી. ભારતીય સેના સામે ચાલીને આક્રમણ કરવા માંગતી ન હતી કારણ કે, તેમ કરવાથી પાકિસ્તાનની લડાઇ કરવાનું કારણ પણ મળી જાય પણ આ રોજની ક્રિયાથી કોઈપણ પ્રકારનું પરિણામ આવતું ન હતું.
જેના માટે પ્રજાકીય આંદોલન પણ જરૂરી હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ સ્થપાયેલી આઝાદ હિંદ ફોજના દ્રષ્ટાંતને અનુસરીને જૂનાગઢમાં પણ આવી કોઈ રચના કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું. જેને નામ આપવામાં આવ્યું “આરઝી હકૂમત”. આરઝી હકૂમતની રચના માટે સૌ સંમત થયા અને તેનું નેતૃત્વ અમૃતલાલ શેઠને આપવામાં આવ્યું. અમૃતલાલ શેઠ તેમના દૈનિક પત્રો અને સાપ્તાહિકમાં પણ રાજાશાહી કે નવાબશાહને ખતમ કરવા માટે અને પ્રજાને જાગૃત કરવા માટે લખાણ લખી રહ્યા હતા.
દિલ્હીની એક પ્રાર્થનાસભામાં ગાંધીજીએ જણાવ્યું કે,“જૂનાગઢમાંથી પાકિસ્તાન જવું જ જોઈએ” આ વાતને કારણે આરઝી હકૂમતને સંકલ્પ બળ મળ્યું.
તારીખ 25મી સપ્ટેમ્બર 1947ના રોજ ગુરુવારે મુંબઈમાં વસતા કાઠિયાવાડના લોકોની જંગી સભા માધવબાગ મળી. જૂનાગઢ રાજ્યના વતની ન્યાલચંદ્ર શેઠ સભાના પ્રમુખ હતા. કનૈયાલાલ મુનશીની કલમે લખાયેલું જાહેરનામું વાંચવામાં આવ્યું. જૂનાગઢના નવાબે પ્રજાદ્રોહ કરીને લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે અને તેમનો નિર્ણય પ્રજાને બંધનકર્તા નથી, તેવી સ્પષ્ટતા કરવામાં આવી. પાકિસ્તાન સાથેના જોડાણનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો. જૂનાગઢ રાજ્યને હિન્દી સંઘ સાથે જોડવાની જાહેરાત કરવામાં આવી. હિન્દી સંઘને જોડાણ સ્વીકારવાની વિનંતી કરવામાં આવી. આમ, પ્રજાના આ નિર્ણયનો અમલ કરવા માટે આરઝી હકૂમતની વિધિવત રચના કરવામાં આવી.
આરઝી હકુમતે સૌથી પહેલું કામ લશ્કર અને શાસ્ત્રોનો પ્રબંધ કરવાનું કર્યું, આ સેનાનું નામ “આઝાદ જૂનાગઢ ફોજ” એવું આપવામાં આવ્યું અને લોકોમાં આ નામ લોકસેના તરીકે પણ પ્રચલિત થયું.
જૂનાગઢ રાજ્ય પાસે નિયમિત સેના અને વાયુસેના તેમજ પોલીસ દળ મળીને વધુ કુલ ત્રણ હજાર સૈનિકો હતા. લોકસેનામાં કુલ 7 પ્રકારના સૈનિકો હતા. ભાડવા અને વાઘણીયાના દરબાર સાહેબ શરૂઆતથી આરજી હકુમતને માન્યતા આપેલી.
તાલીમ આપવા માટે ભાડવા, વાઘણીયા વગેરે સ્થળે લોકસેનાના સૈનિકોને તાલિમ આપવાનું શરૂ કર્યું. નાણાની જોગવાઇ તેમજ હથિયારોનો પ્રબંધ કરવા માટે રતુભાઈએ શામળદાસને ભારપૂર્વક જણાવ્યું. ઢેબરભાઈ અવારનવાર દિલ્હી જતા સરદાર પટેલ સાથેની મુલાકાતમાં તેમણે સરદાર પટેલને જણાવ્યું કે, લોકસેના જૂનાગઢની સશસ્ત્ર સેના સામે ટક્કર ઝીલી શકે તેમ નથી. કેન્દ્ર સરકારે આ માટે કંઈક કરવું જોઈએ.
તેના જવાબમાં સરદાર પટેલે જણાવ્યું કે, જુનાગઢને પાકિસ્તાનમાં જતું રોકવું હોય તો, જૂનાગઢના લોકોએ લડવાની હિંમત કરવી જોઈએ.
તારીખ 5 ઓક્ટોબર, 1947ના રોજ હિંદ સરકારે જાહેર કર્યું કે, જૂનાગઢના નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું છે. તે હિન્દુ સરકાર સ્વીકારતી નથી.
સંદર્ભ: “ગિરનાર પુસ્તક”
વધુ ક્રમશઃ…
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh
Image Source – Google and http://kathiyawadikhamir.com/
Also Read : How to be a Marketing Executive in a Social Media Marketing Company