Junagadh Before Independent : જૂનાગઢ આ નામ સાંભળતા જ જૂનાગઢવાસીઓની છાતી ગજગજ ફૂલવા માંડે! જૂનાગઢ જેટલું જૂનું છે, એટલું જ રૂડું અને સૌ કોઈનું ગમતું છે. વર્તમાન સમયનું જૂનાગઢ તો સૌ કોઈને વ્હાલું લાગે જ છે, પરંતુ આઝાદી પહેલાનું આ જૂનાગઢ વર્તમાન સમય કરતાં પણ વધુ સુંદર અને વૈવિધ્યપૂર્ણ હતું. આઝાદી પહેલા જૂનાગઢમાં બનેલી ઇમારતો, બાગ-બગીચા, ધાર્મિક સ્થાનો, શાળાઓ, રસ્તાઓ વગેરે આપણાં જૂનાગઢને રજવાડી સુંદરતા બક્ષતા હતા.
ત્યારે આવો જોઈએ જૂનાગઢની કેટલીક એવી તસ્વીરો જે ખૂબજ દુર્લભ છે અને તે પ્રત્યેક તસવીર આજે પણ જૂનાગઢની પ્રાચીન સુંદરતાનો અહેસાસ કરાવે છે…
મજેવડી દરવાજા:
તાજેતરમાં જ મજેવડી દરવાજાનું મનપા દ્વારા રિનોવેશન કરીને તેને નવું રૂપ આપવામાં આવ્યું છે, આ દરવાજાનું જ્યારે નિર્માણ થયું ત્યારે તે કૈંક આવો દેખાતો હતો. આઝાદી વખતે લોકસેના અહીથી જૂનાગઢ નગરમાં પ્રવેશી હતી.
દત્તાત્રેય ટૂંક:
આ તસવીરમાં પર્વતાધિરાજ ગિરનારની દત્તાત્રેય ટૂંક દ્રશ્યમાન થાય છે. હાલમાં જે મંદિર નિર્માણ પામેલું છે, તેની જગ્યાએ માત્ર નાની ઝૂંપડી જેવું મંદિર નજરે પડે છે. આ તસવીર એફ.નેલ્સન દ્વારા વર્ષ 1890ની આજુબાજુ લેવામાં આવી હોવાનું મનાય છે.
બહાઉદ્દીન કોલેજ:
જૂનાગઢના નવાબ રસુલખાનજીના સાળા અને વજીર બહાઉદ્દીનભાઈ દ્વારા બંધાવેલી આ કોલેજને બહાઉદ્દીન કોલેજના નામથી ઓળખાય છે. જૂનાગઢને આઝાદી મળી તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે અહિયાં પટાંગણમાં જાહેર સભાને સંબોધી હતી.
બહાદુર ખાનજી હાઈસ્કૂલ:
વર્ષ 1853માં જૂનાગઢનાં નવાબ મહાબત ખાન બીજા(શાસનકાળ: 1851-1882)એ ‘બોમ્બે બોર્ડ ઓફ એજ્યુકેશન’ સાથે મળીને વેસ્ટર્ન કલ્ચર અનુસાર શિક્ષણ આપવાનું નક્કી કર્યું, ત્યારે વર્ષ 1873માં આ શાળામાં અભ્યાસીક પ્રવૃતિ શરૂ થઈ. હાલમાં આ બિલ્ડીંગમાં શાળા જ કાર્યરત છે, જેને આઝાદ ચોક સ્થિત ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે. તસવીર: સોલંકી સ્ટુડિયો-રાજકોટ(અંદાજે વર્ષ-1900)
સરદાર બાગ:
સરદાર બાગને સોરઠના સ્થાપક ‘સરદારખાન’ના નામથી ઓળખવામાં આવે છે, કારણ કે તેની સ્થાપના(વર્ષ-1681) તેઓને આભારી છે. જેને પછીથી મહાબત ખાનજીએ વિસ્તૃત રૂપ આપ્યું હતું. તેઓના શાસનકાળ દરમિયાન શહેરમાં ઘણા નવા બાંધકામ અને બગીચાઓ વિકસિત થયા. આ તસવીરમાં પેવેલિયન, બગીચાઓ અને એ સમયમાં સિંહોને રાખવામાં આવતા પાંજરાઓ દ્રશ્યમાન થાય છે.
સ્વામિનારાયણ મુખ્ય મંદિર:
ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ દ્વારા 19મી સદીમાં બાંધવામાં આવેલું સ્વામિનારાયણ મંદિર આઝાદી પહેલા કૈંક આવું દેખાતું હતું. હાલમાં આ મંદિરને સુવર્ણ શિખરથી સજ્જ કરી દેવામાં આવ્યું છે.
દાતાર દરગાહ:
જૂનાગઢમાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું પ્રતિક ગણાતા દાતાર બાપુની જગ્યા અનેરું મહત્વ ધરાવે છે. આ દરગાહ મુસ્લિમ સંત જમીયલ શાહ દાતાર બાપુની છે, જે આઝાદી પહેલા એફ.નાલ્સન દ્વારા ખેંચવામાં આવેલી તસવીરમાં કૈંક આવી લાગતી હતી.
જામ્મા મસ્જિદ:
જામ્મા મસ્જિદ 19મી સદીમાં એ સામના મુસ્લિમ શાસકો દ્વારા બંધાવવામાં આવી. જે એ સમયના ઈસ્લામિક આર્કિટેક્ચરને ધ્યાને લઈને બનાવવામાં આવી હતી. મહાબત મકબરાની નજીક હાલમાં પણ આ મસ્જિદ કૈંક નવા રંગરૂપ સાથે જોવા મળે છે.
સરદાર ગેઇટ:
જૂનાગઢ જંકશનની સામે આવેલો સરદાર દરવાજો પહેલા ‘રે-ગેઇટ ક્લોક ટાવર’ના નામથી ઓળખાતો. આ દરવાજો એ સમયનો જૂનાગઢનો એકમાત્ર દરવાજો હતો એવું માનવામાં આવે છે. અર્ધ ચંદ્રાકાર આકારમાં બનેલો આ દરવાજો વઝીર બહાઉદ્દીનભાઈનો ડેલા તરીકે પણ ઓળખાતો.
ચોક્સી બજાર:
હાલમાં ચોક્સી બજાર તરીકે ઓળખાતી આ બઝારનું નિર્માણ નવાબીકાળમાં થયું હતું. જેની ખાસિયત એ હતી કે, નવાબના મહેલની ઇમારત સાથે તે સળંગ રીતે જોડાયેલી હોય તેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
દરબાર હૉલ:
આપણાં જૂનાગઢનાં દરબાર હૉલ તરીકે ઓળખાતી આ ઇમારત હાલ ખંઢેર અવસ્થામાં જોવા મળે છે. નવાબીકાળમાં આ ઇમારતમાં નવાબનો દરબાર ભરાતો, સૌથી ઉપરના માળે આયના મહેલ સ્થિત છે, જે અત્યારે બંધ હાલતમાં છે.
દામોદર કુંડ:
પવિત્ર દામોદર કુંડ સોનરખ નદીના જળથી ભરાઈ છે. આ નદીને પેલે પાર દામોદરરાયજીના મંદિર સુધી પહોંચવા માટે આ પૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે આઝાદી પહેલા આવો દેખાતો હતો.
સક્કરબાગ જૂનાગઢ:
નવાબ મહાબત ખાનજી બીજાએ પોતાના શાસનકાળ દરમિયાન શહેરથી 3 કિમી દૂર સકકરબાગનું નિર્માણ કરાવ્યું હતું. સક્કરબાગના નિર્માણ સમયે ત્યાં અનેક પ્રકારના ફૂલઝાડ અને ફુવારાઓ રાખવામાં આવ્યા હતા. આ બગીચાની અંદર બંગલોનું પણ નિર્માણ થયું અને પછીથી પ્રાણી સંગ્રહાલય પણ બન્યું.
ચિત્તાખાના મસ્જિદ:
ચિત્તાખાના ચોકમાં જોવા મળતા બે મિનારાઓ પર સુંદર કલાકૃતિઓ જોવા મળે છે. જેનું નિર્માણ 13મી સદીમાં મહુમ્મ્દ ગઝનીના જૂનાગઢ પર વિજય વખતે થયું હોવાનું માનવામાં આવે છે. જે બાદ વર્ષ 1735 દરમિયાન મુસ્લિમ શાસકો આવતા ફરી તેનું બાંધકામ થયું હોવાનું જાણવા મળે છે.
ઉપરકોટ દરવાજા:
અત્યંત પૌરાણિક ગણાતો ઉપરકોટનો આ દરવાજો ઉપરકોટના કિલ્લાના નિર્માણ સમયથી સ્થિત હોવાનું માનવામાં આવે છે.Reference: Internet
Photo Credit: Solanki Studio- Rajkot &
F.Nelson
Integration: Sumit Jani(Shivay) #TeamAapduJunagadh
Also Read : New currency notes for 100 Rs soon