10 ઓગષ્ટ નો દિવસ એટલે વિશ્વ સિંહ દિવસ. સમગ્ર વિશ્વ માં સિંહ પ્રજાતિ ના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકો માં જાગૃતિ કેળવાય અને સિંહ ના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકો ની ભાગીદારી વધે અને સહિયારા પ્રયાસ થાય તે હેતુ થી વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે.
તમને કોઈ એવું પૂછે કે હાલમાં એશિયાટીક સિંહોની સંખ્યા કેટલી છે? મોટાભાગના લોકો ને ગૂગલ નો સહારો લેવો પડશે. આ તો સાવ સામાન્ય વાત સિંહ વિશે ની હતી. તો તમે પૂછો જોઇયે તમારી જાત ને કે આપણાં સિંહો વિષે આપણે કેટલી ખબર છે? ચાલો આ તો કટાક્ષ થઈ ગ્યો ! પણ આ કટાક્ષ કરવા પાછળ નો મુખ્ય ઉદેશ્ય મારો એટલો જ છે કે આપણે જે ગીર , ને સિંહ પ્રત્યે ગર્વ અનુભવીએ છીએ એમના પ્રત્યે આપણે હકીકત માં કેટલી દરકાર છે?
વર્તમાન સમય માં સોશિયલ મીડિયા માં સિંહ ને “બ્રાન્ડ ”બનાવી દેવામાં આવી છે. ચોક્કસ એ કારણ ને લઈ ને સિંહ પ્રત્યે લોકો વધુ જાગૃત બન્યા છે અને સિંહ ની સંખ્યા માં પણ વધારો થયો છે. પણ જે રીતે દરેક સિક્કા ની બે બાજુ હોય છે એ જ રીતે સિંહ ને આ રીતે સેલિબ્રિટી બનાવી દેવાના કારણે એના અસ્તિત્વ પર પણ ફરીથી જોખમ ઊભું થયું છે !
કારણ કે અમુક લોકો માં સિંહ જોવાની, કે સિંહ ની પ્રાઇવસી(ગોપનીયતા) જોખમાય તે રીતે એમના ફોટોસ અને વિડીઓસ લેવાની ને પછી વાઇરલ કરવાની, સિંહો ને શિકાર ના સમયે રંજાડવાની કે પછી તેને કોઈ શિકાર ની લાલચ આપી ને હેરાનગતિ કરવા જેવી ઘેલછા પ્રવર્તમાન છે. આવી માનસિકતા સાથેના લોકો આપણાં ગૌરવશાળી સિંહ અને ગીર બંને નું અપમાન કરે છે.
સિંહો ને પ્રખ્યાત બનાવવાનો મુખ્ય હેતુ એમની કાળજી, જાણવળી અને ભાવિ પેઢી ને સિંહ જેવા સ્નેહ પ્રિય, સ્વમાની અને સમૂહપ્રિય દિવ્ય પ્રાણી ની કદર રહે એ માટે નો હતો. પણ તમે અત્યારે અવાર નવાર જોતાં હોવ છો , સિંહ ની પજવણી અને રંજાડ સામાન્ય બની ગયા છે જે બિલકુલ અયોગ્ય છે.
અમુક લોકો ના માનસ પર સિંહ પ્રત્યે દયા, અનુકંપા અને પ્રેમ ભાવ ને બદલે સિંહ ના નામ પર કે એમની સાથે પોતાની જાત ની સરખામણી કરી ને કે આવા સિંહ ને રંજાડ કરતાં હોય એવા વિડિઓસ ઉતારી ને સોશિયલ મીડિયા પર મૂકી ને માત્ર ને માત્ર પોતાની મૂર્ખ માનસિકતા નું જ પ્રદર્શન કરતાં રહે છે !
અમુક ચોક્કસ સમૂહ સોશિયલ મીડિયા પર પોતાની જાતની પણ સિંહ સાથે સરખામણી કરતી પોસ્ટ મૂકતા હોય છે અને એમનું મિત્ર વર્તુળ પણ
“હાં! સાવજ હાં!
હાં! મારો ગીરનો સાવજ!
ગીરની સિંહણ!
સાવજ ના ઠેકાણાં ન હોય વાલા!”
જેવી કમેંટ આપતા હોય છે. તો આવું કરીને એમને આ રીતે પ્રેરણા આપતા હોઈએ છીએ. પણ આવી બાબતો થી એ લોકો માત્રને માત્ર સિંહ નું અપમાન જ કરતાં હોય એવું લાગે. કારણ કે સિંહની કદર કરવા માટે આવી બધી બાબત અયોગ્ય છે.
તો આ વિશ્વ સિંહ દિવસે , આપણાં સિંહ પ્રત્યેના વલણ માં બદલાવ લાવી ને આ ગૌરવપૂર્ણ પ્રાણી ના આન , બાન, શાન જળવાય રહે એ માટે પ્રયત્નો કરવાનો સંકલ્પ લઈએ.
“નમામિ ગીર ! નમામિ સિંહ ”
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh
Also Read : Darbar Hall Museum