તમારી સાથેનો દિવસ ઉત્સવ થઈ ઉજવાઇ, એનેજ નવું વર્ષ કહેવાય.

નવું વર્ષ

નવું વર્ષ : કારતક સુદ એકમથી આપણું નવું વર્ષ શરુ થાય છે. આપણે સૌ આ નવા વર્ષની સુંદર ઘડીએ સ્નેહીજનોને ત્યાં જઈ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઈશ્વર તથા વડીલોને વંદન કરી આવતું નવું વર્ષ આપણાં માટે શુભકારી બની રહે તે માટે એમના આશીર્વાદ મેળવતા હોઈએ છીએ.

નવું વર્ષશું તમને ખબર છે? નવું વર્ષ ઉજવવાની પરંપરા રાજા વિક્રમાદિત્યના સમયથી શરુ થઈ હતી. રાજા વિક્રમાદિત્યએ હુણ અને શકવંશી રાજાઓ પર વિજય મેળવી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. તે પછીનો બીજો દિવસ કારતક સુદ એકમ, જેને નુતન વર્ષ સ્વરૂપે ઉજવી વિક્રમ સંવતની શરૂઆત કરી હતી. જે પરંપરા આજ સુધી ચાલી આવે છે.

નવું વર્ષ

જયારે આપણે નાના હતાં ત્યારે નવા વર્ષની ઉજવણીનો ઉત્સાહ કંઈક અલગ જ રહેતો. યાદ છે!! એ નવા કપડાં પહેરવા માટેની તલપ કે એમ થતું કે જલ્દી નવા વર્ષની સવાર પડે અને સૌની પહેલાં ઉઠી નાહીને નવા કપડાં પહેરી તૈયાર થઈ જઈએ. ત્યારબાદ મિત્રો સાથે પાડોશીઓને ત્યાં જવાનું, અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તાઓની મિજબાની કરવાની અને મસ્ત મજાના મુખવાસ ખાઇ થોડા ખિસ્સામાં પણ ભરવાના…વાહ! શું નિર્દોષ આનંદ હતો એ નહીં!? તેમજ વડીલોને પગે લાગ્યા બાદ તેમણે શુકન રૂપે આપેલા પાંચ કે દસ રૂપિયા તો જાણે ખજાનો મળી ગયો હોય ને એટલા કિંમતી સમજીને ખુબજ હરખાતાં.

નવું વર્ષ
આજે પણ આપણે નવું વર્ષ તો ઉજવીએ જ છીએ પણ ઉજવણીની રીત થોડી બદલાય ગઈ છે. આજે લોકો માંડ મળતા વેકેશનમાં બહાર ફરવા નીકળી જાય છે, ફેમિલી ગેટ ટુ ગેધર દિવસે’ને દિવસે ઓછા થતાં જાય છે, ત્યારે એક સુંદર પંક્તિ યાદ આવે છે .

“હું અને તું ના સંબંધથી આગળ વધીએ,
આપણે થઇ, ચાલ આ નવું વર્ષ ઉજવીએ.”

બધાને Happy New Year!!!!

Author : Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : બોલીવૂડ ની આ અભિનેત્રીઓ એ મનાવ્યો યોગ દિવસ… જુઓ તસવીરો