Gujarat Sthapna Divas : નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત

Gujarat Sthapna Divas

Gujarat Sthapna Divas : આપણા ભારત દેશને અમૂલ્ય અને અભિન્ન એવા હીરા, વીરા અને વનરાજ આપનાર પ્રદેશ એટલે આપણું સૌનું ગરવી ગુજરાત. મોહનદાસ કરમચંદ ગાંધી કે જેનો ફોટો આપણા દેશની ચલણી નોટો પર છે એ ગુજરાતી. વિશ્વનું સૌથી ઊંચું પૂતળું સ્ટેચ્યુ ઓફ યુનિટી જેના લોખંડી મનોબળને દર્શાવે છે એ અમર પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી.

Gujarat Sthapna Divas

“મોભાની રાખું હું મૂછું, છપ્પન ઇંચની છાતી

ઓળખ અમારી ગુજ્જુ, એ વાત પણ સાચી

‘આઝાદ’ ગર્વ છે, આ ગુર્જરભૂમિ માત્ મારી

કણ-કણમાં દીઠે વિશ્વરૂપ, તું સ્વર્ગથી ન્યારી“

Gujarat Sthapna Divas

આખી દુનિયામાં જ્યાં એક માત્ર એશિયાઈ સિંહ આવેલા છે એ આપણું ગુજરાત. જ્યાંના ગરબા આખા વિશ્વમાં પ્રચલિત છે એ આપણું ગુજરાત, જ્યાં બાર ગાવે બોલી બદલાય અને ગામે-ગામે પ્રખ્યાત વાનગીઓ એ આપણું ગુજરાત. જ્યાં દ્વારિકા નગરી અને સોમનાથ જ્યોતિર્લિંગ આવેલા છે એ આપણું ગુજરાત. જ્યાં નરસૈંયો ને નર્મદ, જેસલ તોરલ અને ઝવેર અવતર્યા હોય એ આપણું ગુજરાત અને આ બધુ લખનાર હું પણ ગુજરાતી, જય જય ગરવી ગુજરાત…

ગુજરાતની જેને માયા લાગી છે, એ ગુજરાતથી અલગ ક્યારેય ના રહી શકે. ક્યારેક પૂછજો તમારી આસપાસ કામ કરતા અન્ય રાજ્યના લોકોને, કહેશે કે “પાગલ થોડી ના હું જો ઇતને અચ્છે લોગ ઓર એટમોસ્ફિયર કો છોડ કે જાઉં”. ગુજરાત વિશે વિધિવત્ બધુ જાણવા આમ તો જન્મ જન્માંતરના અનેક ફેરા લેવા પડે.

ત્યારે ટૂંકમાં ગુજરાતને વર્ણવું તો, ગુજરાત એ આપણા દેશનો જમણો હાથ છે, પશ્ચિમી પડખું છે. જે પાકિસ્તાન, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સીમા ધરાવે છે. 33 જિલ્લા અને 250 આસપાસ તાલુકા આવેલા છે. ભારતમાં સૌથી લાંબો એટલે કે 1600 કિમીનો દરીયાકિનારો ધરાવતું રાજ્ય એટલે આપણું ગુજરાત.

ગુજરાતમાં આવેલા દરેક જિલ્લાની પોતાની અલગ ઓળખ છે. કચ્છનો રણોત્સવ, ‘મુંજો કચ્છડો બારે માહ’. પાટણના પટોળા, “મારા સાટું પાટણથી પટોળા લેતા આવજો”. જામનગરની બાંધણી અને ગુજરાતનું એકમાત્ર મરીન પાર્ક, દ્વારિકાનગરીમાં જગત મંદિર, પોરબંદરનો કોસ્ટલ હાઈવે, જૂનાગઢમાં ગિરનાર અને ‘ખમ્મા મારી ગીરને’, સોમનાથમાં જ્યોતિર્લિંગ, દીવ દમણ, અમરેલીમાં બગસરાના ઘરેણાં, ભાવનગરના ગાંઠિયા, બોટાદના સાળંગપૂરમાં કષ્ટભંજનદેવનું મંદિર, રંગીલા રાજકોટમાં ગરબા, સુરેન્દ્રનગરમાં ચોટીલાધામ, ઉતર ગુજરાતના જિલ્લાઓમાં ખેતિકિય પ્રગતિ, ગાંધીનગરમાં સાયન્સ સિટી, અમદાવાદમાં સિદી સૈયદની જાળી અને રાણીની વાવ, આણંદમાં અમૂલ ડેરી, વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ, પંચમહાલમાં પાવાગઢ ધામ, દાહોદમાં રતનમહાલના વનો, નર્મદામાં ગુજરાતની જીવાદોરી ‘નમામિ દેવી નર્મદે’, સુરતમાં તાપી, ડૂમ્મસ અને હીરાની બજારો, નવસારી દાંડીનો દરિયો અને ડાંગનો ડાંગ દરબાર અને સાપુતારા. ગુજરાતમાં રહેતા હો અને આ સ્થળો ન જોયા હોય તો અચરજ પામવા જેવું છે.

હા ખરેખર! તમે જ બાકી રહી ગયા છો, આ વેકેશનમાં જોઈ આવો. હા એકલા એકલા જાવ તો છો પણ પાછા આવીને તમારા અનુભવો પ્રતિભાવો જરૂર આપજો. ગુજરાતનો પડઘો આખા વિશ્વમાં પડે છે અને વધુ પડઘા તમે પાડો એવી આશા સાથે ફરી મળીશું…

જય જય ગરવી ગુજરાત…

જય હિન્દ….

 

Author- Himanshu Kikani #TeamAapduJunagadh

Also Read : Gujarat Sthapna : 1લી મે, ગુજરાત સ્થાપના દિન