God Vishnu : તિરૂપતિ બાલાજી અને શ્રીપતિ એટલે લક્ષ્મીપતિ એ ભગવાન વિષ્ણુના સ્વરૂપ છે. તિરુમાલામાં શેષાચલ નામે ઓળખાતા આદિશેષની સાત ફણાઓ સ્વરૂપના સપ્તશિખરી પર્વતની સાતમી ટૂંકે તે બિરાજમાન થયા છે તેવું કહેવાય છે. દક્ષિણ ભારતમાં આવેલા શેષાચલની તળેટીમાં તિરુચેંદૂર નગરમાં લક્ષ્મીના ભવ્ય મંદિરમાં “પદ્માવતી”ના દર્શન કરી શેષાદ્રી, નીલાદ્રી, ગરૂડાદ્રી, અંજનાદ્રી, વૃષભાદ્રી, નારાયણાદ્રી અને વેંકટાદ્રી એમ સાત શિખરોના આરોહણ કરીએ ત્યારે છેલ્લા વેંકટાદ્રી પર પ્રતિષ્ઠિત ભગવાન વેંકટેશના દર્શન પામી શકાય.
એ પ્રખ્યાત તિરુપતિ મંદિર જેવુંજ આબેહૂબ મંદિર જૂનાગઢની પશ્ચિમે 22 કી.મી. દૂર આવેલા તિરુપતિ ખોરાસા તરીકે ઓળખાતા ગામમાં આવેલું છે.
એક દંતકથા મુજબ, માંગરોળ જવા નીકળેલા અને રસ્તામાં ભૂલા પડેલા નરસિંહ મહેતા અને તેમના કાકા પર્વત મહેતાના રક્ષણ માટે ભગવાન શ્રીકૃષ્ણે આ ગામ વસાવ્યું હતું. લગભગ 200 વર્ષ પૂર્વે અયોધ્યા નજીક જન્મેલા સરવરિઆ બ્રાહ્મણ ગોપાલ નાની વયમાં કુટુંબનો ત્યાગ કરી વૈરાગી સાધુઓ સાથે નીકળી પડ્યા હતા. ફરતા-ફરતા દક્ષિણમાં બદ્રિનારાયણ સ્વામિ પાસે રામાનુજ સંપ્રદાયની વિધિ પ્રમાણે પંચ સંસ્કાર દીક્ષા લઈ, તેઓ વૈષ્ણવ થયા અને ધર્મ-સંપ્રદાયનો પ્રચાર કરવા મહાશિવરાત્રીએ ગિરનાર પધાર્યા હતા. ખોરાસાના રહીશ લવજીભાઇના આમંત્રણનો સ્વીકાર કરી સ્વામીજી અહીં પૂર્ણ સન્માન સાથે ખોરાસા આવ્યા. આ ભૂમિથી પ્રસન્ન થઈ, તેઓએ અહીં જ નિવાસ કરવાનો નિર્ણય લીધો હતો. એક નાના મકાનમાં ઈષ્ટદેવની મુર્તિ વેંક્ટેશ તથા દેવી ભૂદેવી પધરાવી આરાધના શરૂ કરી હતી. ત્યારથી આ મંદિર હોવાની માન્યતા છે.
અહીં દરવર્ષે જ્ન્માષ્ટમીના બીજા દિવસે દહીંહાંડી કાર્યક્રમ યોજાય છે. મંદિરના મેદાનમાં ખામણું ગાળી 60 ફૂટ ઊંચો સ્તંભ ઊભો કરવામાં આવે છે. ખામણાની ફરતે ભીંડીનું પાણી અને છાશ જેવા ચીકણા પદાર્થની મોટી કોઠીઓ ભરેલી હોય છે. સતત પાણીના મારા વચ્ચે ગોવિંદાઓ મટકી આંબવાનો પ્રયાસ કરે છે. દરવર્ષે ઉજવાતા આ અનોખા નંદોત્સવને જોવા હજારો ભાવિકો ઉમટી પડે છે. સ્થાનિક ભાષામાં આ નંદોત્સવને “લઠ્ઠો કે લઠ્ઠોત્સવ” પણ કહેવાય છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે ભગવાન “તિરુપતિ બાલાજી” ના નામમાં બાલાજી શબ્દનો શો અર્થ છે, તો આવો આપણે એ પણ જાણીએ…
-
બાલાજી:
આ નામ સાથે એક રોચક કથા જોડાયેલી છે, કહેવાય છે કે એક વખત એક નાનકડો છોકરો તળેટીના મંદિરમાં દર્શન કરવા જતો હશે. કોઈ કારણોસર પૂજારીઓએ તેનું માથું ભાંગી નાખ્યું. તે નાસીને વ્યંક્ટેશને દ્વારે ગયો અને ભગવાનને આજીજી કરી. ત્યારે પાછળ આવી પહોચેલા પૂજારીઓએ જોયું કે છોકરો ત્યાં ન હતો, પણ જ્યારે મંદિરના ગર્ભગૃહના દ્વાર ઉઘાડયા ત્યારે ભગવાનના મસ્તક પર પણ તાજો વાગેલો લોહી નીકળતો ઘા દેખાયો. ત્યારે એ પૂજારીને ભગવાનના પરચાનો ભાષ થયો. જે છોકરાને તેઓએ ઘા પહોંચાડ્યો હતો, તેનું નામ “બાલ” કે “બાલા” હતું, એમ ઇતિહાસ વર્ણવે છે. તેથી એવું સંભવ છે કે ‘બાલાજી’ નામમાં પણ આ ચમત્કારિક ઘટનાની સ્મૃતિ જળવાઈ હોય.
આજે પણ આ ઘટનાની સ્મૃતિરૂપે ભગવાનના મસ્તક પર સફેદ કપડું ઢાંકવાની પરંપરા કાયમ છે. શ્રી વેંક્ટેશ દેવસ્થાન રામાનુજ સંપ્રદાયનું વિશિષ્ટ સ્થાન છે. આ મંદિરમાં દ્રવિડ પરંપરા મુજબ સેવા-પુજા થાય છે. અહીં પ્રતિવર્ષ ચૈત્ર વદ સાતમ થી ચૈત્ર વદ બારસ સુધી બ્રહ્મોત્સવની ભાવભેર ઉજવણી થાય છે. આ ધર્મસ્થળના સેવારત આચાર્ય અનંત શ્રી વિભૂષિત શ્યામનારાયણાચાર્યજી અહી આવતા શ્રધ્ધાળુઓની સદૈવ હસતામુખે આગતા સ્વાગત કરે છે. જુનાગઢ પંથકમાં આવેલું આ તિરુપતિ બાલાજીનું આ મંદિર અત્યંત રમણીય અને ચોકકસથી મુલાકાત લેવા લાયક દેવસ્થાન છે, તો અચૂક મુલાકાત લો…!!!
Author: Morvee Raval #TeamAapduJunagadh
Also Read :