સતીના શાપથી ખળભળ્યો હતો આખો’ય ગિરનાર , જાણો આ ઝળૂંબતી શિલાની દર્દનાક કહાની

ગિરનાર

ગિરનાર : આ એ સમયની વાત છે, જ્યારે સિદ્ધરાજ જયસિંહ સોરઠ માથે હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. જૂનાગઢ પર ચડાઈ કરવાનો હુકમ મળ્યો, પરંતુ જૂનાગઢનો અભેદ કિલ્લો દેવરાજ ઇન્દ્રના વજ્ર સમાન મજબૂત અને હજારોના મોઢે સૈન્ય સમાઈ રહે, તેના માટે ખોરાક, પાણી અને શસ્ત્ર-સરંજામની વ્યવસ્થાથી જડબેસલાક આ કિલ્લાને જીતવો રાજા સિદ્ધરાજ માટે એટલો સહેલો નહતો. કિલ્લાને તોડવામાં વર્ષો વીતી ગયા પણ જયસિંહની સેના ઉપરકોટનો કાંગરા પણ ના ખેરવી શકી. કિલ્લાની બહાર સોલંકીનો પડાવ પડ્યો તેને કેટલાય ચોમાસા વીતી ગયા પણ તેઓ જૂનાગઢ મુકતા નથી, ઉપરકોટ નમતો નથી’ને ખેંગાર હારતો નથી!

ગિરનાર

પણ આખરે પાસું બદલ્યું. સિદ્ધરાજે બળથી નહી પણ કળથી જૂનાગઢ સર કરવાની તરકીબ અજમાવી. એણે રા’ખેંગાર ભાણેજ દેશળ અને વિશળને જૂનાગઢ ગાદીની લાલચ આપીને ફોડવાનો પ્રયત્ન કર્યો. બસ! પછી શું હતું? એક દિવસ દેશળ-વિશળે કપટ કરીને ઉપરકોટનો દરવાજો ખોલાવ્યો. હડૂડાટ કરતું સોલંકી સૈન્ય ગઢની અંદર પ્રવેશ્યું. અંધારામાં ધીંગાણું જામ્યું. જૂનાગઢની અસાવધ સેના પર પાટણની ફોજે બરાબરનો સકંજો કસાયો. બહાદુર લડ્યા, ખપ્યા અને કોટની દિવાલો રક્તરંજીત બની.

રા’ખેંગારને અચાનક આવી પડેલા આ તોફાનથી બાજી હાથમાંથી સરી જશે, તેવું લાગવા માંડ્યુ. તેઓએ રાણકદેવીને છેલ્લા જુહાર કીધા અને બંને હાથે તલવાર લઈને સોલંકીના સૈન્ય સામે ઘા જિંકવા લાગ્યા, પરંતુ સમુદ્ર વચ્ચે ઘેરાયેલો માણસ ક્યાં સુધી લડી શકે? અંધારામાંથી સમશેરનો ઘા આવ્યો’ને ખેંગારનું મસ્તક ધડથી અલગ થયું. પ્રચંડ ઉર્જાથી ભરેલું શરીર ક્યાંય સુધી તરફડતું રહ્યું. ઉપરકોટનો કિલ્લો આ બધુ લાચાર બનીને જોઈ રહ્યો!

ગિરનાર

રા’ખેંગાર માર્યો’ને જયસિંહ ઉઘાડી તલવારો સાથે સીધો રાણીવાસમાં પ્રવેશ્યો. રા’ખેંગાર મૃત્યુના સમાચાર સાંભળીને રાણકદેવીએ સતી થવાની તૈયારી આદરી. તેમની પાસે રાજકુંવર જેવા બે નાના દીકરાઓ હતા.  રાણક દેવીના ઓરડે આવીને એને પોતાની રાણી બનીને પાટણ આવવા તૈયાર થઈ જવાનું કહ્યું. આ વેણ રાણકદેવીથી સહન ના થયું. “વિજેતા જયસિંહ રણમેદાનનો વિજેતા હતો, રાણીવાસનો નહિ!” રાણકદેવીએ મોઢામોઢ સંભળાવી દીધું.

ત્યારે સિધ્ધરાજ આગળ વધીને રાણકદેવીનો હાથ પકડવા જાય છે, ત્યાં રાણકદેવીના બે બાળકુંવરો આગળ વધી ખુમારીથી સિંહના બચ્ચાની જેમ સિદ્ધરાજ તરફ પડકાર કરવા લાગ્યા. ગુસ્સામાં ભાન ભૂલેલા સિધ્ધરાજે તલવારના ઝાટકાથી બાળકોને વધારી નાખ્યા! કીલ્લામાં હાહાકાર મચી ગયો અને રાણકદેવીના મુખમાંથી શ્રાપ નીકળ્યો, ‘નિર્વશા જો તારું કૂળ!’

મહાપાતક કરી બેઠેલા જયસિંહની આંખો હજી ના ઉઘડી. પોતાની શક્તિનો તેણે આંધળો અને સર્વથા અયોગ્ય દુરુપયોગ કર્યો હતો. એ રાણકદેવીના લઈ જવા લાગ્યો. હવે રાણકને બચાવનાર પણ કોણ હતું? એકલી-અટૂલી તે ધા નાખતી રહી. એની નજર ગિરનાર પર ગઈ. આવો અડીખમ ગિરનાર ઉભો રહ્યો’ને મારો ખેંગાર જતો રહ્યો? ફૂલડાંની હત્યાને પણ આ નગાધિરાજ ઉભો-ઉભો નિહાળી રહ્યો? એણે કોઈ પ્રતિક્રિયા ન આપી? રાણકદેવીના અને મુખમાંથી નિસાસો નીકળ્યો:

ગોઝારા ગિરનાર વેરીએ વળામણ કિયો;

મરતા રા’ખેંગાર, ખલેલા ખાંડો ન થિયો?

ગિરનાર ખરેખર ખળભળવા લાગ્યો. એની વિશાળ શિલાઓ છૂટી પડવા માંડી. કંઈક વર્ષોથી અખંડ ઉભેલો ગિરિરાજ જાણે હવે થોડાંક વખતનું જ મહેમાન હોય તેવું ભાષવા લાગ્યું. જુનાગઢની પ્રજા જાણે ડરી ઉઠી. અડિખમ ગિરનાર ઢળી પડશે તો શું થશે? લોકો રાણકદેવી ના પગે પડ્યા’ને કહ્યું,”માં! ગિરનાર પડશે તો સોરઠનું શું થશે? એને બક્ષી દો માં!” રાણકદેવીને નગરજનોની વાત સાચી લાગતા એણે પડવા જતી એક શીલા પર થાપા માર્યા અને કહ્યું,

“મા પડ! મારા આધાર, ચોસલા કોણ ચડાવશે?

ગયા ચડાવણહાર, જીવતાં જાતર આવશે!”

ગિરનાર

અને પછી ગિરનારને જાણે જીવતદાન મળ્યું. એ પડતા રહી ગયેલી શીલા આજે પણ હૈયાત છે. હમણાં ખાબકશે એવી ભીતિ અમુક યાત્રાળુઓ સેવે છે પણ એ તો ઇતિહાસની સાક્ષી રાણકદેવીના હાથના સિંદૂરિયા થાપા સાથે આજે પણ અડીખમ ઊભી છે, એવું કહેવાય છે. એ પછી રાજા જયસિંહ રાણકદેવીને પાટણ લઈ જવા હઠ કરે છે અને પરિણામે વઢવાણ પાસે ભોગાવો નદીના કિનારે રાણકદેવી સતી થાય છે.

Also Read : ભાઈબીજ એટલે ભાઈ-બહેનનો સ્નેહ ભરેલો એક અનોખો તહેવાર