કાઠિયાવાડના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો’ને કોડિયો કોણ હતા? (ભાગ-1)

ગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળોને વિશ્વના નકશા ઉપર મૂકી આપવાની રાજ્ય સરકારની એક યોજના ‘ખૂશ્બુ ગુજરાતકી’ દ્વારા જૂનાગઢમાં આવેલ પુરાતત્ત્વીય સ્મારકો જેવાકે; અશોકનો શિલાલેખ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, બાવા પ્યારાની ગુફાઓનું અમિતાભ બચ્ચન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું. અહીં આપણે એ એડ ફિલ્મની કોઈ વાત નથી કરવી, પણ વાત કરવી છે; જૂનાગઢના ઉપરકોટની ઉત્તર તરફ સોનરખ નદીના કાંઠે આવેલ ખાપરા-કોડિયાની ગુફાઓની અને એની સાથે જોડાયેલા, સૌરાષ્ટ્રના લોકોનાં હૈયે’ને હોઠે રમતા જીવતાં ભેદી પાત્રો ખાપરા અને કોડિયાની.

લોકબોલીમાં ‘ખાપરો’ શબ્દ ચતુરનો પર્યાયરૂપ છે. ખાપરો-કોડિયો બે એકી સાથે બોલાતાં નામો છે. એકએકથી ગાંજ્યા ન જાય એવા અને એકબીજાથી ઠગાય નહીં એવા ઘૂર્ત, લુચ્ચા અને ઠગ. તેઓ પરસ્પર દાવપેચ રમવામાં અને લોકોને ઘૂતી ખાવામાં બહુ નામાંકિત થયા હતા. તેના ઉપરથી લુચ્ચા માણસની જોડીને ગામડાના લોકો ‘ખાપરો-કોડિયો’ કહી બે જ શબ્દોમાં એમના નામાકામાની સઘળી નોંધ આપી દે છે, એમ ભગવદ્‌ગોમંડલ કહે છે. શ્રી કેશવલાલ સાલાકર, ડૉ. મંજુલાલ મજમુદાર વગેરેએ ખાપરા-કોડિયા પર પ્રકાશ પાડ્યો છે તે અનુસાર એમના અંગેની પ્રચલિત વાતો આ મુજબ તારવી શકાય છે.

ખાપરાનું ગામ ખાલપરા. ખાલપરાનો ચોર એ ખાલપરો’ને પછી ખાપરા તરીકે જાણીતો થયો. કોડીનારવાળો એટલે કોડવાલવાળો કોડિનારિયો એના ઉપરથી ‘કોડિયો’ કહેવાયો એમ મનાય છે. એ બંને જૂનાગઢના છેલ્લા રાજા રા’મંડલિક અને નરસિંહ મહેતાના સમકાલીન હતા. પાવાગઢના જયસિંહદેવ પેથાઇ (પતાઇ)ના પણ ભેરુબંધ હતા, એમ ચારણો કહે છે. અમદાવાદના ગુજરાતી સુલતાનનું આક્રમણ જૂનાગઢ ઉપર કરાવવામાં રા’મંડલિકની નીતિભ્રષ્ટતાએ ખાપરા-કોડિયાને પ્રેર્યા હતા, એમ સાયલાકરે એમના પરાક્રમમાં નોંઘ્યું છે, પણ ડૉ. મંજુલાલ મજમુદાર લખે છે કે, આ ઐતિહાસિક તથ્યોને તપાસવાનું આપણી પાસે કોઇ સાધન નથી. તેઓ લખે છે કે ખાપરો-કોડિયો બંને બુદ્ધિશાળી હતા, સાહસિક હતા. પરોપકારની ભાવનાવાળા હતા. પરિણામે સૌરાષ્ટ્રના રત્નો ગણાય છે.

તેમના સંબંધે મળતી અનેક દંતકથાઓને આધારે તેમને બહારવટિયા, અદ્‌ભૂત ઉઠાવગીર, ભેદ-ભરમ જાણનાર લૂંટારા અને ભક્તજન પણ લોકોને જણાયા છે. આ જોડી શ્રીમંતોને લૂંટીને ગરીબોને ધન આપી દેતી હતી. તેઓ ગમે તેવા હતા, છતાં એકંદરે સામાન્ય જનતાને તેમના હાથે નુકસાન કરતાં લાભ વધારે થયો છે. તેમની લૂંટ કે ચોરી પાછળ પરોપકારી હેતુ હતો. તેથી તેમનાં પરાક્રમો તિરસ્કારને પાત્ર નહીં પણ સન્માનપ્રેરક ગણાયાં છે.

બાબરો ભૂત એ કાળે દેવરૂપ મનાતો. તેના વરદાનથી આ બંને ચતુર ચોરોને વેશ બદલવાની અદ્‌ભુત કળા સિદ્ધ થઇ હતી. પરિણામે તેઓ કદી પકડાયા નહોતા. એવું મનાય છે કે; ‘તું ચીંતવીશ એવો તારો વેશ થશે, અને તને કોઇ નહીં ઓળખે, પરંતુ એટલું ઘ્યાન રાખજે કે કોઇ બહેન-દીકરી અને બ્રાહ્મણ-સરવણને સતાવીશ મા. એના રખોપાં કરજે.’ એવું તેને બાબરા ભૂતનું વરદાન હતું. આમ ખાપરો- કોડિયો બંને ચોર-શિરોમણી હતા. તેઓ અઠંગ દ્યૂત રમનારા પણ હતા.

તેમણે લૂંટેલા દ્રવ્ય ભંડારો સાચવવા ભોયરાં રાખ્યા હતાં. એવા બે ભોંયરા એક ઉપરકોટ (જૂનાગઢ)ની ઉત્તરે ગિરનારની તળેટીમાં ખાપરા-કોડિયાની ગુફાઓ તરીકે જાણીતું છે. બીજું, પાવાગઢ ઉપર પતાઇના મહેલની બાજુમાં ‘ખાપરા ઝવેરીનો મહેલ’ ખંડેરરૂપે આ જે દર્શાવાય છે. આજ રીતે કચ્છમાં લખપત તાલુકાના જૂના પાટગઢ પાસે ખાપરા-કોડિયાના નામ સાથે સંકળાયેલી બે ગુફાઓ છે એના તરફ શ્રી કે.કા. શાસ્ત્રીજીએ ઘ્યાન દોર્યું છે એમ શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે.

વધુ આવતા આર્ટિકલમાં…