Junagadh Birds : જાણો આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.

Junagadh Birds : આપણાં જૂનાગઢમાં એક બાજુ ગઢ ગરવો ગિરનાર છે તો બીજી બાજુ સિંહોની ત્રાડ સંભળાય એવી ગાંડી ગીર છે. જૂનાગઢએ ઘણી બધી સાંસ્કૃતિક અને પ્રાચીન વારસો ધરાવતી ધરા છે. જૂનાગઢની ધરતી પર ઘણાં બધાં સાધુ સંતો અને દેવી દેવતાઓનો વાસ છે જે જૂનાગઢનાં ઘરેણાં સમાન છે. જૂનાગઢની આ ધરતી પર ઘણાં બધાં રાજાઓએ રાજ કર્યું હતું અને આ સાંસ્કૃતિક અને પ્રાચીન વારસાનું જતન કર્યું અને આ વારસાને ઘણો વધાર્યો પણ ખરાં..!!

જૂનાગઢમાં જોવા મળતી હરિયાળી અને વાતાવરણ દૂધમાં સાકર ભળે એમ ભળીને જૂનાગઢને મીઠું બનાવે છે. એમાં પણ શિયાળો આવતા આ વાતાવરણ વધુ રોમાંચક બને છે. આ વાતાવરણને ધ્યાનમાં લઇને શિયાળા દરમિયાન આપણાં જૂનાગઢમાં ઘણા સ્થળાંતરીત પક્ષીઓ મહેમાન બનતાં હોઈ છે. આવો જાણીએ આપણાં જૂનાગઢમાં શિયાળા દરમિયાન મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.

  1. રિચાર્ડની પીપિટ(એન્થસ રિકાર્ડિ):

    Junagadh Birds

    રિચાર્ડની પીપિટ(એન્થસ રિકાર્ડિ) એ મધ્યમ કદનું પેસેરિયન પક્ષી છે. તે ઉત્તર ભારતના ખુલ્લા ઘાસ મેદાનોમાં જોવા મળે છે. તે ભારતના શિયાળાના પ્રવાસી છે. શિયાળા દરમિયાન તેઓ આપણાં જૂનાગઢમાં સ્થળાંતર કરનાર પક્ષીઓ છે. આ પ્રજાતિના પક્ષીઓ છેલ્લે 2014માં જૂનાગઢ નજીક મેંદરડા પાસે જોવાં મળ્યાં હતાં.
  2. અમુર ફાલ્કન(ફાલકો અમુરેન્સિસ):

    અમુર ફાલ્કન એક નાના કદનું પક્ષી છે. તે દક્ષિણ-પૂર્વીય સાઈબીરિયામાં અને ઉત્તર ચાઇનામાં જોવા મળે છે. તે શિયાળા દરમિયાન આખા અરબી સમુદ્ર અને આપણાં જૂનાગઢમાં સ્થળાંતર કરતી પ્રજાતિ છે. તે લાલ પગવાળા ફાલ્કન તરીકે પણ ઓળખાય છે. તે દેખાવે કાળી-ભૂરી આંખ અને આંખ ફરતે કેસરી રંગની એક રિંગ ધરાવે છે. આ પ્રજાતિના પક્ષીઓ છેલ્લે 2015 માં ગિરનારનાં જંગલોમાં આવેલ બોરદેવી નજીક જોવાં મળ્યાં હતાં.
  3. ભારતીય બ્લેકબર્ડ:

    આ પક્ષીની પ્રજાતિ સામાન્ય રીતે ભારત અને શ્રીલંકાના વિસ્તારોમાં જોવા મળે છે. તે કોમન બ્લેકબર્ડની પેટા પ્રજાતિ છે. તે સામાન્ય રીતે ચોમાસાની અને શિયાળાની ઋતુમાં સ્થળાંતર કરીને ગીર નેશનલ પાર્ક અને ગિરનારના જંગલોમાં જોવાં મળે છે. આ પ્રજાતિના પક્ષીઓમાં કાળી આંખની ફરતે વિસ્તૃત ભૂરા રંગની રિંગ જોવા મળે છે. તેમનું કદ સાતથી આંઠ ઇંચનું હોઈ છે. તેપોતાના ઇંડાના રંગ, પાંખોની ગોઠવણી અને અવાજમાં સામાન્ય બ્લેકબર્ડથી જુદાં પડે છે. આ પ્રજાતિના પક્ષીઓ છેલ્લે ઘણા વર્ષોથી જૂનાગઢ અને ગિરનારના જંગલોમાં અવલોકન કરવામાં આવ્યા હતાં.
  4. ભારતીય બ્લુ રોબિન:

આ પક્ષીની પ્રજાતિ ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણાં જૂનાગઢમાં સ્થળાંતર કરે છે. તે મુખ્યત્વે શિયાળા દરમિયાન પશ્ચિમના ઘાટો, શ્રીલંકા અને હિમાલય જેવા વિસ્તારોમાં પોતાનાં બચ્ચાઓને જન્મ આપે છે. આ પ્રજાતિના પક્ષીઓને છેલ્લે 2013 માં ગિરનારનાં જંગલમાં જોવાં મળ્યાં હતાં.

તો આ હતી આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા કેટલાક પક્ષીઓ વિશેની જાણકારી, આવતાં અઠવાડિયાથી બીજા એવાં જ મહેમાન પક્ષીઓ તથા સ્થાનિક પક્ષીઓ વિશેની માહિતી લઈને ‘Birds Of Junagadh’ સિરીઝ સાથે આપની સમક્ષ હાજર થઈશું.

Thanks…

Author:Piyush Malvi #TeamAapduJunagadh