એક પિતાએ કરી અનોખી પહેલ, લાડકીનો જન્મદિવસ આ જગ્યાએ ઉજવીને બનાવ્યો ખાસ!

જગતમાં એક માતાના પ્રેમની તો કોઈ તુલના જ ન થઈ શકે, જેથી માં વિશે અઢળક પુસ્તકો પુસ્તકો અને લખાણો લખાયા છે. પરંતુ પિતાના પ્રેમને વ્યક્ત કરતાં લેખો ખૂબ ઓછા જોવા મળે છે. એમાંય ખાસ કરીને બાપ અને દીકરીનો પ્રેમ અદ્દભુત છે. એના વિશે લખવામાં કદાચ શબ્દોની પણ ખપ પડે! પિતા પણ બાળકોને એટલો જ પ્રેમ કરે છે જેટલો એક માતા.

એક પિતા પોતાના બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ જલ્દીથી વ્યક્ત કરી શકતા નથી, તેનું કારણ હોય છે એમના ઉપર રહેલી જવાબદારીઓ. પિતા બાળકો પ્રત્યેની તેમની લાગણી, પ્રેમ, ચિંતા અને જવાબદારી બધું એકીસાથે અદા કરી દે છે, જેને કારણે બાળકોને બાપનું વાત્સલ્ય સ્પષ્ટપણે દેખાતું હોતું નથી.

 

 

પહેલાના સમયમાં આપણાં સમાજમાં એવી માન્યતાઓ પ્રવર્તતી કે, માં ને વ્હાલો એનો દીકરો અને બાપને વ્હાલી એની દીકરી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમાજમાં જાગૃતિ આવવાના કારણે દીકરો-દીકરી એકસમાન થઈ ગયા છે. વર્તમાન સમયમાં દીકરો જન્મે કે દીકરી, તેમનો આનંદ અખૂટ રીતે ઉજવાય છે, સમાજમાં જાતજાતની મીઠાઈઓ વહેંચવામાં આવે છે.

દીકરી તો પિતાના કલેજાનો કટકો છે, ત્યારે એક પિતા પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણીમાં કચાસ કઈ રીતે રહેવા દે! વાત આપણાં જુનાગઢની જ છે. એક પિતાએ પોતાની લાડકી દીકરીના પહેલા જન્મદિવસની ઉજવણી પોતાના આખા પરિવાર સાથે મળીને ધામધૂમથી કરી, પરંતુ આ વાતમાં સરાહનિય બાબત એ છે કે આ ઉજવણી કોઈ મોટી હોટેલ કે રેસ્ટોરન્ટમાં નહીં પરંતુ એક વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી હતી.

આપણા જૂનાગઢમાં બાંધકામ ક્ષેત્રે કાર્ય કરતાં મયુરભાઈ ચુડાસમાએ પોતાની વ્હાલસોયી લાડકી દીકરીનો પહેલો જન્મ કઇંક ખાસ રીતે ઉજવ્યો. દીકરીને અગાઢ પ્રેમ કરતાં મયૂરભાઈને ઘેર બે દિકરીઓ છે, જેમાં નાની દીકરી ક્રિષાને એક વર્ષ પૂર્ણ થતાં તેના પહેલા જન્મદિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી.

 

આ ઉજવણીમાં તેઓએ પોતાના પરિવાર અને મિત્રો સાથે સોનાપૂર પાસે આવેલા અપના ઘર વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. અપના ઘર ખાતે રહેતા વડીલોના આશીર્વાદ આ આખાય પરિવારે મેળવ્યા હતા. એટલું જ નહીં, આજકાલ ભૂલાતી જતી રમતો જેવી કે, ગિલ્લી-દંડા, લખોટી, ભમરડો વગેરે રમતો વડીલો સાથે રમીને આનંદ કર્યો હતો. આ સમયે વડીલોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી.

મયૂરભાઈએ તેમની લાડકવાયી દીકરીઓ સાથે મળીને જન્મદિવસની કેક કાપીને વડીલોના તેમજ પરિવારજનોના મોં મીઠા કરાવ્યા હતા. ત્યારબાદ વડીલો ભાવતા ભોજન ખવડાવીને આશીર્વાદ મેળવ્યા હતા.

Author: Sumit Jani #TeamAapduJunagadh

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

 

જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com