ઠંડાપીણાંની ઢગલાબંધ ફ્લેવર્સ વચ્ચે આજે પણ લોકપ્રિય છે ઠેરીવાળી સોડા

બાળપણના દિવસો યાદ કરતાં, એ સોનેરી સમય સાથે જોડાયેલી કેટલીય યાદો તરોતાજા થાય. એ પછી ગીલી-દંડો હોય કે લખોટી દાવ, ચણીબોર હોય કે પછી હોય ખાટી આમલી..! નામ લેતા જ મોઢે પાણીના ધોધ વછૂટે એવું હતું એ બાળપણ. આજે આ આર્ટિકલમાં આપણે સૌરાષ્ટ્રમાં જાણીતી અને માનીતી ઠેરિવાળી સોડાને પાછી જીભે ચડાવી તેની સાથે જોડાયેલી કેટલીક યાદો વાગોળવાની છે…

આજના સમયમાં જેમ જમીને સોડા પીવા જવાની આદત ધરાવતા લોકો છે, એમ એ સમયે પણ હતા, પરંતુ ત્યારે ક્યાં સોડાના મશીનો હતા! કાળુબાપાની લારી કાચની લીલા રંગની બાટલીઓ સાથે રણકતી આવે. ઠેરી કે લખોટીવાળી લીલી બોટલમાં પચાસ પૈસામાં સાદી સોડા અને દોઢ રૂપિયામાં મસાલા સોડા વેંચવા નીકળતાં એ કાળુબાપા આવે એટલે અમારી ચડ્ડી ગેંગ સોડાની લારીને ઘેરી વળે. આજે પણ એ ઠંડી ખાટી લીંબુવાળી સોડાનો સ્વાદ યાદ આવે!

એ સમયે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પ્રખ્યાત સોડા સેન્ટર ખાતે રાત્રીના લોકો ખાસ સોડા પીવા જતા હતા. એ જમાનો કંઈક અલગ જ હતો! અત્યારે આધુનિકતાના સાથે બટન દબાવો એટલે થોડા તૈયાર થઈ જાય છે અને એ પણ જુદી જુદી વેરાઈટીમાં. પહેલા તો ઠેરીવાળી સોડાની કાચની બોટલને મશીનમાં રાખી અને તેમાં ગેસ ભરવામાં આવતો હતો. ઘણીવાર સોડા બોટલ ફૂંટવાના પણ બનાવ બનતા હતા. પ્રખ્યાત દુકાનોમાં સોડાના ચાહકોની લાઇન લગતી હતી. આજના આધુનિક ફાઉન્ટેન સોડા મશીનના સમયમાં પણ ક્યાંક ક્યાંક આવા સોડા સેન્ટર જોવા મળે છે.

ઠેરીવાળી સોડાના દુકાનદારો પોતાની આગવી શૈલીમાં સોડા ખોલી અને ગ્રાહકને જ્યારે ગ્લાસમાં સોડા આપે ત્યારે ગ્રાહક અને દુકાનદાર બંને તૃપ્તિનો અનુભવ કરે છે. સોડા ફોડવાની આગવી સ્ટાઈલના દર્શન તમારે કરવા હોય તો, વીરપુર(જલારામ) ખાતેની બજારોમાં જવું પડે. ત્યાં સોડાની દુકાનો ઉપર દુકાનદાર સોડા ફોડે ત્યારે ઢાંકણ છત સાથે અથડાતા જે અવાજ આવે એ ખરેખર યાદગાર બની જાય.

ઉનાળાની ઋતુમાં આઇસક્રીમ, આઇસડીશ અને ઠંડાપીણા વગેરે ઠંડી ખાણીપીણીની ચીજ વસ્તુઓની ભારે માંગ ઊભી થતી હોય છે. જેની વચ્ચે સોડાનું નામ પડતા જૂની પેઢીના લોકોને ઠેરીવાળી સોડા નજરે ચડે! હાલ ઠેરીવાળી સોડા ઓછી જોવા મળે છે. સામાન્ય ગેસ ધરાવતી આ ઠેરીવાળી સોડાનો એક આગવો ચાહક વર્ગ પણ હોય છે. ઠેરીવાળી સોડામાં ગેસ ભરવાની જેમ આગવી રીત છે, તેવીજ રીતે ઠેરીવાળી સોડાને ફોડવાની પણ એક આગવી રીત છે. આ સોડાને વેંચનારા ખૂબજ ઓછા બચ્યા હોવા છતાં, તેની આવી બધી વિશેષતાઓને લઈને આજની નવી પેઢીમાં પણ ઠેરીવાળી સોડા પીવાનો એક ખાસ શોખ જોવા મળે છે.


ઠેરીવાળી સોડામાં ગેસ ભરવાની કામગીરી અઘરી હોય છે, જેમાં કાચ બોટલ ફુટવાની સંભાવનાને કારણે દુર્ઘટના સર્જાતી હતી. જેથી કરીને બજારમાં કબિલાવાળી સોડાનું ઝડપભેર ચલણ વધ્યું. વધુ ગેસવાળી આ સ્ટ્રોંગ સોડામાં બ્લેક મસાલા, વાઈટ મસાલા, ઓરેન્જ, લેમન વગેરે જેવી ફ્લેવર બજારમાં વેંચાવા લાગી. જે પછી આજે બજારમાં ફાઉન્ટેન સોડા મશીન આવતા અનેક પ્રકારના ફ્લેવરવાળી સોડા બજારમાં વેચાઈ રહી છે.


ઉનાળાની સીઝનમાં કોલ્ડ્રિંક્સ વેંચનારાઓની દુકાનોમાં લીંબુ સોડા, લીંબુ સરબત અને અન્ય ફ્લેવરવાળા સરબતોની ભારે માંગ નીકળે છે. જેથી જૂનાગઢ સહિત ગુજરાતભરમાં કોલ્ડ્રિંક્સ વેચનારાઓના વ્યવસાયમાં બારેમાસ તેજી જોવા મળે છે.

(Image Source: Internet)

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com