વીર રામવાળો
ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય,
દ૨વાજા દેવાય રોંઢે દિ‘એ રામડા!
વીર રામવાળાના નામથી અંગ્રેજી સત્તા, સૌરાષ્ટ્રમાં બસ્સો રજવાડા અને વડોદરાની ગાયકવાડી સરકાર થરથર કાંપે! રામવાળાના પિતાનું નામ આપા કાળુભા અને માતાનું નામ રાઠોડ બાઈ. જોગમાયાના અવતાર સમી માવડી રાઠોડ બાઈ અસલી જુગની કાઠિયાણી હતા. એને આકરું વ્રત એવું કે, સૂરજ નારાયણ નીકળે એટલે એના દર્શન કરીને જ અન્ન લેવું! એક વખત એકવીસ દિવસ સુધી વરસાદની હેલી ચડતાં સૂરજ નારાયણ દેખાણાં જ નહીં અને રાઠોડ બાઈને એકવીસ ઉપવાસ પડ્યાં. આવી જનેતાના ઉદરમાં અગ્નિના ગોળાની જેમ પાકેલો રામવાળો શરીરે ઘઉંવર્ણો, શીળીઆંટા મોઢાવાળો, ઊંચી કાઠીનો અને શૂરવીરતાનો ભંડાર હતો.
રામવાળો નાનપણથી જ આંટી પાડીને બાંધેલી લિરે લબડતી પાઘડી બાંધતો. મૂળ વાવડીનો રામવાળો બાર ચૌદ વર્ષની ઉંમરે વાવડી ગામથી ચાલીને ધારગણી ગામે ભણવા જતો, પણ ભણતર સાથે કાઠીના આ દીકરાને બારમો ચંદ્રમાં હતો. સાચનો કટકો અને જન્મથી જ કોઈ અકળ આગનો ભરેલો રામ હસતો તો કોઈક જ વાર! ટોળ ટીખળમાં ભળતો નહીં. વાત વાતમાં અન્યાય થતો હોય ત્યાં આડો પડતો. પારકા કજિયા ઉછીના લેતો. ઝાઝું બોલ્યા વગર છાનુંમનો સળગ્યા કરતો. ત્રણેક ચોપડી માંડ ભણ્યો હશે. રામવાળાએ પોતાના જીવનમાં અનેક બારવટા ખેલ્યા. ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પડાવવાના કિસ્સાઓ સામે જંગી લડતો આપી ન્યાય અપાવ્યો.
એક વખતની વાત છે, વીર રામવાળો અને તેના સાથી બહારવટિયાઓ ખીજડીઆ ગામ પર ચડ્યા. મોટામાં મોટા વ્યાજખાઉ વેપારીના ઘરને નિશાન બનાવ્યું. ચોપડાઓનો ઢગલો કરીને આગ લગાડી, ગરીબોની પાયપાયનો હિસાબ માંગ્યો, પછી રામવાળાના સાથીઓ ઘરની અંદર પટારો તોડવા લાગ્યા. ઝાઝી વાર થઈ. તેથી રામવાળાએ બહાર ઉભાં ઉભાં ત્રાડ નાખી કે “એલા શું કરો છો ? આટલી બધી વાર?”
“પટારો તૂટતો નથી.” અંદરથી જવાબ મળ્યો.
“બચારો પટારો તૂટતો નથી?” એમ બોલીને રામવાળો અંદર ગયો.“ખસી જાવ!” કહીને એણે જોરથી પોતાના પગની પાટુ માર્યું’ને પટારો તૂટી ગયો, પણ મારવા જતાં પોતાના પગની લાંકમાં પટારાની એક ચૂક બેસી ગઇ. રામવાળાને તો એનું ભાન ન’હોતું. એણે તો ઉલટું પોતાના કઠણ બની ગયેલ પગના જોડા, તેલ ભરેલી કોઠીમાં બોળીને પહેર્યા. ચૂક વાગેલી તે લાંકમાં તેલ ભરાણું. એ નાનકડી ચૂકે રામવાળાનું મોત આલેખ્યું, પણ કંઈજ ઓસાણ વગર રામ ત્યાંથી હાલતો થયો…
વધુ આવતા અંકે…
સંદર્ભ: સોરઠી બહારવટિયા-3
તસવીર: Internet
સંયોજન: Sumit Jani (Shivay) #TeamAapduJunagadh
Also Read : Graphic Designer in a Digital Marketing company