સ્વતંત્રતા ના સંભારણા ભાગ 2: નવાબના નિર્ણય પર સરકારની પ્રતિક્રિયા અને જનજીવન પર અસર

સ્વતંત્રતા

સ્વતંત્રતા : નવાબના વિશ્વાસઘાતથી જૂનાગઢની પ્રજા તો આઘાતમાં હતી જ, સાથે સાથે ભારત સરકાર અને ભારતની એકતાના શિલ્પી એવા સરદાર વલ્લલભભાઈ પટેલ પણ આ વાતથી ખૂબજ નારાજ હતા. જોકે નવાબના વિશ્વાસઘાત પાછળ જેટલા દીવાન ભુટ્ટો જવાબદાર હતા એટલા જ અંગ્રેજો પણ જવાબદાર હતાં. અંગ્રેજોએ તે સમયે બનાવેલો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ-1947, એ કાયદામાં લેપ્સ ઓફ પેરામાઉન્સીની જોગવાઈ હતી.

જે અનુસાર રાજાઓને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા; પ્રથમ વિકલ્પ ભારતમાં રહો અથવા પાકિસ્તાનમાં અને બીજો વિકલ્પ અલગ સ્વતંત્ર રાજ્ય બનાવીને રહો. નવાબે આજ કાયદાનો દુરુપયોગ કરીને જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવવા માટેની જાહેરાત કરી હતી.

આ વાતની જાણ થતાંજ નવી દિલ્હી ખાતે સરદાર પટેલ, વી.પી.મેનન, જવાહરલાલ નહેરુ અને ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનની એક બેઠક મળી. સરદાર પટેલ તો જૂનાગઢના નવાબ પર સૈન્ય કાર્યવાહી કરવા માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ લોર્ડ માઉન્ટબેટન તે માટે રાજી થયા નહીં, તે સરદાર પટેલને ભારત અને પાકિસ્તાનના યુદ્ધની સંભાવના બતાવતા હતા.

સ્વતંત્રતા

વળી સરકાર સામે મુખ્ય મુદ્દો એ પણ હતો કે જો ભારત એમ કહે કે, જુનાગઢમાં હિંદુઓની વસતી વધારે છે. તેથી મુસ્લિમ રાજા પાકિસ્તાનમાં ન ભેળવી શકે. તો પાકિસ્તાન પણ એમ કહી શકે કે, કાશ્મીરમાં મુસ્લિમોની વસ્તી વધારે છે તો ત્યાંનો હિન્દુ રાજા કાશ્મીરને ભારતમાં ન ભેળવી શકે.

સ્વતંત્રતા

એ જ અરસામાં જો હિન્દી સંઘ સાથે લડાઈમાં ઉતરવું પડે તો, યુદ્ધની વ્યૂહરચના ચકાસવા માટે પાકિસ્તાનથી અયુબખાન પણ આવ્યા હતા. રાજકીય જાગૃતિની દ્રષ્ટિએ પછાત જૂનાગઢ રાજ્યમાં પ્રજાકીય પ્રવૃત્તિ માટે કોઈ અવકાશ ન હતો. નવાબના નિર્ણય સામે માથું ઉંચકી ન શકે તે માટે જોર જુલમ અને દમનની રીત અપનાવવામાં આવી. જુના રીઢા ગુનેગારોને છૂટો દોર આપવામાં આવ્યો, લડાઈની તૈયારીઓ માટે દેખાવો કરવામાં આવ્યા હતા કે, પ્રજાકીય બળવામાં ભાગ લેવા માટે આગેવાનો જૂનાગઢની હદ છોડીને રાજકોટ આવી પહોંચ્યા.

સરદાર પટેલ ને નવાબને મળવા મોકલ્યા પણ દીવાન ભુટ્ટોએ ઉડાઉ જવાબ આપી તેમની મુલાકાત જ ન થવા દીધી.

25મી ઓગસ્ટ 1947ના રોજ રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની તાકીદની બેઠક મળી. જેમાં ‘જન્મભુમિ’ અને ‘નૂતન ગુજરાત’ નામના દૈનિક પત્રો તેમજ ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના માલિક અમૃતલાલ શેઠ અને ‘વંદે માતરમ’ દૈનિક પત્રના માલિક શામળદાસ ગાંધી વગેરે અગ્રણીઓ આ સભામાં હાજર રહ્યા. આ બેઠકમાં નવાબને કાબૂમાં લેવા માટે જૂનાગઢની આર્થિક નાકાબંધી જાહેર કરવામાં આવી. જો કોમી રમખાણો ફાટી નીકળે તો સશસ્ત્ર લડાઈનો પણ વિચાર કરવામાં આવ્યો.

સ્વતંત્રતા

બાબરીયાવાડમાં સુરગભાઈ વરુની આગેવાની હેઠળ કાઠી ગરાસદારો સંગઠિત થયા અને જૂનાગઢના નવાબના નિર્ણયને પડકાર આપી, બાબરીયાવાડને જૂનાગઢથી સ્વતંત્ર જાહેર કરી હિન્દી સંઘમાં જોડાવાનો નિર્ણય કરી દીધો. જૂનાગઢની લોકક્રાંતિની શરૂઆત બાબરીયાવાડમાંથી થઇ એમ પણ કહી શકાય.

સંદર્ભ: “ગિરનાર પુસ્તક”

વધુ ક્રમશઃ…

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

image source – Google

Also Read : મેઘાણી સાહીત્ય કોર્નર