જૂનાગઢ જિલ્લો એટલે ઇતિહાસનો ભંડાર, જ્યાં અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. કેટલાંક સ્થાપત્યો વિશેની લોકોને જાણ હોવાથી, પૂરતી સારસંભાળ થતી રહે છે, જ્યારે કેટલાંક હિન્દુ, બૌદ્ધ, ઇસ્લામિક વગેરે જેવા સ્થાપત્યો ધરબાયેલા પડ્યા છે. યોગ્ય સંભાળના અભાવે આવા સ્થાપત્યો ખંઢેર હાલતમાં પડ્યાં છે.
જૂનાગઢ શહેરની નજીક આવેલ વામનસ્થલી તરીકે ઓળખાતા વંથલી તાલુકાના ગાદોઇ ગામ, જે જૂનાગઢ-સોમનાથ હાઈવે પર સ્થિત છે. આ ગામમાં ધરબાયેલ પડેલ આ વાવને પૂરતી સારસંભાળ ન મળવાથી આજે તે અવાવરું જગ્યામાં ફેરવાઈ છે.
જાણકારોના મતે; ગુજરાતમાં આશરે આવી 1000 જેટલી વાવ છે. જેના પ્રકાર આ મુજબ છે; નંદા,જયા,ભદ્રા,વિજયા એમ છે. ત્યારે ગાદોઈ ગામે મળેલી આ વાવ ક્યાં પ્રકારની વાવ છે, તે માહિતી તો જાણવી જ રહી! પરંતુ કેટલીક લૌકિક વાતોના આધારે આ વાવ મીનળ વાવની માસીયાઈ વાવ છે એવું કહેવાય છે.
ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાની ધરોહર ગણાવી શકાય એવી આ ગાદોઈ વાવમાં સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. આ વાવ છ માળ અને આશરે એંસી પગથિયાં ધરાવે છે. જેની ઊંડાઈ સો ફૂટ માનવામાં આવે છે. પગથીયાની બંન્ને બાજુએ ઉપર અનેક ગોલખ, હિન્દુ મુર્તિઓ તેમજ બારીક કોતરકામ વાળા સ્થંભો, કમાનો, મોટી લાંબી પાટો, ગોખલાઓ, મુર્તિઓ સાથે આસરે એંસી ફુટની ઉંડાઈ સુધી સરસ પહોળા પગથીયા બાદ ગોળાઈ વાળો કુવો દ્રશ્યમાન થાય છે. પગથીયા પુરા થાય ત્યાંથી આશરે 25 ફુટની વધારાની ઉંડાઈવાળો કૂવો છે, જેમાં ફુલ પાણી છે. આ વાવને કાંઠે પુરાતન નકશી કામવાળું નાનકડું શીવ મંદિર છે.
પરંતુ હાલમાં આ વાવ એકદમ દયનિય હાલતમાં છે, કારણ કે પૂરતી કાળજી ન લેવાતી હોવાથી કચરાના ગંજ ખડકાયાં છે. ત્યારે સ્થાનિક લોકો આ વાવની કાયમી જાળવણી થાય અને ઇતિહાસવિદો દ્વારા આ વાવનો સ્પષ્ટ ઇતિહાસ શોધી કાઢવામાં આવે તેવી માંગ કરી છે. જેથી કરીને આ વાવને જીણોધ્ધાર દ્વારા પુનઃ હેરીટેજ વાવ તરીકે સ્થાપિત કરી, તેનું કાયમી જતન કરી ઐતિહાસિક વારસા તરીકે જીવંત રાખી શકાય એવી અપેક્ષા કરી છે.
Also Read : જૂનાગઢ ના બે સિતારાઓએ ડી.આઈ.ડી. ઓડિશનમાં ચમકાવ્યું જુનાગઢનું નામ