કનડા ડુંગર : ખેલાયો’તો શૂરવિરોનો લોહિયાળ ખેલ, 80 કરતાં વધુ ખાંભીઓની આ કથા સાંભળીને રૂંવાળા બેઠા થઈ જશે!

કનડા ડુંગર

કનડા ડુંગર : આપણું કાઠીયાવાડ એટલે એવી ભૂમિ જ્યાં શૂરવીરોના માથા વઢાય ગયા હોય છતાં એમના ધડ લડ્યા છે. કાઠીયાવાડ એટલે એવા વીરોની ભૂમિ જેમણે વતન માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આ શૂરવીરોની વિરતા અને બહાદુરીને આજે પણ લોકો ગર્વથી યાદ કરે છે. આજે પણ ઘણાં ગામડાઓમાં આ શૂરવીરોની ખાંભીઓ આવેલી છે, જેને પાળિયા પણ કહેવામાં આવે છે. આજે એવી જગ્યાની વાત કરીશું, જ્યાં એક નહીં પરંતુ એક સાથે 80 કરતાં વધારે ખાંભીઓ આવેલી છે.

કનડા ડુંગર

આ વાત છે આશરે 136 વર્ષ પહેલાની છે. 28, જાન્યુઆરી, 1883નો એ દિવસ, જૂનાગઢના મેંદરડા નજીક આવેલ કનડાના ડુંગર પર આશરે 136 વર્ષ પહેલા 28, જાન્યુઆરી 1883ના રોજ જૂનાગઢનાં રસ્તે બળદગાડીઓની હારમાળા ચાલી આવતી હતી, પરંતુ આ ગાડાઓમાં કોઈ જાતનો સામાન કે ઘર વખરી ન હતી. ગાડાઓમાં ભરેલા સામાનને જોઈને કોઈ પથ્થર દિલના માનવીના પણ કાળજા કંપી જાય એમ હતા. ગાડાઓમાંથી વહેતું લોહી રસ્તાઓને લાલ રંગમાં રંગી રહ્યું હતું. આ ગાડાઓમાં 80 કરતાં પણ વધારે ધડ વગરના માથા હતા. આટલી બધી ક્રૂરતાથી કપાયેલા આ ધડ વગરના શીશ આખરે હતા કોના?

કનડા ડુંગર

આ શિશ હતા મહિયા રાજપૂત શૂરવીરોના. અંગ્રેજો દ્વારા જમીન ઉપર મહેસૂલી કર વસૂલવાના નિયમના વિરોધમાં મહિયા રાજપુતો સત્યાગ્રહ પર બેઠા હતા. સમગ્ર દેશમાં અંગ્રેજોએ સામેની લડાઈનો આ પહેલો સત્યાગ્રહ હતો. જેમાં જૂનાગઢનાં મહિયા રાજપુત સમાજના 80 જેટલા શૂરવીર યુવાનો અંગ્રેજો સામે મેદાને પડ્યા હતા.

અંગ્રેજોની આ જોહુકમીનો વિરોધ કરનાર રાજપુતોને અંગ્રેજી હકૂમતના શાસન દરમિયાન જૂનાગઢનાં નવાબની ફોજે કાવતરું કરી દગો કરી, ગોળીબાર અને તલવારબાજી કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તેમના માથા વાઢી તેમના શીશને ગાડામાં નાખી જુનાગઢ લઈ જવામાં આવ્યા હતા. દેશમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો એ પહેલા દેશનો આ પહેલો હત્યાકાંડ જૂનાગઢનાં પાદર ગણાતા કનડાના ડુંગર ઉપર 28, જાન્યુઆરી 1883ની વહેલી સવારે થયો હતો.

આપણું કાઠીયાવાડ તો શૂરાઓની ભૂમિ છે. અસંખ્ય શૂરવિરોએ પોતાની જાતને લોકોના અને ગાયોના રક્ષણ માટે હોમી દીધી છે, પરંતુ એવા ઓછા સ્થળો હશે જ્યાં એક સાથે એટલી સંખ્યામાં ખાંભીઓ જોવા મળે. કનડાના ડુંગરની ટોચે આશરે 80 કરતાં વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ મહિયા રાજપૂત સમાજના એ યુવાન શહીદોની વિરતાની નિશાની છે.

https://www.facebook.com/m2m4m/videos/1743135759090863/

આ શૌર્યકથા સાંભળવા માત્રથી આપના રૂવાડા ઊભા થઈ જાય છે, ત્યારે વિચાર કરો કે એ દ્રશ્ય કેટલું ભયાનક અને હૃદયદ્રાવક હશે? જ્યારે એક સાથે 80 યુવાનોના લોહી નીતરતા માથા એમની માતૃભૂમિના લોહીના રંગે રંગતા જતાં હશે. એ યુવાનોની શૂરવીરતા અને બહાદુરીને સલામ કે જેમણે અન્યાયનો વિરોધ કરી પોતાના જીવ આપી દીધા.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : જૂનાગઢ નાં નિવૃત શિક્ષકો દ્વારા થયું 91 પરિવારોને રાશન કીટનું વિતરણ