વિલિંગ્ડન ડેમ ની મુલાકાત તમને જૂનાગઢ અને પ્રકૃતિના પ્રેમમાં પાડી દેશે!

વિલિંગ્ડન ડેમ

વિલિંગ્ડન ડેમ : આપણે જૂનાગઢવાસીઓ હરવા ફરવાના શોખીન તો ખરાં જ, બરાબર ને!! ફરવાની વાત આવે એટલે આપણે સૌ હંમેશા તૈયાર જ હોઈએ. ખાસ કરીને રવિવારે ભવનાથ જવાની તો કોઈ ભાગ્યે જ ના પડતું હશે. આપણાં જૂનાગઢમાં આવેલ સ્થળોમાં ગિરનાર પર્વત, ભવનાથ, બોરદેવી, જટાશંકર અને ઉપરકોટનો કિલ્લો જેવા ઘણા પ્રવાસન સ્થળો દરવર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષતા હોય છે, તો પછી આપણે તો જૂનાગઢમાં જ વસીએ છીએ. આપણને આપણું જ શહેર ન આકર્ષે એવું તો કેમ બને!! જૂનાગઢમાં આવેલી આ બધી જગ્યાઓ વચ્ચે જૂનાગઢમાં એક સુંદર હરિયાળી જગ્યા આવેલી છે. જેની સુંદરતા તમને મુગ્ધ કરી દેશે. આ જગ્યાની મુલાકાત લઈ તમે પ્રકૃતિ અને જુનાગઢ બંનેના પ્રેમમાં પડી જશો.

વિલિંગ્ડન ડેમ

અહીં વાત કરવામાં આવી રહી છે આપણાં વિલિંગ્ડન ડેમની. જૂનાગઢ શહેરથી માત્ર 3 કિમી દૂર વિલિંગ્ડન ડેમ આવેલો છે. આખા જુનાગઢ શહેરના લોકોને પીવાનું પાણી પુરુ પાડતા વિલિંગ્ડન ડેમની સુંદરતા તમારું મન મોહી લેશે. ચારેય બાજુ લીલોતરી અને પહાડોથી ઘેરાયેલો આ ડેમ તમને મનની શાંતિનો અનુભવ કરાવશે. ચોમાસા દરમિયાન પાણીથી ભરેલા આ ડેમની ચારે તરફ લીલીછમ હરિયાળી અને ઊંચા નીચા પર્વતો જોવા મળે છે. આ પહાડો અને લીલોતરી વિલિંગ્ડન ડેમની સુંદરતામાં વધારો કરે છે.

વિલિંગ્ડન ડેમ

જાહેર રજા કે રવિવારના દિવસે અહી હજારો લોકો ફરવા માટે આવે છે. નીચલા દાતારની પાછળ આવેલા રસ્તા પરથી વિલિંગ્ડન ડેમ જવાનો રસ્તો જોઈને તમે જાણે ગીરના જંગલમાં હોય એવો અનુભવ થશે. આગળ પહોચતા વળાંકવાળો રસ્તો તમને રોમાંચિત કરવા માટે પૂરતો છે અને પછી આવે છે આપણાં સૌનો ફેવરિટ વિલિંગ્ડન ડેમ. ચારે તરફ પહાડોથી ઘેરાયેલો આ ડેમ જોઈને જ આનંદ આવી જાય છે. લોકો અહી ફરવા માટે ઓછા અને ફોટોગ્રાફી માટે વધારે આવતા હોય એવું લાગે છે.

વિલિંગ્ડન ડેમ કાળવા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમનું નામ એ સમયના ગવર્નર લોર્ડ વિલિંગ્ડન પરથી રાખવામાં આવ્યું છે. આ ડેમની નજીક 847 મીટર ઊંચા પગથિયાં આવેલા છે. આ પગથિયાં જમીયલ શાહ દાતાર સુધી પહોચાડે છે. જેને ઉપલા દાતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપલા દાતાર એ હિન્દુ મુસ્લિમની કોમી એકતાના પ્રતિક સમાન માનવામાં આવે છે, જ્યાં બંને કોમના લોકો ખૂબજ આસ્થાથી માથું નમાવે છે.

વિલિંગ્ડન ડેમ

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : MatinaGanesh Clay modelling workshop