દોડતી જતી જિંદગીમાં રિફ્રેશ બટન સમોવડી જૂનાગઢ ની આ જગ્યા, તમને જરૂર તરોતાઝા કરી મૂકશે!

જૂનાગઢ

જૂનાગઢ : વાત છે પુરપાટ ઝડપે દોડતી જિંદગીને બ્રેક લગાડવાની, થોડું પાછળ પણ જોવાની કારણ કે, માત્ર આગળ વધતાં રહેવાથી ઘણુંબધું પાછળ છૂટી જતું હોય છે. આપણી વ્યસ્ત જીવનશૈલીમાં જિંદગીને ખુલીને જીવવાની કે દરેક ક્ષણને મેહસૂસ કરવાની ફુરસદ જ નથી હોતી, પણ જો આપણાં જ શહેરમાં એક એવી જગ્યા મળી જાય કે જ્યાં જઈએ ને તો જાણે કે જીવન થંભી જાય અને જીવનની પળ પળ ખુલીને જીવી શકાય તો!

જૂનાગઢ

એ સ્થળ કે જે જૂનાગઢના “સનસેટ પોઇન્ટ” તરીકે પણ ઓળખાય છે. એ સ્થળ એટલે કે ઉપલા વાઘેશ્વરીમાતાનું મંદિર. આમ તો, જૂનાગઢવાસીઓ માટે આ લોકપ્રિય મંદિર જ છે પણ આજે વાત તે મંદિરની આજુબાજુની પ્રકૃતિ અને ત્યાંની હકારાત્મક ઉર્જાની કરવાની છે. ત્યાંની મુલાકાત તમને માત્ર ફ્રેશ જ નહીં પરંતુ તમારા જીવનને એક હકારાત્મક ઉર્જાથી પણ ભરી દેશે.

જૂનાગઢ

એ જગ્યા જૂનાગઢની સૌથી શાંતિમય જગ્યામાંની એક છે. ભવનાથ તરફ જતાં રસ્તાની જમણી બાજુએ એક ટેકરી પર વાઘેશ્વરી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. ત્યાં ઉપર જતાં મંદિરની આજુ બાજુનો વિસ્તાર પ્રકૃતિના સૌંદર્યથી ભરેલો છે.

જૂનાગઢ

ત્યાં પહોંચીને એવું લાગશે કે, જાણે તમે જગતજનની માતાના ખોળામાં આવી ગયા હોય. ખાલી વાઘેશ્વરી માતાજીના જ નહીં પરંતુ પ્રકૃતિ માતાના ખોળામાં પણ! ત્યાં પક્ષીઓ, વાદળો, વૃક્ષો, નાની-મોટી ટેકરીઓ અને સૌથી અગત્યનું એ આથમતો સૂર્ય બધું જોવા મળે છે! એટલે કે પ્રકૃતિ માતાના પ્રેમનાં ખજાનાનું સંપૂર્ણ પેકેજ તમને ત્યાં મળી રહેશે.

ખૂબજ નજીકથી પસાર થતાં વાદળો જાણે કે, મલકાતા મલકાતા તમને “હેલ્લો” કરતાં હોય એવું લાગશે! ખરેખર એવું લાગશે કે સૂરજદાદા જાણે માતા ધરતીને “આવજો” ન કહી રહ્યાં હોય અને સમગ્ર જીવસૃષ્ટિ પણ જાણે સૂર્ય દેવતાનો આભાર માની રહી હોય, તેવું પ્રતીત થાય છે. મંદ મંદ વાતો વાયરો સમગ્ર શરીરને રોમાંચિત કરી નાખશે, હાલકડોલક કરતી ઝાડની ડાળીઓ જાણે કે “હાં ! મોજ હાં !” નો ધીમો સાદ આપતી હોય એવું લાગશે! પવનના તાલ અને પ્રકૃતિના સૂરમાં તમારું હૃદય કોઈ અલગ જ ગીત ગાવા લાગશે.ટેકરી પરથી દોડતું આપણું શહેર તમે જોઇ શકશો પણ તમારું જીવન એ ક્ષણોમાં થંભી ગયું હશે!

જિંદગીની મુસાફરીમાં તો જ્યાં સુધી આપણે દોડતા રહીએ છીએ, ત્યાં સુધી આપણને એટલો જ અહેસાસ થાય છે કે આપણે કેટલું બધું મેળવ્યું છે! પણ જ્યારે આપણે ક્યાંક રોકાઇ જઈએ, વિસામો લઈએ કે ક્યાંક થંભી જઈએ ત્યારે આપણને એ પણ અહેસાસ થાય છે કે આપણે કેટલું બધું ગુમાવ્યું છે! એટલા માટે જ જીવનમાં આ રીતે વિસામો લેવો કે થંભી જવું પણ ખૂબજ જરૂરી છે! આવી જિંદગીને થંભાવી દે એવી ક્ષણો આપણને કહી જાય છે કે આગળ વધવા માટે, ક્યાંક રોકાવું પણ જરૂરી છે!

તો રાહ કોની જોવો છો ? રૂટિન લાઇફ સ્ટાઈલમાંથી બહાર નીકળી આજે જ પહોંચી જાવ આ સનસેટ પોઈન્ટ પર, શું ખબર તમારી લાઇફને પણ કોઈક નવો ટર્નિંગ પોઈન્ટ મળી જાય!

Author: Kalpit Chandpa(“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : જાણો આપણા જૂનાગઢ નજીક શરુ થવા જઈ રહેલા એકમાત્ર હવાઈ મથક વિશે- Keshod Airport