ઉપરકોટ : જૂનાગઢ શહેર પ્રકૃતિના ખોળે વસતું એક ઐતિહાસિક નગર છે. વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું આ નગર પોતે જ એક પૌરાણિક વારસો છે, તેમ પણ કહી શકાય…
જૂનાગઢ અડી કડી વાવ, નવઘણ કૂવો, બાવા પ્યારાની ગુફાઓ, સુદર્શન તળાવ, બોરદેવી જેવા અનેક પ્રસિદ્ધ પૌરાણિક સ્થળો ધરાવે છે. આજે હું શહેરના એવા જ એક પ્રસિધ્ધ સ્થળ ઉપરકોટ વિશે વાત કરવા જઈ રહી છું.
ભાગ્યે જ કોઈ એવું જૂનાગઢી હશે જે ઉપરકોટ વિશે નહીં જાણતું હોય! આપણે અવારનવાર ઉપરકોટની મુલાકાત તો ચોક્કસપણે લેતા હશું, પણ શું કોઈવાર વિચાર આવ્યો ત્યાં આવેલી બે વિશાળ તોપોનો ઈતિહાસ સાથે શો સંબંધ હશે..??
ઉપરકોટના ઈતિહાસ વિશે આપ અગાઉ મૂકેલા આર્ટીકલમાં પણ જાણી જ ચૂક્યા હશો, માટે હું તેના ઈતિહાસ વિશે વધુ વાત ન કરતાં ત્યાં આવેલી બે તોપો વિશે થોડી જાણી અજાણી વાતો આપને જણાવીશ…
“ગિરિદૂર્ગ” મૂળનામ ધરાવતા ઉપરકોટનું બાંધકામ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. બૌધ્ધ ગુફાઓ, વાવ, કૂવો, ઉપરાંત ઉપરકોટમાં બે તોપો આવેલી છે. ઇ.સ.1537-38માં પોર્ટુગીઝો સામે દીવમાં થયેલી લડાઇમાં ગુજરાત સલ્તનતના આમંત્રણથી આવેલા સુલેમાન પાશાની સરદારી હેઠળ યુદ્ધમાં તુર્કી નૌકાસેનાએ આ તોપનો ઉપયોગ કર્યો હતો. બાદમાં આ તોપોને બાદશાહ મહંમદ બેગડાને ભેટ આપી હતી. ત્યારબાદ બેગડાએ જૂનાગઢ પર ચઢાઈ કરીને જૂનાગઢ જીતી લીધું. તે સમયે જૂનાગઢના થાણેદાર મુજાહિદખાન બહેલીમે જૂનાગઢ લઈ આવી ઉપરકોટ ખાતે રાખી હતી.
આ તોપોની વિશેષતા વિશે વાત કરીએ તો, આ બંને તોપો અલગ અલગ નામ પણ ધરાવે છે. બે તોપ પૈકી એક તોપ “નિલમ” કહેવાય છે. તેના ઉપર કોતરાયેલા અરબી લેખ પ્રમાણે આજમ(ઈરાન) અને અરબના શાહ સલીમ ખાનના પુત્ર સુલતાન સુલેમાને આ તોપ ખુદાના કામ માટે હીજરી સન 937 માં બનાવવા ફરમાન કર્યું હતું.
રાજ્યના અને દીવના દુશ્મનો કાફિર પોર્ટુગીઝો કે જેઓ હિંદમાં આવવા માંગે છે, તેને તાબે કરવામાં તે વિજયી નિવડયો. આ હમઝાના પુત્ર મહમદે બનાવી છે. આ તોપ આશરે 17 ફૂટ લાંબી છે, અને તેનો પરિઘ 7-6 છે.
આ તો થઈ ફક્ત એક તોપની વાત, હવે વાત કરીએ ઉપરકોટ ખાતે આવેલી બીજી તોપની…
બીજી તોપને “કડાનાળ/ચૂડાનાળ” કહે છે. તેના ઉપર અરબી અક્ષરોમાં માત્ર અલીબીન હમઝા લખ્યું છે. આ તોપ આશરે 13 ફૂટ લાંબી છે. તો, આ હતી ઉપરકોટ ખાતે આવેલી તોપો વિશે થોડી જાણી અજાણી વાતો…
Author: Morvee Raval #TeamAapduJunagadh
Also Read : જન્માષ્ટમી વેકેશન : છ દિવસોમાં થતી ઉજવણી સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો.