ટીચર્સ ડે : 5 સપ્ટેમ્બર… આઝાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નો જન્મદિન એટલે શિક્ષકદિન. તુલનાત્મક ધર્મ અને ફીલોસોફીના 20 મી સદીના અગ્રણી વિદ્વાનોમાં તેમની ગણના કરવી જ રહી.
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ એ 1906માં ફિલોસોફીમાં સ્નાતકની પદવી મેળવી તથા એમ.એ.ડિગ્રી માટે “ધ એથિકસ ઓફ વેદાંત એન્ડ ધેર મેટાફિઝીકલ પ્રેસ્પેપોઝિશન” થિસીસ લખી હતી. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેમનાં પુરુષાર્થ અને તેજસ્વીતાને લીધે તેમને સમગ્ર શૈક્ષણિક જીવન દરમિયાન શિષ્યવૃત્તિ મળી હતી.
રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ તેમનું ઉમદા યોગદાન રહેલું છે. જે અંતર્ગત મૈસુર અને કલકત્તા જેવી રાષ્ટ્રીય યુનિવર્સિટી ઉપરાંત હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ તથા હેરિસ માન્ચેસ્ટર કોલેજ ખાતે સેવા આપી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશનું ગૌરવ વધાર્યું હતું.
“જ્યારે આપણે માની લઈએ કે આપણે જાણીએ છીએ, ત્યારે આપણે શીખવાનું બંધ કરીએ છીએ.” જેવા ઉમદા વિચાર આપનાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારતના સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન” થી નવાજવામાં આવ્યા છે તે ઉપરાંત પણ એમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો મળેલા છે
“Teachers should be the best minds in the country” એવું દ્રઢપણે માનનાર તેઓ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે 5મી સપ્ટેમ્બરના રોજ તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રોની તેમના જન્મદિવસની ઉજવણી કરવાની વિનંતી બદલ તેમણે જવાબ આપ્યો, મારા જન્મદિવસની ઉજવણી કરવાને બદલે, 5 મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે જોવામાં આવે તો તે મારા માટે વધુ ગર્વ સમાન હશે. ત્યારથી તેમના જન્મદિવસને ભારતમાં “શિક્ષક દિન” તરીકે ઉજવવામાં આવે છે. આવી મહાન પ્રતિભાને શત શત નમન.
ટીચર શબ્દની સાથે આપણા બાળપણની અનેક યાદગાર ક્ષણો તરોતાજા થઈ જાય છે. મિત્રો સાથેના અસંખ્ય નિર્દોષ તોફાનો સામે શિક્ષકનો લાગણી સભર ગુસ્સો એ સમય વહી જવા છતાં યાદ રહી જાય છે. શાળાએ જતા બાળકોને, સ્કૂલનાં વાહનને જોઈએ તો ક્યારેક એવી કોઈ પરિસ્થિતિમાં શિક્ષકની કહેલી વાતો યાદ આવી જાય હૈઁ ને ? ?… જો તમે હાલ વિદ્યાર્થી જીવનમાં હોં કે તે સમય પછી પણ તમારા શિક્ષકો સાથે સંપર્કમાં હોં તો આજનો દિવસ તેમની મુલાકાત લઇ અથવા તેમનો સંપર્ક કરી તેમનો આભાર જરૂર માનીએ. આ વિશે તમારા મંતવ્યો અને તમારાં કોઈ યાદગાર અનુભવ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો.
Also Read : ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીઓ જેની 90 દાયકામાં બોલબાલા હતી, આજે દેખાય છે કઈક આવી.. જુઓ તસવીરો…