જયાપાર્વતી : શિવ પાર્વતીની આરાધનાનો પર્વ

જયાપાર્વતી

વરસાદ અને ભક્તિભાવ ભર્યા વાતાવરણ સાથે અષાઢ માસ આપણી વચ્ચે આવી પહોંચ્યો છે. જયાપાર્વતી ના વ્રત સાથે પવીત્ર વ્રતોનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે જોઈએ આ કલ્યાણકારી વ્રત વીશે થોડી વિગત….

જયાપાર્વતી

આ વ્રત અષાઢ સુદ તેરસ થી અષાઢ વદ બીજ એમ 5 દિવસનું હોય છે અને અષાઢ વદ -ત્રીજ એ જાગરણ કરવામાં આવે છે . જે 5,7,9, કે 11 વર્ષ સુધી કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત તા.25/07/2018 થી તા.31/07/2018 દરમ્યાન ઉજવાઈ રહયા છે. મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતું આ વ્રત કુંવારી કન્યાઓ અને પરીણીત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. સૌ પ્રથમ આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. હિંદુ માન્યતા મુજબ આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને ઇચ્છીત સુયોગ્ય વર મળે છે અને પરીણીત સ્ત્રીઓ પરીવારની સુખ સમૃદ્ધી મેળવે છે.

જયાપાર્વતી
પૂજા વીધી :
તેરશને દિવસે વહેલાં ઊઠી, નાહી-ધોઈ મંદીરે જઈ શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે. વ્રતના પ્રથમ દિવસે માટીના કે અન્ય, કોઇ વાસણમાં ઘઉંના જવારા રાખે છે અને તેને ઘરે કે મંદીરમાં સ્થાપીત કરવામાં આવે છે. રૂ માંથી માળા (નાગલા) બનાવવામાં આવે છે અને રોજ આ જવારાની પાણી, રોલી, પુષ્પ, અક્ષત અને કંકુ શોભીત રૂની માળા ચઢાવી પૂજા કરવામાં આવે છે.


ભોજન :
વ્રતના પાંચ દિવસ બહેનો મીઠા તથા ગળપણ વગરનું ભોજન લે છે અને એકટાણું કરે છે.

જાગરણ :
આ વ્રતના અંતીમ દિવસે એટલેકે અષાઢ વદ -3 ની રાતે (તા. 31/07/2018ની રાતે) જાગરણ કરવામાં આવે છે જેમાં શિવ પાર્વતીની આરાધના, વ્રત કથાનું વાંચન તથા ઉજવણી કરવામાં આવે છે. છઠાં દિવસે હિંદુ માન્યતા મુજબ સવારે નાહી-ધોઈ સુંદર વસ્ત્રો પહેરી શિવ પાર્વતીની પૂજા કરી જવારાને પાણી, નદી કે તળાવમાં વિસર્જીત કરવામાં આવે છે.


વ્રતની કથા :


એક બ્રાહ્મણ દંપતી હતું. બધીરીતે સુખી હોવા છતાં સંતાન ન હોવાનું એક માત્ર દુઃખ હતું. એક દિવસ તેમને ત્યાં આવેલ નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે, તમારા નગરની બહાર જે વન છે ત્યાં એક શિવલિંગ છે. જેની કોઈ પૂજા કરતું નથી. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે. ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા.

એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તે સાંપના ડંસવાને લીધે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નિકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું.
તેમની અનન્ય ભકતીથી પ્રસન્ન થઈ માતા પાર્વતીએ તે બ્રાહ્મણ ને જીવનદાન આપ્યું અને સંતાન પ્રાપ્તિ માટે તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિ પૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.

નોંધ : સમય અને સ્થળ પ્રમાણે માન્યતાઓમાં થોડો ફેરફાર જોઈ શકાય છે.

એક વિચાર :
પરીવાર માટે વ્રત કરતી ઘરની દરેક નારી શક્તિ માટે આપણે ફીલ્મી સ્ટાઈલમાં વ્રત તો ન કરીએ પણ આ વ્રતના સમયે તેમની કોઈ કામમાં મદદ કરીને કે તેમના માટે તેમની ગમતી ભેટ લાવીને પ્રેમ કે રીસ્પેક્ટતો વ્યક્ત કરીજ શકાય. શું કહેવું તમારું ??

Also Read : દિવાળી ના “ ધુસજારા ”નો માનવજીવન સાથે અતૂટ સંબંધ