Sravan Special : જૂનાગઢવાસીઓ માટે તો બારેમાસ દેવોના દેવ મહાદેવને પુજવાનો સમય હોય છે. આપણા તો દિવસની શરૂઆત જ ગુડ મોર્નિંગની જગ્યાએ “મહાદેવ”ના હોંકારાથી થતી હોય છે અને એ જ રીતે દિવસ “જય ગિરનારી”ના નાદ સાથે પૂરો થતો હોય છે.
આપણે જ્યારે મહાદેવ, ભોળાનાથ, મહાકાલ, ભુતનાથ, ભવનાથ અને ગિરનાર આ ચાર અક્ષરથી બનેલા શબ્દને સાંભળીએ, વાંચીએ કે બોલીએ ત્યારે આપણા તન અને મનમાં એક અલગ જ ઉર્જા પ્રસરી જતી હોય છે, તો આજે એક મહાદેવ અને ગિરનારના ભક્ત તરીકે એ જ મહાદેવ અને ગિરનાર વચ્ચેની કંઈક અદ્દભુત અને રસપ્રદ સામ્યતાઓ હું મારા શબ્દો થકી આલેખવાનો છું. Sravan Special
મહાદેવ અને ગિરનાર આ બંને વિશે હજુ સુધી કોઈ સંપૂર્ણ જાણી શક્યું નથી. મહાદેવને આદિદેવ તરીકે પૂજવામાં આવે છે, કારણ કે એ અનાદિકાળથી પૂજનીય છે. તો આપણાં ગિરનારને પણ આદિપર્વત ગણી શકીએ, કારણ કે ગિરનારનો ઉલ્લેખ પણ ઇતિહાસના દરેક યુગમાં કરવામાં આવ્યો છે.
હિન્દુ ધર્મમાં મહાદેવને જોગી તરિકે પૂજવામાં આવ્યા છે એટલે કે એક સંત, સાધુ અથવા ઓલિયા તેવી જ રીતે ગિરનારને પણ એક જોગી સંત, સાધુ કે ઓલિયા તરીકે પૂજવામાં આવે છે. ભોળાનાથ અને ગીરનાર બંનેને જોઈએ ત્યારે આપણા હૃદયમાં કોઇ અઘોરી સાધુ અથવા જોગી જેવુંજ ચિત્ર ઉપસી આવે છે.
મહાદેવ હિન્દુ ધર્મના સૌથી પુજનીય અને પવિત્ર દેવ છે એ જ રીતે ગિરનાર પણ બધા પર્વતોમાં સૌથી પૂજનીય અને પવિત્ર છે. મહાદેવનું રૂપ મોહક અને તેનું વ્યક્તિત્વ અનન્ય છે એટલે કે એના જેવું બીજું કોઈ છે જ નહિ. એવી જ રીતે આપણા ગિરનારનું રૂપ પણ એટલું જ મોહક છે અને ગિરનાર પર્વત જેવો અન્ય પર્વત બીજો કોઈ છે નહિ.
મહાદેવના આભૂષણ તરીકે સર્પને અને તેમના વસ્ત્ર તરીકે વાઘના ચામડાને અને તેના વાહન તરીકે નંદીને ગણવામાં આવે છે એટલે કે તે તેને પ્રાણીઓ સૌથી વધુ પ્રિય છે અને પ્રાણીઓ તેમની છાયામાં જ રહે છે. એવી જ રીતે ગિરનાર પણ પોતાના વિશાળ જંગલમાં ઘણા બધા પ્રાણીઓને આશરો આપે છે. મહાદેવ માટે બધા ધર્મના મનુષ્યો તો ઠીક દેવો, દાનવો, રાક્ષસો, ભુતડાઓ, યક્ષોં અને ગંધર્વો વગેરે બધા એક સમાન હોય છે તેમને કોઈના માટે કોઈ ભેદભાવ નથી હોતો એટલે કે મહાદેવ એ સમગ્ર સૃષ્ટિ માટે યુગોથી અનેકતામાં એક્તાનું પ્રતિક છે. એવી જ રીતે આપણા ગિરનારમાં પણ ચાર ધર્મના લોકોનાં ધર્મસ્થાનો છે. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ અને જૈન ધર્મનાં લોકોને ગિરનાર પ્રત્યે ખૂબજ આસ્થા છે, એટલે કે ગિરનાર પર્વત તો આ જમાનામાં પણ અનેકતામાં એક્તાનું પ્રતિક છે. Sravan Special
મહાદેવની પૂજા લિંગ સ્વરૂપે થાય છે. લિંગને મહાદેવનું પ્રતિક ગણવામાં આવે છે અને ગિરનારને પણ જો આપણે જોઈએ તો એક વિશાળ લિંગ જેમ જ છે. હાં! પણ તેના પર જળાભિષેક વરુણદેવ સિવાય કોઈ કરી શકતા નથી! મહાદેવના શરણે જઈએ ત્યારે હૃદયમાં જે પ્રેમ, કરુણાં, ત્યાગ, દયા, અનુકંપા અને જીવનની અનુભૂતિ થાય છે એ જ અનુભૂતિ ગિરનારનાં ખોળે પણ થાય છે. હકીકતમાં ઘણાબધા લોકો ગિરનારને મહાદેવનું નિવાસસ્થાન માને છે, પણ હું તો ગિરનારને મહાદેવનું એક રૂપ જ માનું છું.
હર હર મહાદેવ
જય ગિરનારી
Author: Kalpit (“કસુંબી”) #TeamAapduJunagadh
Also Read : ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માં પ્રાયોગિક પરીક્ષા હવે બોર્ડ દ્વારા લેવામાં આવશે.