જગન્નાથ : રથયાત્રા ના 15 દિવસ પહેલા ભગવાનશ્રી જગન્નાથજી બીમાર પડી જાય છે! જાણો રથયાત્રા પાછળ વણાયેલી એક રોચક કથા…

જગન્નાથ

જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા, તેમનું નામ હતું શ્રી માધવદાસજી. એ પ્રભુની ભક્તિમાં લિન હતા. તેઓ પ્રતિદીન પ્રભુના ભજન કરતા. સંસારમાં તેમનું બીજું કોઈ હતુ નહીં, તેથી તેઓ ભગવાન જગન્નાથને જ સર્વેસર્વા માનતા. એક વખત માધવદાસજી બીમાર પડી ગયા. એટલા કમજોર પડી ગયા કે ઉભા પણ થઈ શકતા ન હતા. પડોસના લોકો તેમને કહેતા વૈદ્યને બોલાવો, પણ માધવદાસજી કહેતા મારી રક્ષા માટે મારો નાથ બેઠો છે, મારે કોઈની સહાયતાની જરૂર નથી..!!

જગન્નાથ

એક સમયે તેમની પીડા અતિશય વધી ગઈ, ત્યારે ભગવાન જગન્નાથ મનુષ્ય રૂપ ધારણ કરી તેમની સહાયતા માટે પહોંચ્યા અને કહ્યું,”હું તમારી સેવા કરી દઉં?” માધવદાસજી જવાબ આપવામાં અસમર્થ હતા, કેમકે માધવદાસજીનો રોગ એટલો વધી ગયો હતો કે, તેમને ખબર જ નહતી કે ક્યારે તેઓ મળમૂત્રનો ત્યાગ કરી દેતા હતા. વસ્ત્ર ખરાબ થઈ જતા હતા. એ વસ્ત્રોને ભગવાન જગન્નાથજી પોતાના હાથોથી સાફ કરતા હતા. એમના પુરા શરીરને પણ સાફ કરી તેમને સ્વસ્થ રાખતા હતા. પોતાનો પારિવારિક સભ્ય પણ સેવા ન કરી શકે એટલી સેવા ભગવાન જગન્નાથજીએ માધવદાસજીની કરી.

જગન્નાથ

માધવદાસજીને જ્યારે ભાન આવ્યું, ત્યારે તેઓ ઓળખી ગયા કે આ મારો નાથ જ હોઈ શકે અને જગન્નાથજીને ભેટી પડ્યા. આંખોમાંથી આંસુઓનો દરિયો વહેવા લાગ્યો. માધવદાસજી બોલ્યા,”પ્રભુ તમારે આ બધુ કરવાની શું જરૂર હતી? તમે તો આ રોગને ચપટી વગાડતા દૂર કરી શકતા હતા.” ત્યારે જગન્નાથજી બોલ્યા,”માધવદાસ તારી વાત સાચી છે, પણ કર્મમાં જે લખેલું છે તેને દરેક મનુષ્યને ભોગવવાનું જ છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ કોઈ પોતાના કર્મોથી બચી ના શકે અને હું મારા ભક્તને આટલા અસહ્ય કષ્ટમાં કઈ રીતે જોઈ શકું? તારો 15 દિવસનો રોગ બચ્યો છે, જેને હું લઉં છું. તારી ભક્તિ સામે આ કશું જ નથી.”

જેથી કરીને આજે પણ ભગવાન જગન્નાથજી 15 દિવસ માટે બીમાર થાય છે. ભગવાન જગન્નાથને દરરોજ છપ્પન ભોગ ચઢાવામાં આવે છે, પણ આ 15 દિવસોમાં ભગવાનની રસોઈ બંધ કરી દેવામાં આવે છે. ભગવાન જલ્દી ઠીક થાય તે માટે તેમને લેપ લગાડવામાં આવે છે. જગન્નાથ મંદિરમાં તો ભગવાનની બીમારી તપાસવા પ્રતિદિન વૈદ્યને પણ બોલવામાં આવે છે. ભગવાનને ફળ અને ફળોનો રસ ચઢાવામાં આવે છે અને મીઠું દૂધ અર્પિત કરવામાં આવે છે.

જગન્નાથ
જગન્નાથ

ભગવાન જગન્નાથજી બીમાર છે, જેથી મંદિરના કપાટ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. જેથી કોઈ વ્યક્તિ પ્રભુના દર્શન કરી શકતો નથી. ભગવાન ભૂખ્યા છે તો ભક્તો કઈ રીતે ખાઈ શકે? જેને લઈને સમગ્ર પુરીના લોકો 15 દિવસ સુધી અન્નનો એક દાણો પણ મોઢામાં નાખતા નથી. ભગવાનની જેમ ફળ, રસ અને દૂધનું જ સેવન કરે છે. જયારે તેઓ સ્વસ્થ થઈ જાય ત્યારે પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે છે. તેમના દર્શન માટે ભક્તોનો જનસૈલાબ ઉમડી પડે છે. ભગવાનના દર્શન કર્યા બાદ જ ભક્તો અન્ન ગ્રહણ કરે છે. આસ્થા તથા ભક્તો અને ભગવાન વચ્ચેના આ સ્નેહને કારણે જ આજે આધુનિક દુનિયામાં પણ શ્રદ્ધા અતુટ છે.

જય જય જગન્નાથ…

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : આપણાં જૂનાગઢ ની નવરાત્રી નો પૌરાણિક ઇતિહાસ