Historical Name of Junagadh : આપણાં જૂનાગઢના 18 નામો પાછળ રહેલી છે આ રોચક અને રસપ્રદ વાતો…

Historical name of Junagadh

સંદર્ભ સૂત્ર: ‘તસવીરોમાં જૂનાગઢ’
– ડો.પ્રદ્યુમન ખાચર અને ધીરુભાઈ વાળા

Historical Name of Junagadh : વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પછી હોય શહેર, નામ સૌ કોઈની આગવી ઓળખ ધરાવે છે, ખરું ને? આજે આપણે વાત કરવાના છીએ જૂનાગઢ શહેરના પ્રાચીન નામો પાછળના ઇતિહાસ વિશે. ભારત દેશમાં એવા ઘણાં ઓછા શહેરો હશે જેના નામ જૂનાગઢની જેમ અનેક વખત બદલ્યા હશે! જો કોઈ શહેરની નામ બદલવાની વાત આવે તો તેમાં જૂનાગઢને પ્રથમ ક્રમ મળે, કેમકે જૂનાગઢ પર અનેક રાજાઓએ રાજ કર્યું જેને પગલે, અત્યાર સુધીમાં 18 જેટલા નામો મળ્યા છે અને ભુલાયા છે. આવો જાણીએ જૂનાગઢનાં નામો પાછળની વિશિષ્ટ ગાથા…

Junagadh's 18 names

01.કરણકુબ્જ:

ઇતિહાસને આધારે શહેરનું સૌથી પહેલું નામ કરણકુબ્જ હતું. સ્કંદપૂરાણના પ્રભાસખંડમાં ગિરનારના મહાત્મ્યમાં કરણકુબ્જ નામનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ આ કરણ કે કર્ણ કોણ હતાં? તેના વિશે માહિતી અપ્રાપ્ય છે.

 02.મણિપુર    03.ચંદ્રકેતુપુર   04.રેવત   05.પૌરાતનપુર    

आदौमणिपुरंनाम, चंद्रकेतुपुरंस्मृतं ।

तृतीयरैवतंनाम, कालौपौरातनंपुरं ।।

આ ચારે પ્રાચીન નામોનો ઉલ્લેખ ગિરનાર મહાત્મ્યમાં સંસ્કૃત ભાષાના આ શ્લોકમાં જોવા મળે છે. જેમાં સૌપ્રથમ નામ મણિપુર, ચંદ્રકેતુપુર, રૈવત અને ત્યારબાદ પૌરાતનપુર પડ્યું.

06.દુર્ગ      07.જીર્ણદુર્ગ     08.જીરણગઢ

જીર્ણદુર્ગનો ઉલ્લેખ ઇ.સ.1330ના મેહર રાજા ઠેપકના હાથસણીના લેખમાં જોવા મળે છે. આ સિવાય વિ.સં.1445 ના ચોરવાડ મહાલના ખોરાસાના શિલાલેખમાં થયેલો છે. નરસિંહ મહેતા જે સમયે જુનાગઢ આવ્યા ત્યારનું નામ જીર્ણદુર્ગ હતું. તેમજ જીરણગઢ નામ જૂના પત્રવ્યવહારના નમૂનામાં જોવા મળે છે.

09.ગિરિનગર     10.નગર     11.પૂર્વનગર

જૂનાગઢના આ પ્રાચીન નામો પ્રાચીન લિપિમાં જોવા મળે છે. પશ્ચિમી મહાક્ષત્રપ રાજા રુદ્રદામાના લેખમાં ઇ.સ.150ની પ્રથમ પંક્તિ ‘इदं तडाकं सुदर्शन गिरीनगराद’ માં જોવા મળે છે. આ સિવાય બાવા પ્યારેના મઠ પાસેથી રુદ્રદામાના પુત્રના સમયમાં એક તારીખ વગરનો અભિલેખ મળ્યો, જેમાં ‘ગિરિનગર’ નામનો ઉલ્લેખ હતો. ત્યારબાદ વિદ્વાનોએ ‘નગર’ને જ ગિરિનગર ગણ્યું. તેમજ વંથલીના એક શિલાલેખ મુજબ પૂર્વનગર એ જૂનાગઢનું જ નામ છે

  1. જીર્ણપ્રકાર:

વંથલીમાંથી પ્રાપ્ત થયેલા વિ.સં.1469ના શિલાલેખોમાં જૂનાગઢનું એક નામ જીર્ણપ્રકાર પણ જોવા મળે છે.

13.યવનગઢ : 

યવનકાળમાં જૂનાગઢનું એક નામ ‘યવનગઢ’ પડ્યું હોવાની માન્યતાઓ વિદ્વાનો સેવી રહ્યા છે. લાસેન નામના જર્મન વિદ્વાને લખ્યું છે કે, ‘યવનગઢનું ભ્રષ્ટ સ્વરૂપ જૂનાગઢ છે.’ અરબી અને ફારસી શિલાલેખમાં પણ ‘યવનગઢ’નો ઉલ્લેખ જોવા મળે છે.

14.મુસ્તુફાબાદ:

ગુજરાતનાં મહમદ બેગડાએ જૂનાગઢ જીતીને તેનું નામ મુસ્તુફાબાદ રાખ્યું. જેનો ઉલ્લેખ શેખ જી.એ.ના ઉર્દૂ ગ્રંથ ‘મિરાંતે મુસ્તુફાબાદ’ તથા મહમદ બેગડાના સમયની ટંકશાળના મળી આવેલા સિક્કામાં જોવા મળે છે.

15.જુણ્ણ દુગ્ગ :

જીનભદ્ર સુરીના ગ્રંથમાં જુણ્ણકૂડ અને જુણ્ણ દુગ્ગ નામનો ઉલ્લેખ જોવામાં આવે છે. જે કદાચ જૂનાગઢના પ્રાકૃત નામ ગણી શકાય.

16.ખેંગારગઢ 17.ઉગ્રસેનગઢ

ચુડાસમા વંશના પ્રથમ/દ્વિતીય રાજા ખેંગારના નામ ઉપરથી શહેરનું નામ “ખેંગારગઢ” રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું નામ ઉગ્રસેનગઢ પણ રાખવામાં આવ્યું, જેનો ઉલ્લેખ વિજયસેન સુરિએ લખેલ ‘રેવતાંગિરિરાસ’માં જોવા મળે છે.

18.જૂનાગઢ:

આશરે 400-500 વર્ષથી આ નગરનું નામ જૂનાગઢ પ્રસિદ્ધ થયું. જેને લોકો હુલામણા નામ તરીકે જૂનાણું કે જૂનોગઢ પણ કહેતા. મૌલવી અબુઝફર નદવીના મતે મહમદ તઘલખે ગિરનારનો કિલ્લો જીતીને પોતાના નામ પરથી કિલ્લાનું નામ જૂનાગઢ રાખ્યું. કેમકે તે સુલતાનનું નામ મોહંમદ જૂના હતું.

આ નામના બીજા અર્થો એ પણ થાય કે ‘જૂનો’ અને ‘ગઢ’, એટલેકે પૌરાણિક કિલ્લો. જૂનાગઢ શબ્દનો પ્રથમ ઉપયોગ ‘તબકાતે અકબરી’માં થયો છે. ઇ.સ. 1879ના અંગ્રેજી દસ્તાવેજોમાં “Joonaghur” નામ જોવા મળે છે.

તો, આ રીતે જાજરમાન જૂનાગઢનું આશરે 18 વખત નામકરણ થયું તેવા ઉલ્લેખો મળી આવે છે..

#TeamAapduJunagadh

Also Read : દયાબેન નાં ઘરે આવ્યું આ એક નવું મહેમાન, તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો…. જુઓ તસવીરો