ગરવા ગિરનાર ની વિવિધ ટૂંકો વિશે શું તમે આ જાણો છો?

ગિરનાર

ગિરનાર : હિમાલયના પિતામહ ગણાતા ગરવા ગિરનારની વાત જ કઇંક અનોખી છે! આ ગિરનાર વિશે તમે ઘણીબધી માહિતી ધરાવતા હશો જ, ખરું ને! ગિરનારને કોઈ એક પર્વતમાં વ્યાખ્યાયિત ન કરતાં તે અલગ અલગ ટૂંકો અને ટેકરીઓથી બનેલો છે. આપણે અહીં વાત કરવાના છીએ ગિરનારની વિવિધ ટૂંક વિશે, તો ચાલો જાણીએ પ્રથમ ત્રણ ટૂંક વિશે…

અંબાજી મંદિર:

ગિરનારની તળેટીથી અંદાજે 5500 પગથિયાં ચડીને જગતજનની અંબાજી માતાના મંદિરે પહોંચી શકાય છે. આ અંબાજી મંદિર સમુદ્રની સપાટીથી 3300 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. અહિયાં આપણને માતાજીના મુખારવિંદના દર્શન થાય છે. પુરાતત્વવિદોના મતાનુસાર આ મંદિર ગુપ્તકાળ દરમિયાન બંધાયેલું હોવાની માન્યતા છે. ગિરનાર મહાત્મ્યમાં એવું પણ વર્ણન છે કે, ભગવાન વિષ્ણુના એક અવતાર એટલે ભગવાન વામનજીએ અહિયાં માં અંબાની સ્તુતિ કરી હતી. આ મંદિરનું બાંધકામ તળેટીમાં આવેલા દામોદરકુંડના બાંધકામથી મળતું આવતું હોય એવું જણાય! વિદ્વાનો માને છે કે આ મંદિરનો જીણોદ્ધાર પંદરમી સદીમાં થયો હતો. આ મંદિરને લોકો ગિરનારી માતાના મંદિર તરીકે પણ ઓળખે છે. ખાસ કરીને જૈનો, શૈવો અને વૈષ્ણવો અંબાજી માતા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

ગિરનાર

મંદિરની બહારની બાજુએથી ઉત્તર દિશામાં આપણને હસનાપુર ડેમ, ની મઢી, માળવેલાની ઘોડી તરફ જવાનો વિસ્તાર, દૂર ભાદર નદી પરનો બંધ અહીથી દ્રશ્યમાન થાય છે. મોટાભાગના યાત્રિકો અહિયાં ઊભી અંબાજીની પૂર્વ દિશામાં આવેલી ગોરખનાથ, દત્તાત્રેય અને કાળકા ટૂંકના દર્શન કરી પરત ફરી જતાં હોય છે.

ગોરખનાથ ટૂંક :

ગિરનાર

અંબાજીથી દક્ષિણ દિશામાં ચાલતા આગળ ગુરુ ગોરખનાથજીની ટૂંક આવે છે. તે ગિરનારની બધીજ ટૂંકોમાંની સૌથી ઊંચી ટૂંક છે. ગોરખનાથજી નાથ સંપ્રદાયના મુખ્ય પ્રચારક અને ગુરુ દત્તાત્રેયના પરમ ઉપાસક હતા. આ જગ્યાએ ગોરખનાથજીએ રાજા ભૃતૂહરી, રાજા ગોપીચંદ, નવનાથ અને ચોર્યાસી સિદ્ધોને ઉપદેશ આપ્યો હતો. જેથી આ જગ્યાને નાથ સંપ્રદાયની જગ્યા તરીકે પણ ઓળખાય છે. સમુદ્રની સપાટીથી આશરે 3600 ફૂંટ ઊંચે આવેલી આ જગ્યા પર ગુરુ ગોરખનાથજીની ચરણપાદુકા અને ધૂણો આવેલો છે. નાથ સંપ્રદાયના માર્ગે ચાલનારા નાથપંથીઓ માટે ગિરનાર ક્ષેત્ર તેમજ આ જગ્યાનું મહત્વ ખુબજ વધારે છે.

ગુરુ દત્તાત્રેય ટૂંક:

ગિરનાર

આમ જોતાં તો ગુરુ ગોરખનાથજીની ટૂંક સૌથી ઊંચી છે, પરંતુ દત્તાત્રેય ટૂંકનું સીધું ચઢાણ ખુબજ કપરું અને અઘરું છે. આ ચઢાણને કારનેજ ભાવિકો અંબાજી સુધી દર્શન કરીને પરત ફરતા હોય છે. આ ટૂંક ઉપર ગુરુદત્ત ભગવાનનું નાનું અને સુંદર દેવાલય છે. આ દેવાલયની રચના ષટ્કોણ આકારે થઈ છે. અહિયાં ગુરુદત્ત મહારાજના પગલાં અને એક મોટો ઘંટ બિરાજમાન છે. ગુરુદત્ત ભગવાનને નાથ સંપ્રદાયના આદિગુરુ માનવામાં આવે છે. શાસ્ત્રોના મત મુજબ ગુરુદત્ત મહારાજએ ભગવાન વિષ્ણુનુંજ એક સ્વરૂપ છે. અહી દર પૂનમે કેટલાય ભક્તો મનમાં શ્રદ્ધા લઈને દર્શને આવે છે.

આ માહિતી જાણીને તમને કેવું લાગ્યું? તે અંગેના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં આપવાનું ભુલાઈ નહીં! અને હા! આવનારા સમયમાં ગિરનાર વિશેની વધુ માહિતી જાણવા માટે તમે આતુર તો છો ને! તો જોડાયેલા રહો Aapdu Junagadh સાથે…

જય ગિરનારી

Author – #TeamAapduJunagadh

Also Read : નરેન્દ્ર મોદી ની આવનારી બાયોપિકમાં મનમોહનસિંહના મૌન પર કરવામાં આવી ટિપ્પણી! જુઓ ટ્રેલર અને વિગતો…