Junagadh Rains : કેરીની મજા પણ ગરમીની સજા થી ત્રાસી “બરસો રે મેઘા…મેઘા..” કે “આવ રે વરસાદ” સાથે વરસાદની રાહ જોતા હોઈએ અને ત્યારે મોંઘેરા મહેમાનની જેમ એ અમીછાંટાણા ધરતીને રસ તરબોળ કરે અને સમગ્ર વાતાવરણમાં ભીની માટીની આહલાદક સુગંધ ફેલાઈ ગઈ હોય ત્યારે એ વરસાદનો આનંદ લેવા “મન મોર બની થનગાટ કરે” ખરૂં ને…
આપના માટે જૂનાગઢનાં એવા ખાસ સ્થળોની ઝલક કે જ્યાંનો અનુભવ વર્ષા ઋતુને પણ બનાવે છે વધુ યાદગાર. તો ચાલો શરુ કરીએ આપણી સફર…..
(૧) તળેટી :
આપણું પહેલું સ્ટેશન એટલે બાળકો, યુવાનો કે વૃદ્ધો દરેકની મનગમતી તળેટી. આમ તો દરેક રજાનો દિવસ એટલે તળેટીએ ઉત્સવ જેવુંજ વાતાવરણ હોય પણ તેમાં ઝરમર વરસાદ અને આસપાસના પર્વતોની હરિયાળી ભળે એટલે એ દ્રશ્ય વિશે લખવા માટે તો શબ્દ પણ ઓછા પડે. આવા ઠંડક ભર્યા વરસાદી વાતાવરણમાં ગરમાગરમ કાવો એટલે તો મોજે મોજ.
(૨) ઉપરકોટ :
આપણું બીજું સ્ટેશન એટલે જૂનાગઢના ભવ્ય વારસાની ઝાંખી કરાવતો ઉપરકોટ. રાજાશાહી સમયનાં અદભુત સ્થાપત્યની ઝલક દર્શાવતી આ અડીખમ રચના પર જ્યારે કુદરતી વર્ષાનો અભિષેક થાય છે ત્યારે તેની ચમક પણ કંઈક અલગ જ હોય છે. આ નઝરાને આંખોમાં કેદ કરવાની સાથે ચટપટી મકાઈ કે ડોડાનો આનંદ લેવાનું ચુકતા નહિ.
(3) નરસિંહ તળાવ :
તળાવની પાળીએ બેસીને મનને રી ફ્રેશ કરી ભાવતી વાનગીનો લાહવો લેવો હોઈ તો મુલાકાત લેવી જ પડે શહેરના મધ્યમાં આવેલા નરસિંહ તળાવની અને તેમાં પણ વર્ષાઋતુમાં સાંજની રોશનીમાં ઝળહળતા પાણીનું દ્રશ્ય આહલાદક હોય છે.
(૪) વિલિંગડન ડેમ :
જૂનાગઢના ડેમ માં “ચાદર” પડે એટલે કે ડેમ ઓવરફ્લો થાય ત્યારે જન મેદનીની વચ્ચે એક તરફ ખડકો પર ફોટોગ્રાફી તો બીજી તરફ વાદળો સાથે વાતો કરતાં હરિયાળા પર્વતોમાંથી વહેતાં ઝરણાંમાં પગ બોળવાની મજા જ અનેરી છે.
(૫) પરી તળાવ :
પરીઓની વાતો સાથે સંકળાયેલ પરીતળાવ અલગજ સૌંદર્ય ધરાવે છે. હરિયાળી, વરસાદના ટીપાં સાથે અવાર નવાર જોવા મળતાં મોર અને અન્ય પક્ષીઓનો કલરવ વાતાવરણને મનમોહક બનાવી દે છે.
(૬) જટાશંકર મંદિર :
ટૂંકા રસ્તાઓ, થોડાં પગથિયાં, નાના તાળાવો, ખાસ ચોમાસામાં મન મૂકીને વહેતા ઝરણા તથા વાંદરાના ટોળાં જેવી ખાસિયત ધરાવતા આ સ્થળની સાતમ-આઠમ નાં તહેવારના સમય દરમ્યાનતો ખાસ મુલાકાત લેવાય છે.
આ ઉપરાંત કેટલાક સ્થળો જેની તમે ચોમાસા દરમ્યાન મુલાકાત લેવાનો લાહવો અચૂક લેજો…
- સરખાડિયા હનુમાન મંદિર
- કાશમિરિબાપુનો આશ્રમ
- આત્મેશ્વર મંદિર
- ઇંદ્રેશ્વર મંદિર
- બોરદેવી.
જૂનાગઢ શહેર, તેની બજાર, વરસતો વરસાદ અને રસ્તાએ કોઈપણ ફરવાના ચાહક માટે અનેરો અવસર છે. અને સાથે રાજુભાઇના ઢોસાતો ખરા જ….
તો આપ ક્યાં સ્થળની મુલાકાત લેશો, આપના ” તેરે જેસા યાર કહાં…” જેવાં મિત્રો કે “તું હે તો દુનિયા ખુબસુરત હૈ…” જેવાં કઝીન્સ, પરિવારજનો કે કોઈ ખાસ સાથે??
આપના ધ્યાનમા પણ હોય એવું કોઈ ખાસ સ્થળ તો જણાવો અમને કોમેન્ટ બોક્સમાં….