જૂનાગઢ ની નવી સિદ્ધિ; “ખાડાસિદ્ધિ”

જૂનાગઢ એટલે ગુજરાતની પ્રથમ રાજધાની, ગુજરાતનું પ્રથમ બાંધકામ જૂનાગઢમાં, પ્રથમ આરક્ષિત વિસ્તાર જૂનાગઢમાં, ડાલમથા સિંહો પણ જૂનાગઢમાં, પણ આ બધી સિદ્ધિઓમાં જૂનાગઢની એક મહાનતમ સિદ્ધિને આપણે ભૂલી ગયા છીએ, એ છે જૂનાગઢની “ખાડાસિદ્ધિ”!

રસ્તા પર વાહન લઇને નીકળીએ એટલે ‘આહા રોલર કોસ્ટર જેવું ફીલ થાય!’ આ અનુભવ તો દરેક વ્યક્તિએ લીધા જેવો છે અને સાથે એક્યુપ્રેશર પણ થઈ જાય, યોગની તો જરૂર જ નહી’ને! રોગપ્રતિકારક શક્તિ પણ વધે, કોરોના કાળમાં પ્રજાનો આટલો વિચાર જૂનાગઢ પ્રશાસન સિવાય કોણ કરી શકે? હું તો દૂરદૂરથી લોકોને આ અદ્દભૂત અનુભવ પ્રાપ્ત કરવા માટે આમંત્રિત કરું છું, અરે! આવા ખતરનાક રસ્તા બધાના નસીબમાં થોડા હોય!

જૂનાગઢ

હકીકતે આમાં પ્રશાસનનો વાંક નથી, તેમનો હેતુ તો શુભ જ છે એવું હું જોઈ શકું છું. એ લાંબાગાળાનું વિચારે છે! રખે મંગળ કે ચંદ્ર પર જવાનું થાય તો, જૂનાગઢવાળા સીધા એડજેસ્ટ થઈ જાય’ને! ઉપરથી હચમચીયા ડ્રાઇવિંગની પ્રેક્ટિસ વધારાની…વાહ!

અને આ ખાડાઓ વાળા રસ્તાના બીજા પણ ઘણા હેતુઓ છે, જેમકે રોજગારી! બધાજ રસ્તા સારા હોય તો, ગેરેજવાળા બિચારા બેરોજગાર ના થઈ જાય? આતો રસ્તા પર બાઈક જતી હોયને ખાડો આવે એટલે એક ગેરેજવાળાની રોજગારી પાક્કી! એનો પણ પ્રશાસન વિચાર કરે છે! માનવું પડે હો આપણી જૂનાગઢ મહાનગરપાલિકાને, ખતરનાક સમાજસેવા કરે છે.

જૂનાગઢ

આ તો હોલીવુડની ફિલ્મોવાળાને જૂનાગઢ વિશે જાણ નથી, બાકી એ લોકો સ્ટંટ પાછળ થોડા ખર્ચા કરે! વાડલા થી ટીંબાવાડી પહોંચો એટલે બધા સ્ટંટ આવી જાય અને બેસ્ટ લોકેશનનો ઓસ્કાર આપણા જૂનાગઢને! પણ કોઈને કહેતા નહીં આ લાભ માત્ર આપણા માટે છે, અમેરિકાવાળા લાભ લઈ જાય એ થોડું જામે!

જૂનાગઢ

હા, ઘણીવાર ભૂલ થાય, આપણે અહીંયા રસ્તા બનાવી લીધા પછી યાદ આવે! લ્યો પાઇપલાઇન નાખવાની તો રૈ ગઈ, પાછું ખોદો! પણ કઈ વાંધો નહીં, આના લીધેજ તો આપણને આ ખાડાઓનો આહ્લાદક આનંદ લેવાનો મોકો મળે છે.

અને આથી જ તો આપણા જૂનાગઢને એક ગૌરવવંતુ નામ પણ મળી ગયું છે, ગૌરવગઢ “ખાડાગઢ”

Also Read : Narsinh Mehta no choro

Author: Nitesh Mer #TeamAapduJunagadh