કેસર કેરીના રસિયાઓ થઈ જાવ તૈયાર, જૂનાગઢ માર્કેટમાં આવી રહી છે ફળોની મહારાણી!!

કેસર કેરીનાં રસિકો થઈ જાવ તૈયાર, કેમકે કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. કેસર કેરી ફળોની રાણી કહેવાય છે. બજારમાં કેસર કેરીની આવક તથા રસિકો માટે આ ખુશ ખબર જેવા સમાચાર છે. આપણાં જૂનાગઢમાં કેસર કેરીનું આગમન થઇ ગયું હોય તેમ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કેરીના 2122 બોક્સ આવ્યા હતા. જેની હરરાજી થતા વેપારીઓએ 20 કિલો કેરી 1000 થી 2000ના  ભાવે ખરીદી હતી, પરંતુ તાલાલાની પ્રખ્યાત કેસર કેરીની આવક આગામી 5મી મેથી શરૂ થશે.

ઉનાળાનું અમૃતફળ ગણાતી કેસર કેરીની સિઝન ધીમે ધીમે જામી રહી છે, ત્યારે એક મહિના પહેલા જૂનાગઢ યાર્ડમાં 100 જેટલા બોકસની આવક થઈ હતી, ત્યારબાદ આવક ધીમે ધીમે વધી રહી છે. હાલ આકરી ગરમી પડતી હોવાથી કેરીને પાકવા માટે અનુકુળ સિઝન છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કેરીના 10 કિલોના બોક્સના 500થી 1000 રૂપીયા  લેખે હરાજી થઈ હતી. જ્યારે 20 કિલોના બોક્સની હરરાજી 1000 થી 2000 રૂપિયા લેખે કરવામાં આવી હતી.

તાલાલાની પ્રખ્યાત કેસર કેરીની આવકનો વિધિવત પ્રારંભ આમ તો, 5મી મે થી થશે, ત્યારે આ હરરાજીમાં મોડી આવનાર કેરીના ભાવ પણ આસમાને જોવા મળશે. ગતવર્ષની સરખામણીએ આ વખતે કેરીનો પાક ઓછો હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગતવર્ષની સરખામણીએ કેરીનો ભાવ વધુ ચૂકવવો પડે તેમ છે. ગયા વર્ષે ખેડૂતોને દરેક બોક્સ પર 300 રૂપિયા જેટલો નફો મળ્યો હતો, પરંતુ આ વખતે ઠંડી સિઝનના કારણે પાક ઓછો થયો છે.

હાલ આકરી ગરમી પડી રહી છે. આ ગરમીની સિઝન કેરી પાકવા માટે અનુકુળ હોવાનું માનવામાં આવે છે, ત્યારે આગામી દિવસોમાં કેરીના બોકસની વધુ આવક થશે તેવું અનુમાન પણ સેવાઇ રહ્યું છે, આવક વધવાથી ભાવ પણ ઘટે એવી શક્યતાઓ છે. હાલ બજારમાં પાકેલી કેરી કિલોના 90થી 100 રૂપીયા લેખે વેંચાઈ રહી છે, ત્યારે આગામી સમયમાં તેમાં પણ ભાવનો ઘટાડો થઈ શકે છે.

ફળોમાં રાણી ગણાતી આ કેરીની મોસમ હવે શરૂ થવા ઉપર છે, જો કે આંબાના વૃક્ષો પર બેઠેલા મહોર(ફૂલ)ના આધારે ગીરની પ્રખ્યાત જીઆઇ માર્કાની કેસર કેરી અંગે અંદાજ છે કે, ચાલુ વર્ષે કેરીની સીઝન પ્રમાણમાં લાંબી ચાલશે. કેટલાંક વિસ્તારમાં 20 થી 50 ટકાની ઘટ જોવા મળી છે, છતાં કેસર કેરીના ઉત્પાદકોને ગયા વર્ષ જેટલા ભાવ જળવાય રહેવાની ધારણા સેવાઈ રહી છે.

ગીર વિસ્તારમાં આંબાના બાગ ધરાવતા ખેડૂતોના કહેવા પ્રમાણે, ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 80 ટકા જેટલું જ ઉત્પાદન થવાનો અંદાજ છે. આંબે મહોર બેસવાની પ્રક્રિયા મોડે સુધી ચાલી હોવાથી એવો અંદાજ છે કે ચાલુ વર્ષે કેરીની સીઝન જૂન સુધી લંબાશે. આ વર્ષે ઝાકળ ઓછી પડી હોવાથી કેટલાક આંબામાં મહોર મોડે સુધી બેઠા જ ન હતા, છતાં આવકમાં ઘટનો અંદાજ નથી. કદાચ એટલે જ ભાવ પણ ગયા વર્ષ જેટલા 700-800 જળવાઈ રહેશે. ગયા વર્ષની સીઝનમાં ગીરની કેસર કેરીનો ભાવ નીચામાં નીચો 400-500 સુધી ગયો હતો.

એક બાજુ શાકભાજીના ભાવ ઊંચા છે તો બીજી બાજુ ઉનાળુ ફ્રૂટના ભાવ ઘટી રહ્યા છે. બજારમાં 15 રૂપિયે કિલો તરબૂચ, ટેટી 30 રૂપિયે કિલો બજારમાં વેચાય છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com