કોણ કહે છે ગામડામાં રહીને કરોડપતિ નથી થવાતું! જૂનાગઢ જિલ્લાનો આ પરિવાર આવું કામ કરીને બન્યો કરોડપતિ પરિવાર!

આપણે સૌ જાણીએ છીએ કે, આજના સમયમાં લોકોનો શહેર પ્રત્યેનો મોહ વધી રહ્યો છે. લોકો ગામડું છોડીને શહેરમાં સ્થાયી થઈ રહ્યા છે. ગામડામાં રહીએ તો પ્રગતિ ન થાય આવી વિચારસરણી ઘણાં લોકો ધરાવતા હોય છે, ત્યારે આપણાં જૂનાગઢ જિલ્લાનો એક પરિવાર કે જે કરોડપતિ હોવા છતાં શહેરમાં વસવાને બદલે ગામડામાં રહીને એકદમ સાદું અને સરળ જીવન જીવે છે.

જૂનાગઢ જિલ્લાનાં પરસોત્તમભાઈ સિદપરા, પત્ની સુશિલાબેન, પોતાના બંને પુત્રો અને તેમના પરિવાર સાથે જામકા ગામમાં રહે છે. ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓ કરી લાખો રૂપિયાનો બિઝનેસ કરે છે. પરસોત્તમભાઇના બંને પુત્રોએ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોઈ કંપનીમાં જોડવાને બદલે પિતાની સાથે જ ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય કર્યો.

પરસોત્તમભાઈ પાસે 105 ગીર ગાય છે. પોતાની પાસે રહેલી 12 એકર જમીન અને ભાડા પેટે રાખેલી બીજી 12 એકર જમીનમાં તેઓ માઇક્રો પ્લાનિક દ્વારા ખેતી કરે છે. 105 ગાયો દ્વારા તેઓ લગભગ 250 લિટરથી વધારે દૂધ મેળવે છે. જેમાંથી માખણ, ઘી, પેંડા, માવો જેવી પ્રોડક્ટ બનાવે છે. તેમના જણાવ્યા અનુસાર આ બધી પ્રોડક્ટની માંગ વિદેશમાં પણ છે. તેઓ અનાજ અને અન્ય અનાજની દાળ બનાવી તેના પેકેટ્સ બનાવી વેચાણ કરે છે.

આજે દરેક યુવતી લગ્ન પછી શહેરમાં જ રહેવાની ઇચ્છા ધરાવે છે, ત્યારે પરસોત્તમભાઈની ભણેલી ગણેલી પુત્રવધુઓ પણ ગામડામાં જ રહીને પશુપાલનમાં મદદ કરે છે. પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રધ્ધાએ બીબીએનો અભ્યાસ કર્યો છે, જ્યારે નાના પુત્ર કિશનની પત્નીએ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. વંદના અને શ્રધ્ધા સાથે રહીને ગામડામાં ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓમાં પોતાના પતિને હોંશભેર મદદ કરે છે.

આજના દેખાદેખીના યુગમાં લોકો જ્યારે લગ્ન પ્રસંગે લાખો રૂપિયાનો ખર્ચો કરતાં હોય છે, ત્યારે પરસોત્તમભાઈ એ પોતાના બંને પુત્રોના લગ્ન પણ અલગ રીતે જ કર્યા હતા. આ લગ્ન દ્વારા તેમણે વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. વ્યસન ધરાવતા લોકોને આ લગ્નમાં આવવા માટે મનાઈ કરવામાં આવી હતી.

આ લગ્નમાં ઓર્ગેનિક વસ્તુઓથી બનેલું ભોજન બનાવવામાં આવ્યું હતું. પોતાના જ ખેતરમાં ઉગાડેલા ઓર્ગેનિક શાકભાજી, ગીર ગાયના દૂધ, છાસ, ઘી, લાડુ, શાક, કઢી, ખિચડી, જાદરિયું, જુવાર, બાજરી અને મકાઈનાં રોટલા.આ હતું આ ખાસ લગ્ન પ્રસંગનું ખાસ મેનૂ! આ ઉપરાંત સોડા કે શરબત ના બદલે શેરડીનો રસ, ગાયની છાસ, તરબૂચ અને ટેટી જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમની પુત્રવધૂઑ પણ આ લગ્નને ખાસ અને સાદાઈ ભર્યા બનાવવામાં એમનો સાથ આપવા માંગતી હોવાથી તેમણે પણ બ્યુટીપાર્લરમાં તૈયાર થવાના બદલે પરંપરાગત શણગારને મહત્વ આપ્યું હતું. આ સ્વાવલંબી અને ઓછા ખર્ચાળ લગ્નને કારણે અન્ય લોકો પણ પ્રોત્સાહિત થયા હતા.

ભલે પરસોત્તમ ભાઈએ માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ આજે મોટી મોટી સંસ્થાઓ પણ તેમને લેક્ચર લેવા માટે આમંત્રણ પાઠવે છે. તેઓ ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરે છે. પરસોત્તમભાઈ કહે છે કે, આજના યુવાનો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઇવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી, પરંતુ જો યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વ્રારા પણ સારી કમાણી કરી શકાય છે.

 

Author: Urvashi Deshani #TeamAapduJunagadh