Career After 10th : ધોરણ 10 પછી ગાડરિયા પ્રવાહમાં તણાતાં પહેલા આ બાબતોનું ધ્યાન રાખીએ….

Career After 10th

Career After 10th : ધોરણ 10ના જુના કોર્ષનું છેલ્લું વર્ષ છે, કોઈ કંદોઈની ભાષામાં કહીએ તો આ છેલ્લો ઘાણવો. બોર્ડ પરીક્ષાના પરિક્ષકો તેમજ મોડરેટરોના હૃદયમાં વધુ પડતી ઉદારતા હોય તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં આપણે ત્યાં કોઈને પૂછવામાં આવે કે, ધોરણ 10 પછી શું કરશો? તો હજુ પણ એવા જવાબ મળે કે, ટકા આવે પછી ખબર પડે! આ સંજોગોમાં કેટલાક વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ જાણે મજૂરી કરીને થાકી ગયા હોય તેવા મૂળમાં હોય છે, તો આ બાજુ કેટલાક ઉત્સાહી વાલીઓ પાના ભરેલી જાહેરાતમાં મોહિત થઈને બાળકના મનને સમજ્યા વગર હડી કાઢીને એડમિશન લઈ બાળકને ફરી ચકરાવે ચડાવે છે. આવા સંજોગોમાં ધોરણ 10 પછીના આગળના અભ્યાસના નિર્ણયને ગાડરિયો પ્રવાહ ન બનાવતા સમજણપૂર્વક નિર્ધાર કરવો જરૂરી બને.

Career After 10th

કારકિર્દી વિષયક ઘણું સાહિત્ય ઓનલાઇન વેબસાઇટ તેમજ માર્ગદર્શન સેવાઓ પર ઉપલબ્ધ છે. તેનો પૂરેપૂરો લાભ લેવો તથા વાલીઓએ બધા ક્ષેત્રો વિશે બાળકને સમજાવવું અને બાળકની રુચિ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજીબાજુ વિદ્યાર્થીઓએ મિત્રોની ખોટી દોરવણીમાં કે કોઈના વાદમાં વિખેરાતા પહેલા પોતાની જાતને તથા યોગ્ય અનુભવીઓને પૂછીને નિર્ણય લેવો. કોઈના દબાણમાં આવીને ક્યારેય કારકિર્દીલક્ષી નિર્ણયો લેવા નહીં.

Career After 10th

સમગ્ર મુલ્યાંકન વાલી કે શિક્ષકે વિદ્યાર્થીમાં રહેલા રસ-રુચિ અને ક્ષમતા પર ખાસ ધ્યાન આપવું. બાળક પર બોઝરૂપ ન બનવું, પરંતુ હા! બાળકમાં રહેલો રસ એ ક્યાંક મોહ તો નથીને, તે પણ જોવું.

વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થવા જે ઝડપે ઘોડાપુર ઉમટયા હતા તે હવે ઓસરી ગયા છે. JEE અને NEET જેવી પરીક્ષાઓમાં યોગ્ય કોચિંગના અભાવ અને વિદ્યાર્થીઓની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ટકી શકતા નથી. હોશિયાર મહેનતુ વિદ્યાર્થી ક્રાંતિકારી નિર્ણય લઈને અન્ય દિશા પકડે તો બહેતર કારકિર્દી બની શકે.

બહાર અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓના માતપિતાએ વિદ્યાર્થીઓને એટલી પણ છૂટછાટ ન આપવી કે તેઓ હાથમાંથી સરી જાય! બાળક ખોટા માર્ગે નથી જતું ને, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તથા સરપ્રાઇઝ વિઝિટ પણ કરવી જોઈએ. બીજીબાજુ વિદ્યાર્થીઓએ પણ વાલીઓની પરિસ્થિતિઓને ધ્યાને લઈને અભ્યાસમાં જ ધ્યાન આપવું જોઈએ, ન કે બહારની વિચલિત દુનિયામાં!

Career After 10th

વિદ્યાર્થીઓએ જીદ કરીને સમજ્યા વગર મનમાની કરવી, તેમજ શુભચિંતકો, માર્ગદર્શક કે મા-બાપની વાત કે લાગણી ન સમજવી તે પણ યોગ્ય નથી. આ ઉપરાંત નકારાત્મક વિચારો તથા અધૂરી માહિતી ધરાવતા માણસોથી દૂર રહેવું. આ તમામ મુદ્દાઓ ધ્યાને લઈને કારકિર્દીને લાંબાગાળાનું આયોજન કરવું, તેમજ પરિવારના સંજોગો જરૂરિયાતને પણ ધ્યાને રાખવા.

પ્રવેશ પરીક્ષામાં સ્મરણશક્તિથી વિશેષ સમજણશક્તિ મેદાન મારી જાય છે, માત્ર અંતિમ ધોરણ જ નહીં પરંતુ આગળના તમામ ધોરણનું જ્ઞાન તરોતાજા હોવું અતિ જરૂરી છે. આવતા વર્ષોમાં યુવાધનને લાખો નોકરીઓ મળવાની છે. તલાટી મંત્રી થી માંડીને કલેકટર સુધીની પરીક્ષાઓની અત્યારથી જ તૈયારી કરવાનો સુવર્ણ સમય આરંભાઇ ગયો છે. આ માટેના વિષયો, જનરલ નોલેજ તેમજ પેપર પ્રેક્ટિસ અત્યારથી જ પ્રારંભ કરી દેવી, જેથી સ્પર્ધાત્મક ભવિષ્યમાં સરળતાથી ટકી શકાય. જો વાલીઓને સારો જમાવેલો વારસાગત ધંધો હોય તો, વાલીઓએ ધંધાને અનુરૂપ કોર્સનો પ્લાનિંગ કરીને તેમાં નવીન પરિણામો કેમ ઉમેરી શકાય તે રીતે દીર્ઘદ્રષ્ટિથી વિચાર આયોજન કરવું જોઈએ.

ધોરણ 10 બાદ આઇટીઆઇનો બે વર્ષનો વ્યવસાય કોર્સ કરવાની લાયકાત 12 સમકક્ષ ગણાય છે. આવા વિદ્યાર્થીઓ જો ઇચ્છે તો તેને કોલેજમાં સીધો પ્રવેશ મળી શકે છે. આથી આ બેવડા લાભનો વિકલ્પ સુરક્ષિત કારકિર્દી માટે ખાસ લક્ષમાં લેવો. આ ઉપરાંત સંરક્ષણ દળોમાં રાજસ્થાન, પંજાબ જેવા રાજ્યોના આખા ગામડાંના યુવાનો ભરતી હોય છે. ગુજરાતી યુવાનોને આ દિશામાં વિચારવાનો અને ઝનૂનથી તૈયાર કરવાનો સમય આવી ગયો છે. તાજેતરમાં વિકસિત થયેલા રોજગારીના નવા ક્ષેત્રો જેવા કે સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટ, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ, ઈ-કોમર્સને ધ્યાને લઈને પણ ખૂબજ સુંદર કારકિર્દી ઘડી શકાય છે.

તો ગાડરિયા પ્રવાહમાં તણાયા વગર કે કોઇની પણ દેખાદેખી કર્યા વગર આવતા વર્ષનો વિચાર કરીએ અને મુક્ત મને કારકિર્દીલક્ષી નિર્ણયો કરીએ…

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com