તુષાર સુમેરા : જૂનાગઢનાં નવા કમિશ્નરશ્રી આઇએએસ

તુષાર સુમેરા ઓછા ટકા લાવનારા અને ‘મારાથી તો આ ના જ થાય‘ એવું બોલનારા વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ આદર્શ ઉદાહરણ છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ગૌરીબેન ચાવડા અને જમીન વિકાસ નિગમમાં ફિલ્ડ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં દલપતભાઈ સુમેરાના ત્રણ પુત્રોમાંના મોટા પુત્રએટલે તુષાર સુમેરા.

તુષાર સુમેરા

સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મેલા તુષાર સુમેરાએ પ્રાથમિક શિક્ષણ જસદણમાં લીધું. દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરીને ઓછા ટકા આવવાના કારણે તેમણે આર્ટ્સમાં એડમિશન લીધું. ત્યારબાદ મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એ. કર્યું, પછી આગળ ભણતા એમ.એ. અને બી.એડનો પણ અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “મારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગણિતમાં 35, વિજ્ઞાનમાં 35 અને અંગ્રેજીમાં 35 માર્ક હતા. મારી માર્કશીટ જોઈને તો કોચિંગ ક્લાસવાળાએ તો કીધું કે,”તારા જેવા વિદ્યાર્થી પાસ ન થાય.”

તેઓએ બી.એ.ના પ્રવેશફોર્મમાં તેમના નામનો પહેલો અક્ષર ‘T’ સ્મોલ અને છેલ્લો અક્ષર ‘R’ કૅપિટલમાં લખ્યો હતો. તેમણે કહ્યું કે,“હું આટલો ઠોઠ હોવા છતાં મેં નક્કી કર્યું કે, મારે મુખ્યવિષય અંગ્રેજી સાથે બી.એ કરવું છે. મને વિચાર આવતો કે, બીજા બધા લોકો ફટાફટ અંગ્રેજી બોલી શકે તો, હું કેમ નહી? આવા વિચાર સાથે ખુબ મહેનત શરૂ કરી અને મુખ્યવિષય અંગ્રેજી સાથે બી.એ. કર્યા બાદ એમ.એ અને તેઓએ જૂનાગઢમાં રહીને બી.એડ પણ કર્યું.

તેમણે ભણતર પૂર્ણ કરીને મહિને 2500 રૂપિયાના ફિક્સ પગાર સાથે ચોટીલાની નાનકડી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી. નોકરી દરમિયાન, એક દિવસ શાળામાં મુલાકાત માટે કલેક્ટર આવ્યા અને કલેક્ટરને જોઈને એમના મનમાં વિચાર આવ્યો કે થવું હોય તો કલેક્ટર થવાય! પછી તેમણે કોઈકને પૂછ્યું કે, કલેક્ટર થવું હોયતો? કોઈકે કીધું કે, યુ.પી.એસ.સી.ની(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)પરીક્ષા આપવી પડે. એ પછી બધી માહિતી લઈને શિક્ષકમાંથી કપાત પગાર લઈને યુ.પી.એસ.સીની તૈયારીઓ ચાલુ કરી. તેમની 2007માં સ્પીપામાં પસંદગી થઇ અને નોકરી છોડી દીધી અને તનતોડ મહેનત ચાલુ કરી. તે ચાર વખત નિષ્ફળ(નાપાસ) થયા બાદ પાંચમા પ્રયત્ને સફળ થયા.

કોઈ વ્યક્તિ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરે એટલે ઘરની સાથોસાથ આખા ગામમાં અને આખા રાજ્યમાં સુખનું મોજું પ્રસરી જાય. યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનારા બહુજ ઓછા વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ પ્રયત્ન કરનારા આ લોઢાના ચણા ચાવવા સમાન આ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે. વર્ષ 2016માં અંદાજે 11.36 લાખ વિદ્યાર્થીઓએ યુ.પી.એસ.સી. માટે નોંધણી કરાવી હતી, તેમાંથી અંદાજે 5 લાખ વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષા આપી હતી. તેમાંથી અંદાજે 12 હજાર વિદ્યાર્થીઓ મહત્વની પરીક્ષા માટે પસંદ થયા હતા. તેમાંથી 3800 વિદ્યાર્થીઓ જનરલ સ્ટડી પેપર-1 માટે અને 3700 વિદ્યાર્થીઓ જનરલ સ્ટડી પેપર-2 માટે પસંદ થયા હતા. તેમાંથી અંદાજે 2 હજાર વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હતા. જેમાંથી મેડિકલ ટેસ્ટમાં પાસ થઈને છેલ્લે 1099 વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. આ આંકડાઓ જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે, યુ.પી.એસ.સી. એટલે લોઢાના ચણા ચાવવા!

તેઓએ કહ્યું હતું કે, પરીક્ષામાં સફળતા મેળવવી અઘરી છે, પણ અશક્ય નથી. સતત પાંચ વર્ષ સુધી ખુબ મહેનત કરી એટલે જ હું આઈ.એ.એસ. બની શક્યો! તેમણે પોતાની મહેનત અંગે જણાવતા કહ્યું કે, “હું સ્પીપામાં જોડાયો, ત્યારે રોજના 14 થી 15 કલાક વાંચતો. ત્યારબાદ 10 કલાકની સરેરાશથી 4 વર્ષ સુધી તનતોડ મહેનત કરી. અંતે, 2012 માં તુષાર સુમેરાએ યુ.પી.એસ.સી ક્રેક કરી અને એ પણ આઈ.એ.એસ(ઇન્ડિયન આસિસ્ટન્ટ સર્વિસ) કેડર સાથે અને તેમની નિમણુક પણ થઇ ગુજરાત રાજ્યમાં જ થઈ! તેઓએ વર્ષ 2015-16માં નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી, છેલ્લે તેઓએ ભાવનગર ખાતે રીઝીયોનલ કમિશ્નર તરીકે ફરજ બજાવી હતી.

તુષાર સુમેરાની ખુરશીની બરાબર પાછળ ભારતનું ‘રાજચિન્હ‘ અને ‘સત્યમેવ જયતે‘ લખેલું છે. આવું તો દરેક સરકારી ઓફિસમાં જોવા મળે, પરંતુ તેઓ બેસે છે એની બરાબર સામેની દીવાલ પર મોટા અક્ષરે લખેલું રહે છે કે: ‘Government work is God’s work’ અર્થાત ‘સરકારનું કામ એ ભગવાનનું કામ છે. આવું લખાણ લખવા પાછળ તેઓનું કેહવું છે કે, સામે લખેલું લખાણ વાંચીને મને હંમેશા એવો વિચાર આવે કે કોઈપણ કામ કરીએ એ ઈશ્વરનું કામ માનીને પુરી પ્રામાણિકતાથી કરીએ.

પોતાનું જીવન લોકોની સેવા માટે સમર્પિત કરનાર આ આઈ.એ.એસ. ઓફિસર અને જૂનાગઢનાં નવા કમિશ્નરને સો સો સલામ!

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : ગિરનાર ના કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આરોગ્ય વર્ધક કેન્દ્ર એટલે યોગાશ્રમ