ભભૂત તણાં એ રંગમાં રંગાવ હું ભવનાથમાં!
તો કાળના કાળ એ મહાકાળને નમું હું ભૂતનાથમાં!
આજે મહાશિવરાત્રી! હિન્દુ ધર્મના દેવાધિ પતિ દેવ એટલે મહાદેવ શિવ શંકરને ભજવાની અને શિવમય બનવાની રાત્રિ. આમ તો હિન્દુ ધર્મમાં દર મહિને એક શિવરાત્રિ આવે જ છે, પણ મહા વદ તેરસની રાત્રિ એટલે મહાશિવરાત્રી. હિન્દુ ધર્મમાં સામન્ય રીતે શ્રાવણ મહિનામાં શિવ પૂજાનું અનેરું મહત્વ છે અને એના પછી મહાશિવરાત્રી. આપણાં જૂનાગઢમાં પરિક્રમા અને મહાશિવરાત્રીમાં ભવનાથમાં ભરાતા મેળામાં ભારત તેમજ વિશ્વભરમાંથી પણ શિવભક્તો ઉમટી પડતાં હોય છે.
પણ આપણાં જૂનાગઢીઓ માટે તો દરેક માસ શ્રાવણ અને દરેક રાત્રિ શિવરાત્રિ હોય છે એમ કહેવું યોગ્ય રહેશે. જૂનાગઢમાં રહેતો દરેક શિવભક્ત મારી આ વાતનું સમર્થન કરશે. આપણી રોજબરોજની જિંદગીમાં અને ભાષા વ્યવહારમાં પણ “મહાદેવ” શબ્દ યોગ્ય રીતે બેસી ગયો છે. આપણે જ્યારે કોઈપણ સગા-સબંધી, મિત્રોને મળીએ ત્યારે કે પછી ફોન પર પણ વાતની શરૂઆત “મહાદેવ” ના નામ સાથે કરતાં હોઈએ છીએ.
આપણે શિવમય બનવા માટે કોઈ ચોક્કસ દિવસ, રાત્રિ કે તિથીની રાહ જોવી નથી પડતી, આપણે હંમેશા શિવમય જ હોઈએ છિએ. ઉપર જેમ કીધું એમ ભવનાથ જ્યારે જાઈએ ત્યારે આપણે ભભૂત તણાં રંગમાં અચૂક રંગાઈ જ જતાં હોઈએ છીએ. આપણી તો ઓળખ પણ ભોળાનાથ બની ગયા હોય એવું મેં અનુભવ્યું છે, જેમકે તમે જૂનાગઢ ની બહાર રહેતા હોવ કે બહાર હો અને કોઈક પૂછે તમારું ગામ કયું? જવાબમાં તમે જૂનાગઢ ક્યો એટલે સામેથી “વાહ જય ગિરનારી કે મહાદેવ” અચૂક સાંભળવા મળશે’ને આવું સાંભળવા મળતા તમે પણ હૃદયની અંદર ગર્વ નીલાગણી પણ ચોક્કસ અનુભવતા હશો.
મહાશિવરાત્રીના મેળામાં પણ શહેરમાં બહારથી આવતા શિવભક્તોને લીધે ખૂબજ ભીડ અને ટ્રાફિક જામ સામાન્ય રીતે સર્જાતો જ હોય છે, છતાં પણ એક જૂનાગઢના નાગરીક તરીકે અને શિવભક્ત તરીકે આપણે એ લોકોની શ્રધ્ધા સમજતા હોઈએ છીએ અને મેળાના દિવસો દરમિયાન આપણે ધીરજ રાખતા હોઈએ છીએ. જૂનાગઢની પોલિસ, મહાનગરપાલિકા, અમુક સંસ્થાઓના સ્વયંસેવકો મેળાના સમગ્ર અને સફળ આયોજન માટે જવાબદાર હોય છે પણ આ બધા સાથે જૂનાગઢવાસીઓ એટ્લે કે જૂનાગઢમાં રહેતો એક-એક નાગરિક અને શિવભક્ત પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય છે એવું કહેવું વ્યાજબી રહેશે.
તો કસુંબી અને આખી આપડું જૂનાગઢની ટીમ વતી દરેક જૂનાગઢવાસીઓ અને શિવભક્તોને મહાશિવરાત્રીની હૃદયપૂર્વકની શુભકામનાઓ! ભોળાનાથ આપ સૌની મનોકામના પૂરી કરે! સૌને હર હર મહાદેવ!
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh