સ્વતંત્રતાના સંભારણા : આરજી હકુમત અને જન આક્રોશની લડાઈ સામે હારીને તારીખ 24-10-1947ના રોજ નવાબ તેમના કુટુંબીજનો, અંગત ડૉક્ટરો વગેરે સાથે કેશોદના એરપોર્ટથી કરાંચી જવા રવાના થઇ ગયા. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાના નિર્ણય સામે દેશભરમાં પ્રચંડ વિરોધ થયો હતો. ભારત સરકારે આરજી હકુમતને માન્યતા આપી ન હતી અને ભારત સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના સંરક્ષણ માટે કાઠીયાવાડ સંરક્ષણ દળની રચના કરી હતી, તેના એક વડા તરીકે બ્રિગેડિયર ગુરુ દયાલસિંહ નિમાયા હતા.
જૂનાગઢે પાકિસ્તાન પાસે મદદ માંગી હતી, પરંતુ તેની સામે પાકિસ્તાને જંગી રકમની માંગણી પણ કરી હતી, જે જૂનાગઢે સ્વીકારી ન હતી. ચારે દિશાએથી ઘેરાયેલા ભુટ્ટોએ તારીખ 07-11-1947ના રોજ કાઉન્સિલના સભ્ય કેપ્ટન હાર્વે જોન્સને પત્ર સાથે રાજકોટના રીજીયોનલ કમિશનર નીલમભાઈ બુચ પાસે મોકલી હિન્દી સંઘની શરણાગતિ માંગી. ભુટ્ટો ન તો રાજ કરતા હતા કે ન તો પ્રજાના પ્રતિનિધિ, તેથી નીલમભાઈએ ભુટ્ટોના પત્રના આધારે કાર્યવાહી કરવાની ના પાડી, કેપ્ટન જોન્સે જૂનાગઢ જઈને જણાવ્યું.
ભુટ્ટોએ હિંદુ મુસ્લિમ આગેવાનોને પોતાની નિ:સહાય સ્થિતિનું વર્ણન કરી તેમની ઇચ્છા વિશે પૂછ્યું, આગેવાનોએ સર્વાનુમતે ભારત સરકારની શરણાગતી સ્વિકારવાની સલાહ આપી અને તેને આધારે ઠરાવ પસાર કરી તેની નકલ લઇ જોન્સ તારીખ 09-11-1947ના રોજ રાજકોટ ગયા અને રીજીયોનલ કમિશ્નરે તેમની માંગણીનો સ્વીકાર કર્યો. તે જ દિવસે ગેઝેટમાં નોંધ પ્રસિદ્ધ કરી, ભુટ્ટો કેશોદ એરોડ્રામ ઉપરથી કોઈને પણ કહ્યા વગર પાકિસ્તાન ચાલ્યા ગયા.
તારીખ 09-11-1947ના રોજ સાંજે પાંચ વાગ્યે હિન્દી સંઘના સૈન્ય મજેવડી દરવાજામાં પ્રવેશ્યા અને ઉપરકોટના એક ઐતિહાસિક કિલ્લા ઉપર ભારતનો ધ્વજ લહેરાવ્યો. તે જ સાંજે ગેઝેટમાં પ્રસિદ્ધ કરીને તારીખ 09-11-1947ના રોજ હિન્દી સંઘ વતી સાંજે 6 વાગ્યાથી તેઓ જૂનાગઢનો કબજો લે છે. તેમ રીજીયોનલ કમિશનરે જાહેર કર્યું.
શામળદાસ ગાંધીએ તિરંગાને સલામી આપી અને જૂનાગઢ પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત થયું. લોકસેનાએ જૂનાગઢ પર કબજો મેળવ્યા બાદ નારૂભા રાયજાદાને રાજ્યાભિષેક કરી થોડીવાર માટે જૂનાગઢના રા’નું શાસન સોંપવાને નિશાની રૂપ તલવાર સુપરત કરી કહ્યું હતું,“તમારું જૂનાગઢ તમને સોંપ્યું”
કહેવાનો મતલબ એ કે, જૂનાગઢની પ્રજાએ બાબી પાસેથી શાસન રા’ ને સોપ્યું. એ રીતે નારૂભા રાયજાદા જૂનાગઢના છેલ્લા શાસક બન્યા.
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh
Image Source – Google and http://kathiyawadikhamir.com/