સ્વતંત્રતા ના સંભારણા ભાગ 1 : નવાબનો વિશ્વાસઘાત

સ્વતંત્રતા

નવાબ તારો વિશ્વાસઘાત, ‘કસુંબી’ કે’ય આવો તે આઘાત અપાય!
ગિરનાર પણ પૂછતો હવે, જુનાળો મારો કે’દી આઝાદ થાય ?

15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થઈ ગયું, પરંતુ હૈદરાબાદ, કશ્મીર અને જૂનાગઢ ભારત સાથે જોડાયેલા ન હતા. 1945 માં 1 કરોડ અને 45 લાખની વાર્ષિક આવક ધરાવતા જૂનાગઢ રાજ્યની આવક સૌરાષ્ટ્રના તમામ રાજ્યો પૈકી સૌથી વધુ હતી.

સ્વતંત્રતા

ભારતના સ્વતંત્ર થવાના સમયે જૂનાગઢ પર મહોમદ્દ મહાબત ખાન નામના નવાબનું શાસન હતું. 30-05-1947ના રોજ જૂનાગઢના દીવાન બનેલા શાહનવાઝ ભુટ્ટોએ પણ રાજતંત્ર પર ધ્યાન આપવાને બદલે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની યોજના પર જ વિશેષ ધ્યાન આપ્યું હતું.

ભૌગોલિક રીતે ભારતનો અવિભાજ્ય પ્રદેશ અને 82% હિન્દુ વસ્તી ધરાવતું રાજ્ય જૂનાગઢ હતું, પરંતુ 15મી ઓગસ્ટ 1947ના રોજ નવાબ દ્વારા જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કરવામાં આવ્યું. જૂનાગઢના દીવાન ભુટ્ટોની અસર હેઠળ આવીને જૂનાગઢના નવાબે જુનાગઢના લોકોની સામાજિક અને સાંસ્કૃતિક શ્રદ્ધા, આસ્થા અને સંબંધોનો વિચાર કર્યા વગર જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવી દેવાની જાહેરાત કરી.

આ વાતની જાણ ભારત સરકારને પણ 17 ઓગસ્ટ,1947ના રોજ સમાચાર પત્રો દ્વારા મળે છે. આ વાતથી જૂનાગઢ અને કાઠિયાવાડના લોકો તેમજ મુંબઇમાં રહેતા કાઠિયાવાડના લોકો પણ ઊકળી ઉઠ્યા હતા. દીવાન ભુટ્ટોએ નવાબને લગભગ નજરકેદની જ હાલતમાં મૂકી દીધેલા. જામનગરના જામસાહેબએ પણ નિર્ણય બદલવા માટે નવાબને સલાહ આપી હતી પણ પ્રયત્ન નિષ્ફળ ગયા, વળી ઢેબરભાઈએ પણ નવાબને મળવા ત્રણ વખત જૂનાગઢના ધક્કા ખાધા હતા, પણ તે અર્થવિહીન રહ્યા હતા.

આમ, આઝાદી સમયે નવાબના જૂનાગઢની પ્રજા પરના આ વિશ્વાસઘાતને લીધે, જ્યારે એક તરફ સમગ્ર દેશ સ્વતંત્રતાનો ઉત્સવ મનાવી રહ્યો હતો, ત્યારે જૂનાગઢની પ્રજા હજુ ગુલામીમાંથી બહાર નીકળવા માર્ગ શોધી રહી હતી.

વધુ ક્રમશઃ…

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh
image source – google

Also Read : પ્લાસ્ટિક ન વાપરવા અંગે માર્ગદર્શક વર્કશોપ યોજાયો