ગિરનાર એટલે એક સમૃદ્ધ ઔષધાલય ભાગ- 3

ગિરનાર

આપણે પહેલા બે અંકમાં ગિરનાર માં થતી વનસ્પતિઓ વિષે ચર્ચા કરી અને આવી વનસ્પતિઓના ફાયદા વિષે વાત કરી. ત્યારે અહી ફરીથી તમારી સમક્ષ એવી વનસ્પતિઓ રજૂ કરવી છે, જે સામાન્ય વ્યાધિઓમાં અને અમુક જટિલ વ્યાધિઓમાં ઉપયોગી થઈ શકે.

(1)ખેરવેલ

સૌથી પહેલા વાત કરીએ ખેરવેલની. ખેરવેલ એ એક વેલ સ્વરૂપે જોવા મળતી વનસ્પતિ છે. જે કાંટાવાળી વેલ તરીકે પ્રસરે છે. જેનું સંસ્કૃત નામ વક્ષિખદિર અને લૅટિન નામ અફેસિયા પીનેટા છે. જેના ફૂલ તંતુવાળા બાવળના ફૂલ જેવા હોય છે. ખેરવેલ વાયુ, કફ અને પિતનો નાશ કરે છે. તેમજ બાળકોને થતાં લીલા ઝાડામાં તેના પાનનો રસ આપવામાં આવે છે. સાથે જ દાતમાથી જો લોહી નીકળતું હોય તો ખેરવેલના પાન ચાવવાથી રાહત થાય છે. તેમજ મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય તો ખેરવેલના પાનને જીરું સાથે ચોળીને સાકરવાળા દૂધમાં પીવડાવવાથી ફાયદો થાય છે.

(2) કાંચકી

હવે વાત કરીએ કાંચકીની, જેનો ગામડાઓમાં તાવ જેવા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે.  જેનું ઇંગ્લિશ નામ બોન્ડકનટ છે. કાચકીનું ઝાડ કાંટા વાળું હોય છે. જેમાં નાની નાની સિંગો આવે છે અને તેમાં કાંચકા થાય છે. કાંચકાની છાલ બહુ કઠણ હોય છે અને તેની અંદર બીજ રહેલું હોય છે. આ બીજનો અને છાલનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે. જો કોઈને સોજો ચઢી ગયો હોય તેના ઉપર કાંચકીના પાન, આકડા અને એરંડાના પાંદડા વાટીને ગરમ કરી લેપ લગાવવાથી ત્રણ દિવસમાં સોજો ઉતરી જાય છે. સાથે જ જ્વર એટલે કે તાવમાં કાંચકા શેકી તેનું ચૂર્ણ મારી સાથે ખાવાથી તાવ માટી જાય છે. આ સામાન્ય ઉપાય ગામડાઓમાં આજે પણ ઉપયોગમાં લેવાય છે.

(3) કરમદી

ગિરનારના જંગલમાં થતી બીજી એક વિશિષ્ટ અને ઉપયોગી વનસ્પતિ એટલે કરમદી. તેનું ઇંગ્લિશ નામ જસ્મિન ફ્લાવર્ડ કેરીસા છે. કરમદીમાં થતી કડવી જાત વિષ જેવા ભયાનક રસાયણ સામે પણ ટક્કર આપી શકે છે. સર્પદંશ સમયે કડવી કરમદીના મુળ પાણીમાં ઘસીને પીવાથી તરત રાહત થાય છે. કરમદી ખસ ઉપર પણ ફાયદાકારક છે. કડવી કરમદીના મૂળ પાણીમાં અથવા મીઠા તેલમાં એટલે કે તલના તેલમાં ભેળવીને લગાવવાથી ખસ મટાડી શકાય છે. કરમદીના ફળને કરમદા કહે છે. પાકેલાં કરમદા મધુર, રૂચિકર એટલે કે ભૂખ લગાવનાર અને શીતળ છે, તેમજ ત્રિદોષ, રક્તપિત અને વિષનાશક છે.

ગિરનાર

આમ, ગિરનાર ના જંગલમાં કેટલીયે અમુલ્ય વનસ્પતિઓ જોવા મળે છે. જેથી કહી શકાય કે ગિરનાર ખરેખર એક અમૂલ્ય ઔષધાલય છે, જ્યાં ગંભીર વ્યાધિશામક ઔષધીઓ મળવાપાત્ર છે. સૌંદર્યની સાથે સાથે ગિરનાર તેની આસપાસના ક્ષેત્રમાં સતત સ્વાસ્થ્ય પણ પ્રસરાવતો રહે છે.  આવા ગરવા ગિરનારના સાનિધ્યમાં રહેવું એ ખરેખર ઉત્તમ વાત છે.

Information Source: – લલિતભાઈ નિમાવત, આર્યભિષેક પુસ્તક.

Also Read : A big congratulations to Weightlifter Saikhom Mirabai Chanu won India’s first gold medal in the 2018 commonwealth games.