કવિઓનો ગિરનાર અને જૂનાગઢ પ્રત્યેનો પ્રેમ આ પંક્તિઓમાં ઉભરાઇ આવે, ચાલો થઈએ તરબોળ એ પ્રેમમાં!

કોઈ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે

પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે…

જૂનાગઢ : ભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. આધુનિક યંત્રયુગમાં પણ જટાળા જોગી ગિરનારે પોતિકો અલગારી મિજાજ જાળવી રાખ્યો છે. તળેટી વનની ઘેઘૂર લીલીછમ હરિયાળી અને આધ્યાત્મ ભેખદર્શી ભગવા રંગથી સતત મ્હોરી રહેલો ગિરનાર એવો તો પાકો રંગાયેલો છે કે, કાળચક્રના કોઈપણ સ્તરે એને આજે પણ ઝાંખપ આવી નથી.

જૂનાગઢ

ગિરનાર કથાનિધિ છે, તેમાં અર્ધ પૌરાણિક અને અર્ધ ઐતિહાસિક કથાઓનો પણ પાર નથી. અનેક સર્જકો માટે ગિરનાર આકર્ષણનું કેન્દ્ર બનતો રહ્યો છે; પછી એ સર્જનકળા ચિત્રોની હોય કે શબ્દોની. આજે વાત કરીશું એવી જ કોઈ સર્જનકળાની. સંસ્કૃત, ગુજરાતી તેમજ અનેક ભાષાઓમાં ગિરનાર વિશે કાવ્યો રચાયા છે. આવો નિહાળીએ કવિતાઓ અને ગઝલોમાં ગરવા ગિરનારને…

જૂનાગઢ

ઈતિહાસના પાને નજર ફેરવીએ તો ગુજરાતી ભાષામાં બારમી-તેરમી સદીના સમયથી ગિરનારનો ઉલ્લેખ થતો જોવા મળે છે. મધ્યકાળના ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાએ પોતાના એક પદમાં વર્ણવ્યું છે:

ગિરિ તળેટીને કુંડ દામોદર

ત્યાં મહેતાજી ન્હાવા જાય રે.

દત્તથી દાતાર લગ ‘દિવ્યસેતુ’ની રચના કરનાર ગુજરાતી ગઝલ ઋષિ તરીકે પ્રતિષ્ઠિત કવિ રાજેન્દ્ર શુક્લને ગિરનારનો નિકટનો નાતો છે એ તેમના કાવ્યોમાં જોવા મળે છે;

સમાઈ ક્યાં શકું છું હું નગરમાં કે મહાલયમાં

ગુહા જેવુ ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે.

તેઓએ ગઝલ ‘હું મળીશ જ’ માં ગિરનારના લગભગ બધા જ મહિમાવંત સ્થળોનું ખૂબજ સુંદર રીતે વર્ણન કર્યું છે:

પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ,

સમયના કોઈપણ થરે, હું મળીશ જ.

શિખર પર ચટકતી હશે ચાખડીને

ધરીને કમંડલ કરે, હું મળીશ જ.

જૂનાગઢ, તને તો ખબર છે અહીં હર

ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ.

જુનાગઢનો એક ગઢ ગિરનાર અને ગૌરવ લેવા જેવો બીજો ગઢ એટલે મનોજ ખંડેરિયા, ખરુંને…? સમર્થ ગઝલકાર તરીકે પ્રસ્થાપિત થયેલા શ્રી મનોજ ખંડેરિયાની અનેક રચનાઓમાં ગિરનાર, ગિરિ તળેટીના સંદર્ભો કાવ્યાત્મક ઊંચાઈ સિધ્ધ કરે છે;

તળેટી જતાં એવું લાગ્યા કરે છે

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.

કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું,

ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.

આપણા વિશ્વનો તો છેડો આ

દામોદર કુંડને તળેટી છે.

નીતિન વડગામાએ ‘ગિરનારમાં’ રદીફ રચીને સુંદર ગઝલ લખી છે. જેમાં ગિરનારના વિવિધ સ્વરૂપો અસરકારક રીતે દૃશ્યમાન થાય છે, આવો જોઈએ;

પથ્થરોમાંથી કથાઓ સામટી સામી મળે,

આપણો ઈતિહાસ ઊભો થાય છે ગિરનારમાં

જીવ શું છે? શું જગત છે? આ બધાય પ્રશ્નો

અર્થ સાચો આખરે સમજાય છે ગિરનારમાં.

આ ઉપરાંત અનેક સર્જકોએ ગિરનાર અને ગિરિતળેટીનો સંદર્ભ લઈને કાવ્યો રચ્યા છે.

  • પ્રફુલ્લ નાણાવટી:

શૂન્યનો આકાર લઈ લીધો;

બોજ પારવાર લઈ લીધો,

જે નથી અટક્યા તળેટીમાં

એમણે ગિરનાર લઈ લીધો.

  • જયંત કોરડીયા:

જંગલનું મૌન તોડતો ટહુકો થતો નથી

ગિરનાર યોગી જેમ કશું બોલતો નથી.

  • રાહુલ શ્રીમાળી:

ઘટ ઘટ વસી ગયો છે, ગિરનારનો નઝારો

પર્વતની ધારે ધારે ભવનાથ યાદ આવે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : પરીક્ષા માં સારૂ પરિણામ મેળવવા આટલું ધ્યાનમાં રાખીએ.