હાવજનું કાળજું ધરાવતાં મહિલા ફોરેસ્ટર નો આજે છે જન્મદિવસ એમણે કરેલાં કાર્ય વિશે જાણીને ચોંકી જશો!

મહિલા ફોરેસ્ટર

મહિલા ફોરેસ્ટર : વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બનીને કાર્ય કરી રહી છે; તબીબ હોય કે પોલીસકર્મી, પાઇલોટ હોય કે પછી કંપની સીઈઓ; દરેક ક્ષેત્રોમાં મહિલાઓ આગેકૂચ કરી રહી છે. આપણાં ગીર વિસ્તારમાં પણ અનેક મહિલા ફોરેસ્ટર ખૂંખાર પ્રાણીઓ સાથે રહીને પોતાની ફરજ બજાવે છે, એમાંના એક મહિલા ફોરેસ્ટર એટલે રસિલાબેન વાઢેર. આજે તેઓના જન્મદિવસ નિમિતે જાણીએ તેઓએ કરેલાં રેસ્ક્યુ વિશેની કેટલીક ચોંકાવનારી વાતો…

ઘરમાં આરામથી બેઠા હોઈએ ત્યારે અચાનક મધમાખી, વાંદો કે ગરોળી આપણી પાસે આવી જાય તો ઘરમાં ચીસાચીસ થઈ જાય છે. જંગલ એટલે વન્ય પ્રાણીઓનું રહેઠાણ ગણાય ત્યાં એકલા જવાનું સાહસ તો કઈ રીતે કરી શકાય? એમાં પણ જો આ સાહસ કોઈ મહિલા ખેડે તો તો નવાઈની વાત કહેવાય ખરું ને?

સાસણગીર નેશનલ પાર્કમાં પ્રાણીઓની સંભાળ અને દેખરેખ માટે એક રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવેલી છે. આ ટીમમાં એક મર્દાની યુવતીને તમે સવાર-બપોર કે રાત્રિના અંધકારમાં જંગલમાં જવાનું કહેશો તો તે ગમે તેટલું અગત્યનું કામ હશે તે બાજુ ઉપર મૂકીને જંગલમાં તેમના પ્રિય પ્રાણીઓને બચાવવા પહોંચી જશે. આ મર્દાની યુવતીનું નામ છે રસીલાબેન વાઢેર. જંગલમાં ઈજા પામેલ, બીમાર કે કોઈ જગ્યાએ ફસાઈ ગયેલ પ્રાણીઓની માવજત કરવાનું તેમનું કામ અને શોખ છે.

Picture source FB

નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર રસીલાબહેનની માતા નાના-મોટા કામ કરીને બે બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા કટિબદ્ધ હતા. તેથીજ રસીલાબેન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી હિન્દી વિષયમાં ફર્સ્ટક્લાસ સાથે ગ્રેજ્યુએટ બન્યા. વર્ષ 2007માં તેમની સામે બે જગ્યાએથી સરકારી નોકરીની ઓફર હાજર હતી; પહેલી ગીર નેશનલ પાર્કમાં રક્ષા સહાયક(રેસ્ક્યૂ ઓફિસર)તરીકેની અને બીજી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં જોડાવાની. જંગલ, પ્રકૃતિ અને પ્રાણી તેમના દિલની વધુ નજદીક હતા. તેમણે રેસ્ક્યૂ ઓફિસર તરીકેની નોકરી સ્વીકારી લીધી. સૌરાષ્ટ્રની ભૂમિનું ખમીર તેમની રગોમાં દોડતું હતું.

મહિલા ફોરેસ્ટર
Picture source FB

તેઓની પ્રથમ બચાવ કામગીરી હતી, જેમાં એક સિંહના ગળામાં ભરાયેલ કાંટા-ઝાંખરા દૂર કરવાના હતા. સિંહના ગળામાં એટલા બધા કાંટા-ઝાંખરા ભરાઈ ગયા હતા કે તે બરાબર ખાઈ શકતો ન હતો. જેથી નબળો પડી ગયો હતો. આ સિંહને બચાવવા બપોરના આશરે ચારના સુમારે જંગલમાં તેમની ટીમ પહોંચી ગઈ. તેમણે સિંહને એક ટેકરી ઉપર જોયો. તેની પાસે જવું એટલે સીધું મોત જ હતું. એક નાના શિકારને તેની સામે લઈ ગયા. તેને જોઈને સિંહ લલચાયો. ટેકરી ઉપરથી નીચે આવ્યો. રેસ્ક્યૂ ટીમ તેને પાંજરામાં પૂરવા તૈયાર હતી. પાંજરાને બંધ કરવા એક સભ્ય ઝાડ ઉપર ચડ્યો હતો, તો ગાડીની પાસે પાડાના બચ્ચાને પકડીને રસિલાબેન બહાર ઊભા હતા.

મહિલા ફોરેસ્ટર
Picture source FB

એક સભ્ય ગાડીમાં બેસીને લાકડી પછાડતો હતો, જેથી સિંહ તેમની નજદીક ન આવે. તેઓના કહેવા મુજબ,”ભાઈના ખ્યાલ બહાર ગયું કે હું બહાર તેઓ લાકડી પછાડે છે તે જ જગ્યાએ ઊભી છું. તેમાં તેમણે જોરથી લાકડી પછાડવાનું શરૂ ર્ક્યું. લાકડીનો એક ઘા મારા માથામાં જોરથી વાગ્યો. મને ચક્કર આવી ગયા. ઝડપથી મને વાનમાં લેવામાં આવી. ઈજાગ્રસ્ત સિંહ તો ત્યાંથી ચાલી ગયો હતો. ત્યાં શિકારની વાસથી બીજી સિંહણ તેના બચ્ચાને લઈને આવી પહોંચી.”

Picture source FB

તેઓએ વધુમાં કહ્યું કે,”આ બધી દોડાદોડમાં રાત્રિના આઠ વાગી ગયા હતા. સિંહને પકડવાનો પ્લાન થોડો સમય માટે પડતો મૂકવાનું ટીમના સભ્યોએ નક્કી ર્ક્યું. તેમનું કહેવું હતું કે આજે અંધારામાં સિંહને પકડવો તેના કરતાં આજની રાત તેને ફરવા દઈને બીજે દિવસે ઉજાસમાં તેને પકડવાનું સહેલું બનશે. મારું આ પહેલું રેસ્ક્યૂ ઓપરેશન હતું. મેં સાથી મિત્રોને જણાવી દીધું ‘ડગલું ભર્યું કે ના હટવું’. સિંહને તેની પીડામાંથી આજેજ મુક્ત કરવો છે. સિંહને રાત્રિભર જંગલમાં શોધતા રહ્યા. તેને પાંજરામાં પૂરીને તેના ગળામાંથી કાંટા-ઝાંખરા દૂર કરતા સવારના પાંચ વાગી ગયા. હાથમાં લીધેલ પહેલું બચાવકાર્ય સફળ થયું તેનો આત્મસંતોષ અને ઉત્સાહે જીવનને નવી દિશા આપી.”

Picture source CMO Gujarat

યુવા રસીલાબહેને આજ સુધીમાં 1100થી વધુ વન્ય પ્રાણીઓને વિકટ સંજોગોમાંથી બચાવ્યા છે. જેમાં દીપડા અને સિંહની સાથે અજગર, મગર, પંખીઓ અને વાનરનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે જંગલના પ્રાણીઓની સાથે રહેવું એટલે મોતને હાથમાં લઈને ફરવા બરાબર છે. પ્રાણીઓની સાથે પ્યારભર્યો વ્યવહાર કરવાથી તેઓ મિત્ર બની જાય છે. ક્યાં પ્રાણીને પકડવા સરળ છે તેના જવાબમાં તેઓનું કહેવું છે કે વિકરાળ લાગતો દીપડો સરળતાથી કાબૂમાં આવી જાય છે. જ્યારે વાનરને પકડવો વિકટ છે. તે આપણા હાથમાંથી લાકડી લઈને આપણને મારવા લાગે. અચાનક નજદીક આવીને થપ્પડ પણ મારી દે, તો ક્યારેક હાથમાંથી બંદૂક ઝૂંટવીને તમારી સામે તાકે પણ ખરો તેવી પણ શક્યતા રહેલી છે.

Picture source FB

વન્યપ્રાણીને ખાસ પ્રકારે બનાવેલ પાંજરામાં આવવામાં ડર પણ રહેતો નથી. સરળતાથી મળતો શિકાર ખાવા તેઓ પાંજરામાં આવે ત્યારબાદ તેમની યોગ્ય સારવાર કરીને તેમને જંગલમાં છોડી દેવામાં આવે છે. તેથી સિંહ કે દીપડા ભરોસાની સાથે પાંજરામાં આવી જાય છે.

મહિલા ફોરેસ્ટર
Picture source FB

બાળપણમાં પિતાને ગુમાવનાર રસીલાબહેન પિતા સમાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા નથી. તેમનું કહેવું છે કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલાઓ આ ક્ષેત્રમાં આગળ વધે તેવો તેમનો આગ્રહ હતો. જેને કારણે જ તેમને રેસ્કયૂ ઓફિસર બનવાનો મોકો મળ્યો. પ્રથમ ઓપરેશન સરળતાથી પાર પાડવાનો મક્કમ નિર્ધાર ન ર્ક્યો હોત તો કદાચ તેમના ભાગ્યમાં આ નોકરી પણ ન હોત. તેથીજ તેઓની પ્રથમ બચાવ કામગીરી સફળ થઈ ત્યારે મોદીજી માટે અતિશય માન થયું. રસીલાબહેનનું કહેવું છે કે,”ગીરના જંગલમાં આવતા મુલાકાતીઓને વડાપ્રધાન મોદીજી આજે પણ કહે છે કે, માતાજીના વાહન તરીકે પુજાતા સિંહ-વાઘને જોવા જાઓ છો તો, ત્યાં તેમની રક્ષા કરતી મર્દાની સિંહણ બહેનોને પણ જરૂર મળજો.”

રમત-ગમત, ચેસ અને ફોટોગ્રાફીની સાથે અનેક એવૉર્ડના વિજેતા બન્યા છે. અનેક મહાનુભાવોના હસ્તે તેમનું અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે. સાદું જીવન, ઉચ્ચ વિચારો તથા અબોલ પ્રાણીઓનો પ્રેમ મેળવવા સદાય ઉત્સાહી તેવા સોરઠની આ મર્દાની યુવતીને લાખો સલામ….

Also Read : જનમત ગ્રુપ દ્વારા ઉપરકોટ માં સફાઈ અભિયાન ચલાવવા માં આવ્યું