દિવાળી ના “ ધુસજારા ”નો માનવજીવન સાથે અતૂટ સંબંધ

મિત્રો, દિવાળી આવી રહી છે અને દરવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પહેલાંનું અઠવાડિયું આપણે બધા આપણા ઘરમાં આખા વર્ષનું સૌથી મોટું “સ્વચ્છતા અભિયાન” ચલાવતા હોઈએ છીએ. જેને દેશી ભાષામાં “ધુસજારા” કહીએ છીએ. આ ધુસજારા વિશેષ મહત્વ એટલા માટે હોય છે કારણ કે, વર્ષના કદાચ આ જ અઠવાડિયામાં ઘરની સ્ત્રીઓ સાથે ઘરના પુરુષો અને યુવાન પુરૂષો (ખાસ કરીનેં જેની ઉંચાઈ વધારે હોય એવા પુરુષો) પણ ધુસજારાના કામે લાગી જતા હોય છે.દિવાળી

વળી ઘરનું રિનોવેશન તથા ઘરની દિવાલોમાં રંગરોગાન જેવા કાર્યો પણ આપણે આ અઠવાડિયામાં કરતા હોય છે. તેમજ ઘરની બિનજરૂરી અથવા જૂની વસ્તુઓ કે જેને આપણે “ભંગાર” કહીએ છીએ તેને એકઠી કરી અને તેના નિકાલની વ્યવસ્થા પણ આપણે કરતા હોઈએ છીએ, પણ આ ઘરના ધુસજારા અને રંગ-રોગાનની સાથે સાથે આપણા મનમાં આખા વર્ષ દરમિયાન જે જારા બાજી ગયા હોય છે, એનું ક્યારેય વિચાર્યું છે?

દિવાળી

વર્ષ દરમિયાન આપણા મનમાં પણ ઈર્ષા, રાગ, દ્વેષ, દેખાદેખી, ટીકા અને નિંદા જેવા ઘણાં જારાઓએ ઘર કરી લીધું હોય છે, તો શું આ દિવાળી પહેલાંના અઠવાડિયામાં આવા જારાઓને સાફ કરવા પણ આપણે મનમાં ધુસજારા ન કરી શકીએ?દિવાળીવળી વર્ષ દરમિયાન કોઈકને પોતાના બોસ જોડે, કોઈકને સહકર્મચારી જોડે, કોઈકને પાડોશી, તો કોઈકને સગા સંબંધીઓ જોડે અણબનાવો કે બોલાચાલીના જારા લાગી ગયા હોય છે, જેથી સંબંધો રંગવિહીન બની ગયા હોય છે તો આવા સંબંધોમાં પણ માફી અને માફ કરવાના રંગરોગાન ન કરી શકીએ?તેમજ આખા વર્ષમાં હૃદયમાં ભેગા થયેલા બિનજરૂરી એવા ડર, ચિંતા, નફરત જેવા નકારાત્મક ભંગારનું પણ લિસ્ટ બનાવી તેનો નિકાલ ન કરી શકીએ? તો ચાલો આ દિવાળી પહેલાંના અઠવાડિયામાં મનમાં ધુસજારા, સંબંધોમાં રંગરોગાન અને નકારાત્મકતાનો નિકાલ કરી, આ દિવાળી પર પ્રેમ, દયા, કરુણા, સંપ જેવા માણસાઈના રંગોની રંગોળી બનાવી આ દિવાળીની અનોખી ઉજવણી કરીએ!

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : જયાપાર્વતી : શિવ પાર્વતીની આરાધનાનો પર્વ