લુહાર જ્ઞાતિ : આપણાં જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામમાં સંત દેવતણખી બાપા તથા તેમના પુત્રી લીરલબાઈનું સમાધિ મંદિર આવેલું છે. અહીં સમસ્ત લુહાર જ્ઞાતિ સહિત અનેક શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે આવી શીશ નમાવી અઢળક આશીર્વાદની પ્રાપ્તિ કરે છે. દરવર્ષે અષાઢી બીજના દિવસે વિશાળ શોભાયાત્રા સાથે ભવ્યાતિભવ્ય મેળો ભરાય છે. આ દિવસે મંદિરના સાનિધ્યમાં ભજન-સંતવાણીના કાર્યક્રમ યોજાય છે, ઉપરાંત આ દિવસે મહાપ્રસાદનું પણ આયોજન થાય છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે અહીં દેવતણખી બાપાનો થાળ ધરાવી મહાપ્રસાદ ગ્રહણ કરે છે.
દેવતણખી બાપાનો જન્મ લુહાર જ્ઞાતિમાં પોરબંદર નજીક આવેલા બોખીરા ગામમાં થયો હતો. ભક્ત આંબાજી તથા મૂળીબાઈને ઘેર ગુરુ શાંતિનાથના આશીર્વાદથી તેમનું અવતરણ થયું હતું. દેવતણખી બાપાએ તથા તેમના દીકરી લીરલબાઈએ ભક્તોને અનેક પરચાઓ પણ આપેલા. જેમાં ઈ.સ.1922માં એક ઘટના બનેલી, જમનાવડ ગામના લુહાર ભક્ત જાદવજીભાઈને દેવતણખી દાદાએ સ્વપ્નમાં દર્શન આપી ને કહ્યું કે,”મજેવડી ગામમાં આવેલી એક વાડીમાં મારી સમાધિ છે. આ સમાધિને જાગૃત કર.”
સ્વપ્ન વાતને ધ્યાને લઈ આ લુહાર ભક્ત કેટલાક મજુરોને લઈને વાડીમાં ખોદકામ કરે છે પણ આ સમયે વાડીના માલિક ખોદકામ કરતા રોકી ત્યાંના નવાબને સઘળી ફરિયાદ કરે છે, આ ફરિયાદને સાંભળી નવાબ બંનેને જેલમાં પુરી દેવા હુકમ આપે છે. ત્યારબાદ દેવતણખી બાપાએ નવાબને સ્વપ્નમાં આવી ભક્ત તથા તેના સાથીને મુક્ત કરવા કહ્યું. નવાબે પણ સ્વપ્નની વાત સ્વીકારી, બંનેને મુક્ત કર્યા અને ત્યારબાદ આ વાડીની જમીનનો લેખ લુહાર સમાજને અર્પણ કરી આપ્યો. ઉપરાંત દેવતણખી બાપાનું મંદિર બનાવ્યું. ધીમે-ધીમે જ્ઞાતિજનો ભેગા થઈ ઈ.સ.1961માં ટ્રસ્ટની રચના કરી.
એક સમયની વાત છે, દેવાયત પંડિત તેમના પત્ની દેવળ દેને શોધવા માટે નીકળેલા, પણ દેવળ દેના કોઈ સમાચાર ન મળતા તેઓ રસ્તો કાપતા સોરઠ પંથકમાં આવ્યા. સાંજના સમયે જૂનાગઢથી ત્રણ ગાઉ દૂર મજેવડી ગામના પાદરમાં આવ્યા. ત્યાં ઉબેણ નદી ઉતરતા દેવાયત પંડિતના રથનો ધરો તૂટી ગયો એટલે રથ અટકી ગયો. દેવાયત પંડિતએ ધરો સાંધવા માટે નજીકની વાડીના માલિકને ગામમાં કોઈ લુહારનું ઘર બતાવવા કહ્યું. વાડી માલિક ખેડૂત દેવાયત પંડિતને લુહારનું ઘર બતાવ્યું. જે લુહારનું નામ હતું દેવતણખી.
દેવાયત પંડિતે પોતાના બે શિષ્યોને દેવતણખીને ઘેર ધરો સંધાવવા મોકલ્યા. આ દિવસે અગિયારસની રજા હોવાથી દુકાન બંધ કરીને પોતાની ઘેર ફળિયામાં બેઠાબેઠા માળા ફેરવતા હતા. ઘરમાં તેમના પત્ની મીણલદે રસોઈ બનાવતા હતા. એ સમયે રસોડાની બાજુના ઓરડામાં તેની માસની દીકરી લીરલબાઈ ઘોડિયામાં સુતા હતાં. શિષ્યોએ આવીને દેવતણખીને સઘળી વાત કરી.
વાત સાંભળી દેવતણખીએ કહ્યું કે,”ભાઈઓ આજ અગિયારસ હોવાથી ભઠ્ઠી સળગાવાય નહીં અને જો હું ભઠ્ઠી સળગાવું તો મને પાપ લાગે અને ઘણનો ઘા મારવાવાળો પણ આજે કોઈ છે નહીં, તો તમે તમારા ગુરુજીને મારા પ્રણામ કહીને આ વાત જણાવજો. શિષ્યોએ દેવાયત પંડિત પાસે આવી દેવતણખી લુહાર કહેલી સઘળી વાત કરી. આ સમયે દેવાયત પંડિત પોતાના શિષ્યોને લઇ દેવતણખી લુહારને ત્યાં આવે છે. આ સમયે દેવતણખી પોતાને આંગણે પંડિત જેવા અતિથિ આવેલ જોઈ ઉભા થઈ, સામે ચાલી પ્રણામ કરી બેસવા માટે આસન આપે છે અને તેમના કુશળમંગળના સમાચાર પૂછે છે.
વાત કરતા કરતા દેવાયત પંડિત ધરો તુરંત જ સાંધી આપવા આગ્રહ કરે છે પણ દેવતણખી વિનંતી કરીને કહે છે કે, આજે અગિયારસ હોવાથી અમે કામ કરતા નથી અને આ દિવસ આખો ભગવાનની ભક્તિ, પરમાર્થ કરી ભક્તિમય વાતાવરણમાં વિતાવીએ છીએ. જો આજે ભઠ્ઠી સળગાવું તો મને પાપ લાગે. દેવતણખીની વાત સાંભળી દેવાયત પંડિતને ક્રોધ આવે છે અને કહે છે કે,”મારો ધરો સંધી આપો તો એક પ્રકારે પરમાર્થનું કાર્ય જ ગણાય, માટે તમે મારું કામ કરશો તો પાપ નહીં લાગે અને જો પાપ લાગે તો મારા માથે ગણાશે. હું અત્યારે સંકટમાં છું, મારી મદદ કરો.”
દેવતણખી કહ્યું કે,”જો એમજ હોય તો આપણે બંને સાથે મળીને આ પરમાર્થ નું કાર્ય કરીએ. ભઠ્ઠી સળગાવીને ધરા નો તાપ હું લઈશ, પણ ઘા તમારે મારવો પડશે. દેવાયત પંડિતને મનમાં થયું કે ગમે તે રીતે પણ આ દેવતણખી મારી પાસે ઘણના ઘા મરાવવા માંગે છે અને જો હું એમ નહીં કરું તો ધરો સંધાશે નહીં. એટલે તે મનમાં વિચારે છે. મારે પણ દેવતણખીને કંઈક કરી બતાવવું પડશે. દેવતણખી ભઠ્ઠી સળગાવી માતાજીનું નામ લઈ ધરાને સાંધવા માટે ભઠ્ઠીમાં મૂકે છે. ધરાને તાપ આવ્યો, ધરો બહાર કાઢી તેમાં ગરમ રસ ભર્યો. હવે ધરો એરણ ઉપર મૂકીને દેવાયત પંડિતને ઘા મારવાનું કહે છે, પણ આ સમયે ભક્તોની જે કોઈ ગત હોય એ તો ભક્ત જ જાણે!
દેવાયત પંડિત ક્રોધના આવેશમાં ઘણ ઉપાડ્યો અને ધરા ઉપર એક જ ઘા માર્યો પણ આ શું! એરણ પર એકજ ઘા વાગતા તે જમીનમાં ઊંડે ઉતરી ગઈ. આશ્વર્યની વાત બની ગઈ પણ રસમાં આવેલું સાંધો કરવાનું લોઢું કોઈપણ ભોગે સાંધી લેવું જોઈએ, નહીંતર એ નકામુ થઈ જાય અને જો ધરો ઠંડો થઈ જાય તો પાછો સાંધી શકાય નહીં, હવે આ સમયે પૂરેપૂરી મૂંઝવણ ઊભી થઈ. હવે શું કરવું ?
આ સમયે દેવતણખી માતાજીનું સ્મરણ કરીને પોતાનો જમણો પગ લાંબો કરી ધરાને પોતાના પગની ઘૂંટી ઉપર રાખીને સાંધી લીધો. પ્રભુએ બંને ભક્તની લાજ રાખી દર્શન દીધા. બંને ભક્તોનો ગર્વ ઉતરી ગયો. ધરો કેમ સંધાઈ ગયો તેની પણ કોઈને ખબર પડી નહીં. પ્રભુ અંતરધ્યાન થયા અને એ જ સમયે બંને ભક્તો ભેટી પડ્યા અને ભક્તો જ્યાં ભેગા થયા ત્યાં તો ભક્તિ થનગની ઉઠી, રાત્રી સમયે ભક્તોએ વાળું-પાણી કરી આખી રાત ભગવાનના ભજન-કિર્તન કર્યા, સવારનો સૂર્યોદય થયો, દેવાયત પંડિતએ દેવતણખી ને કહ્યું કે,”મારી પત્ની સતી મારી પર શંકા ઉત્પન્ન કરી અને દેવળ દે પોતાની શરતો મુજબ ચાલ્યા ગયા છે અને મારું જીવન ધૂળ થઈ ગયું છે. મારા શિષ્યોને લઈને હું એમને શોધવા નીકળ્યો છું પણ ક્યાંય ભાળ મળતી નથી.
આ દેવાયત પંડિત અને દેવતણખીની વાત છ મહિનાની દીકરી લીરલબાઈ ઘોડિયામાં સૂતા-સૂતા સાંભળે છે અને એ સમયે દેવાયત પંડિત સામે જોઇને હસે છે. અને કહે છે, કાકા મારા કાકી દેવળદે ગિરનારની ગોદમાં આવેલા નરોહરગઢની ધર્મસભામાં બેઠા છે. દેવાયત પંડિત અને તેના ચાર શિષ્યો ગિરનારની ગોદમાં નરહરગઢ આવે છે, ત્યાં આવી દેવળદેની માફી માંગે છે. દેવળ દે એ કહ્યું કે,”માફી આપનાર હું કોઈ નથી એ તો પરમાત્મા જ છે.” આટલી વાત પૂર્ણ કરી તે દેવળદે ગિરનાર તળેટીમાં જ રહ્યા અને દેવાયત પંડિત સહિત સર્વે શિષ્યોને આશીર્વાદ આપી પોતાના વતન પાછા ફરવા કહ્યું.
આમ, દેવતણખી અને દેવાયત પંડિતનો ભેટો ભગવાનની ભક્તિ માટે જૂનાગઢના મજેવડી ગામે થયો હતો. આ મજેવડી ગામમાં દેવતણખી તથા દીકરી લીરલબાઈની સમાધિ છે. સાથોસાથ અહીં શ્રી વિશ્વકર્મા, શ્રી રામ દરબાર, શ્રી રામદેવપીર મહારાજ પણ બિરાજમાન છે.
Also Read : જાણો આ વખતેની નવરાત્રિ કઈ રીતે અલગ છે દર વર્ષ કરતા…