દેવાયત બોદર : જોતજોતામાં નવઘણ પંદર વર્ષનો થઈ જાય છે, દેવાયત આહીર તેને લડાઈની પણ તાલીમ આપે છે. દેવાયત આહિર વિચારે છે કે, હવે નવઘણને તેનું વેર વાળવાનો સમય આવી ગયો છે. એટલે તે તેમની દીકરી જાહલના વિવાહ નક્કી કરે છે અને ગામેગામથી બધાજ સગા-સંબંધીઓને સંદેશો મોકલે છે. સંદેશામાં તેઓ પોતાના ઘરે આવવાનું કહેણ મોકલે છે, પણ સાથે બધાને તેના હથિયાર લઈને પણ આવવાનું કહેવડાવે છે. વળી સંદેશામાં એમ પણ ઉમેરે છે કે, આપણે વિવાહમાં હાજર રહેવા સોલંકીઓને પણ આમંત્રણ આપવા જવાનું છે.વળી સોલંકીઓને પણ જાણ કરે છે કે, તેઓ પોતાની દીકરી જાહલના લગ્નમાં સામેલ થાય એ માટે આમંત્રણ આપવા અમે આવીએ છીએ!ગામેગામથી બધા આહીરો દેવાયતના ઘરે પહોંચી જાય છે, બધા જુનાણા ભણી જવાની તૈયારી કરે છે. ત્યારે રસ્તામાં દેવાયત બધી વાત કરે છે અને બધા અહિરોને પોતાની યોજના વિશે સમજાવે છે. નવઘણને બતાવીને કહે છે કે,”આને ઓળખ્યો? તે દિવસે કપાયો હતો એ મારો દીકરો વાહણ હતો અને આ છે રા’નવઘણ જુનાણાના રા’ડિયાસનો વંશજ!”આજે આપણે જાહલના લગ્નનું આમંત્રણ આપવા માટે નથી જતાં, પણ જુનાણાને સોલંકીઓથી મુક્ત કરવા જઈએ છીએ અને રા’નવઘણને તેનું રાજ્ય પાછું સોંપવા માટે જઈએ છે. પાછા આવશું કે નહિ એની પણ ખાતરી નથી! નવઘણને પણ આ વાત રગેરગમાં ફસાઈ ગઈ હતી કે, મારે લીધે મારા ભાઈ વાહણને બલી ચડવું પડયું હતું.દેવાયત વાત કરે છે કે, ઉપરના ઉપરકોટના કિલ્લાની ઉપર એક નગારુ છે કે, જે 16 વર્ષથી ધૂળ ખાય છે. જ્યારે જ્યારે રાજ પલટો થયો છે ત્યારે ત્યારે તે નગારા પર દાંડી પીટવામાં આવે છે.નવઘણ, દેવાયત આહિર સાથે હજારો આહીરો અચાનક ઉપરકોટના કિલ્લાની ઉપર હુમલો કરે છે અને ધમસાણ યુદ્ધ થાય છે. પરોઢના સમયે યુદ્ધનો અંત આવે છે અને રા’નવઘણ ઉપરકોટનો કિલ્લો અને જૂનાગઢ જીતી જાય છે. રા’નવઘણનો રાજ્યાભિષેક થાય છે અને જાહલને પણ દેવાયત આહિર વળાવે છે.એક આહિરના આવા બલિદાન અને ઉદારતાને લીધે રા’નવઘણને તેનું રાજ્ય પાછું મળે છે.
સંદર્ભ: ઝવેરચંદ મેઘાણી રચિત “રા’નવઘણ”
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh
Also Read : Water conservation scheme has been started by Junagadh Municipal Corporation.