દેવાયત બોદર : વાત એ સમયની છે, જ્યારે જૂનાગઢ રાજ્ય પર રાજા રા’ડિયાસનું શાસન હતું. એ સમયે રાજા રા’ડિયાસએ ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકો પાસેથી મુંડકા વેરો લેવાનું શરૂ કર્યુ હતું. આ વેરો વસૂલ કરવાનું કામ ઝુમક ચાવડા નામના એક વિશ્વાસુ રાજપૂતને સોંપવામાં આવ્યું હતું. ઝુમક ચાવડો સ્વભાવે નીતિવાળો માણસ હતો.એક દિવસ બન્યું એવું કે, ગુજરાતના સોલંકી રાજા દુર્લભસેનની પટરાણી તેના રસાલા સાથે પાટણથી ગિરનારની યાત્રાએ આવ્યા. દુર્લભસેનની પટરાણી પાસે પણ ઝુમક ચાવડાએ મુંડકા વેરો માંગ્યો અને વેરો ભર્યા પછીજ જૂનાગઢમાં દાખલ થવાશે એવું જણાવ્યું. ગુર્જરપતિ દુર્લભસેનની પટરાણીએ ખૂબજ કચવાટ કર્યો અને મોં બગાડીને તેમની મરજી વિરુદ્ધ પણ વેરો આપ્યો. પાટણ પાછા ફરીને તરત જ તેણે રાજા દુર્લભસેનને ફરિયાદ કરી કે રાજા રા’ડિયાસના સૈનિકોએ મારું અપમાન કર્યું છે અને બળજબરીપૂર્વક મારી પાસેથી વેરો વસૂલ્યો છે એટલે તેમના અધિકારી ઝુમક ચાવડા અને રા’ડિયાસને કેદ કરો.રાજા દુર્લભસેન તેમની રાણી ને સમજાવે છે કે, આવી બાબત માટે યુદ્ધ ન થાય પણ પટરાણીએ સ્ત્રી હઠ પકડી હતી, તેણે અન્નજળનો ત્યાગ કર્યો અને રો-કકળ શરૂ કરી દીધી. પત્નીના આવા દુ:ખભર્યા વ્યવહારથી દુર્લભસેનને ખૂબજ લાગી આવ્યું અને તેણે જૂનાગઢ પર આક્રમણ કરવાનું નક્કી કર્યું, પણ જૂનાગઢના કિલ્લા પર કબજો કરવો એટલું સરળ ન હતું, એટલે દુર્લભસેન અને તેમના મંત્રીઓએ કપટપૂર્વક જૂનાગઢ કબ્જે કરવા યુક્તિ વિચારી.ગુર્જરપતિએ રા’ડિયાસને સંદેશો મોકલ્યો કે, તેઓ જૂનાગઢની મુલાકાતે આવે છે અને સોરઠપતિએ તેમનો આ મિત્રતાભર્યો પ્રસ્તાવ સ્વીકારી લીધો, પણ દુર્લભસેનની જૂનાગઢ મુલાકાત પાછળ એક કાવતરું રચે છે. સોલંકી રાજા દુર્લભસેન એક બીજલ ચારણને ઉપરકોટના કિલ્લામાં મોકલે છે, જ્યાં તે રાજા રા’ડિયાસને ઉત્તમ સંગીત સંભળાવે છે, રાજા ખૂબજ ખુશ થઇ જાય છે અને બીજલ ચારણને બદલામાં ઈનામ માંગવા કહે છે. ત્યારે બીજલ ચારણ ઈનામમાં રાજાનું મસ્તક માંગી લે છે અને રાજા હસતે મોઢે પોતાની તલવારથી પોતાનું મસ્તક ધડથી અલગ કરીને આપી દે છે અને પાછળથી સોલંકી રાજાની સેના જૂનાગઢ પર ચડાઈ કરી અને તેને કબજે કરે છે. ત્યારે જૂનાગઢનાં મહારાણી સોમલ દે ચિતા પ્રગટાવી બળીને સતી થવા તૈયાર થાય છે.એ વખતે રાણી સોમલ દેના ખોળામાં રમતું બાળક એટલે કે રા’નવઘણને હેમખેમ રાખવા પોતાની દાસી વાલબાઈને બોલાવી, તેને બાળક સોંપતા કહે છે કે,“જા આને આલિદર બોડીદરના અડીખમ આહીર અને મારા જીભના માનેલા ભાઈ દેવાયત બોદરને ત્યાં પુગાડી દે, હવે એ જ નવઘણની રક્ષા કરી એને મોટો કરશે!” નવઘણને સોંપી રાણી સોમલ દે સતી થાય છે અને આ બાજુ વાલબાઈ સોલંકી સૈન્યથી નવઘણને બચાવતી આલિદર-બોડીદરને પાદર પહોચે છે…આગળના ભાગમાં જાણીશું કે, એક સામાન્ય સોરઠના આહિર દેવાયત બોદર રા’ડિયાસના વંશજને કઈ રીતે બચાવે છે અને નવઘણનો કઈ રીતે ઉછેર કરે છે…
સંદર્ભ: “રા’નવઘણ” પુસ્તક અને ઝવેરચંદ મેઘાણી રચિત “રા’નવઘણ”
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh
Image Source: Madhyam Communications (Youtube Channel)
Also Read : After 30 years, clock clocks in the circle tower.