ગુજરાતીઓ ફરવાના બહુ શોખીન હોય છે, તેમાં પણ ઉનાળાનું વેકેશન આવે એટલે ગુજરાતી સહેલાણીઓ વિશ્વભરમાં ફરવા માટે પહોચી જાય છે, પરંતુ આ વર્ષે તો કોરોના વાઇરસના કારણે ગૂજરાતી સહિત સમગ્ર દેશના લોકોનું ઉનાળુ વેકેશન ઘરમાં જ વીત્યું છે, ત્યારે ચાલો તમને ઘરે બેઠા જ એક એવા દરિયા કિનારાની સફરે લઈ જઈએ જે મુંબઈની મરીન ડ્રાઈવ કે ગોવાના બીચ જેવો જ ભવ્ય અને શાનદાર છે.
આજે વાત કરવી છે, આપણાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં શેરીયાઝ બારાના દરિયા કિનારાની. માંગરોળ અને શેરીયાઝ બારાનો આ દરિયા કિનારો મુખ્યત્વે માછીમારી માટે ઉપયોગી દરિયા કિનારો છે, પરંતુ માંગરોળની સુંદરતાની જેમ જ આ દરિયાની સુંદરતા પણ તેને ભવ્ય બનાવે છે.
જો તમે ક્યારેય પણ માંગરોળ ગયા હોય, તો તમે જાણી શકો છો કે, માંગરોળમાં આવેલી ઊચી ઊચી નારિયેળીઓ તમને આહ્લાદક શિતળતાનો અનુભવ કરાવે છે. તેમજ તે મનમોહક દ્રશ્ય સહેલાણીઓને ગોવા કે થાઈલેંડની અનુભૂતિ કરાવે છે. ગમે તેવી વયોવૃદ્ધ વ્યક્તિ પણ અહિયાના વાતાવરણમાં પ્રવેશતા વેંત જ યુવાનીની સ્ફૂર્તિનો અહેસાસ કરવા માંડે છે, ત્યારે ત્યાના દરિયાકાંઠાની તો માત્ર કલ્પના પણ ઉત્સાહ જગવનારી હોય ને.
સમાન્યતઃ માછીમારી માટે ઉપયોગી શેરીયાઝ બારા અને માંગરોળનો દરિયો હાલ પૂરતો માછીમારીની હોડીઓને કાંઠે ખસેડીને જાણે પોતાની મરજીમાં હિલ્લોળા ખાતો હોય તેવું જણાઈ છે. ચોમાસા દરમિયાન પવન ઉપડવાથી દરિયામાં તોફાન ઉત્પન થવાની સંભાવનાઓ વધી જાય છે, માટે માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી નથી અપાઈ. જેના કારણે માછીમારીની હોડીઓ પણ કિનારે આવીને રાહતનો શ્વાસ લેતી હોય તેવું દ્રશ્યમાન થાઈ છે.
ઘણીવાર આપણી સાવ પાસે રહેલી કિંમતી વસ્તુ આપણે જોઈ શકતા નથી અને અન્ય જગ્યાએ સારી વસ્તુની શોધમાં ભટકતા હોઈએ છીએ. કઈક આવું જ આપણાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓ અને અન્ય રમણીય સ્થળો સાથે થતું હોય છે. જૂનાગઢ પાસે અખૂટ સૌંદર્ય રહેલું છે, પણ તેની કાળજી અને કદર કરવામાં આપણે ક્યાકને ક્યાક પાછા પડીએ છીએ.
માંગરોળ અને શેરીયાઝ બારાનો આ દરિયાકિનારો આપણને ગોવા અને અન્ય કોઈ મોટા મોટા બીચને પણ ભુલાવી દેવા સક્ષમ છે. માત્ર ગુજરાતીઓએ જ નહીં, પરંતુ વિશ્વભરમાથી આવતા સહેલાણીઓએ પણ એકવાર આ દરિયાકાંઠાની મુલાકાત લેવા જેવી છે અને અહીંની સુંદરતાને પોતાની યાદો સાથે લઈ જવા યોગ્ય છે.
Source @InfoJunagadh