જુનાગઢ તને તો ખબર છે અહી,
હર ઝરે ઝાંખરે,કાંકરે, હું તને મળીશ જ..
પણ જુનાગઢ તને ખબર છે,કેટલી મમતા છે અમને તારા માટે!!
Citizen of Junagadh : રાજેન્દ્ર જોશીની આ પંક્તિઓ વાંચતા જ જુનાગઢ પ્રત્યેનો પ્રેમ છલકાઈ ઊઠે છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલું આપણું જુનાગઢ ગર્વ લઈ શકાય તેવો ઈતિહાસ પોતાની અંદર સંઘરીને બેઠું છે. આ ઇતિહાસના કેટલાક પુરાવાઓ પણ હજી આપણાં જૂનાગઢમાં મોજૂદ છે. કર્ણકૂબ્જ, મણિપુર, ચંદ્રકેતુપૂર, જીર્ણદુર્ગ એટલે આપણું જુનાગઢ. સ્કંદપુરાણમાં પણ જેની વાત કરવામાં આવી છે એ જુનાગઢ. મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત વંશના રાજાઓના સમયમાં ગુજરાતની રાજધાની રહેલ આપણું જુનાગઢ. પરંતુ વર્તમાન સમયનું જુનાગઢ તો સાવ અલગ જ છે. ખરું ને!!! તો ચાલો આજે આપણાં જૂનાગઢની એક નાનકડી શાબ્દિક સફર કરી લઈએ. Citizen of Junagadh
અત્યારનું આપણું જુનાગઢ એટલે જેતપુર થી આગળ વધીએ એટલે સામે કોઈ અવધૂત સમો ગિરનાર દેખાય! જાણે વર્ષોથી સમાધિમાં લીન હોય એવા જોગી સમાન ગિરનારના દર્શન માત્રથી જ ધન્ય થઈ જવાય. જૂનાગઢમાં પ્રવેશ થતાં જ રોકડિયાના ભજીયા, દોલતપરાનો ગેટ, જુનાગઢવાસીઓની આસ્થાના પ્રતિક સમાન ગણપતિ મંદિર(ઇગલ), સક્કરબાગ, મજેવડી ગેટ, જ્યાંથી ડાબી બાજુએ જઇએ તો ગિરનાર તળેટી એટલે કે આપણાં જૂનાગઢનાં હ્રદય સમાન ભવનાથ, જે આપણાં સૌનું મનપસંદ હોલિડે પોઈન્ટ છે. દર રવિવારે લગભગ 80% જુનાગઢવાસીઓ ભવનાથ જઈને અડ્ડો જમાવીને બેસે છે. આખા અઠવાડિયાનો થાક ઉતારવા માટે આપણે ક્યાય બીજે જવાની જરૂર જ નથી પડતી નહીં!!!!!!
મજેવડી ગેટથી અંદર આવીએ એટલે રેલ્વે સ્ટેશન, ભવ્ય સરદાર પટેલ દરવાજો, ગીતા લોજ, ગાંધી ચોક, ચામુંડા લસ્સી, બસ સ્ટેન્ડ અને મસ્ત મજાનું નરસિંહ મહેતા તળાવ. જેની પાળી ઉપર બેસીને ગપ્પાં મારતા, મકાઇ ખાતા અને વાતો કરતાં યુવાનોને જોઈ ક્યારેક ઈર્ષા થઈ આવે! પછી આવે જૂનાગઢનું હૈયું કાળવા ચોક. ત્યાંથી ભવનાથ રોડ અને દાતાર રોડ, દાતાર રોડથી આગળ જઇએ તો વિલિંગ્ડન ડેમ. ચોમાસામાં તો સેલ્ફિ લવર્સ માટે બેસ્ટ પ્લેસ છે. કાળવાના પુલને પાર કરીએ એટલે રાજીવ ગાંધી પાર્ક, જેના દર્શન માત્રથી જ મન ને શાંતિ મળે છે એવું ભૂતનાથ મંદિર, આપણી ઐતિહાસિક ધરોહર સમાન બહાઉદ્દીન કોલેજ, ત્યાં બહારના ભાગમાં મળતું સ્ટ્રીટ ફૂડ. જુનાગઢના યુવાનોનું મનપસંદ સ્થળ એવું સુરજ સિનેપ્લેક્સ અને બાળકોનું મનપસંદ સ્થળ એવું સુરજ ફનવર્લ્ડ, આપણી શાન સમી કૃષિ યુનિવર્સિટી, સ્વામીનારાયણ મંદિર અને ટીંબાવાડી સુધી ફેલાયેલું જુનાગઢ!
આવું આપણું જુનાગઢ માત્ર શહેર નથી પરંતુ એક અદભૂત,પવિત્ર અને અલૌકિક સંસ્કૃતિ છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આ શહેરનો જ એક ભાગ છીએ.
Author: Urvashi Deshani #TeamAapduJunagadh
#TeamAapduJunagadh
Also Read : Lions : સાસણનાં ગીર વિસ્તારમાં એક સાથે 15 સિંહ , બાળસિંહોનું ટોળું જોવા મળ્યું… જુઓ આ વિડ્યો