ભાલકાતીર્થ માં યોજાયેલ સુવર્ણ શિખર મહોત્સવ તથા આ તીર્થક્ષેત્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે…

ભાલકાતીર્થ

આહીર સમાજ આયોજિત સુવર્ણ શિખર ધર્મધ્વજા મહોત્સવનો 10 ઑક્ટોબરે સાંજે 5 વાગે દ્વારકાધીશને ધ્વજા ચઢાવ્યા બાદ દ્વારકાથી પ્રારંભ થયો હતો. જે બીજા દિવસે ધર્મયાત્રામાં પલટાઇ હતી. 3811 બાઈક અને 1198 ફોરવ્હીલર સાથેની આ યાત્રા 310 કિલોમીટર અંતર કાપીને ભાલકા એટલે કે કૃષ્ણ ભગવાને જ્યાં દેહનો ત્યાગ કર્યો હતો તે ભાલકાતીર્થ ખાતે પહોંચી હતી. આ યાત્રાને સૌથી મોટી ધાર્મિક ઉદ્દેશ સાથેની યાત્રા તરીકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં પણ સ્થાન મળ્યું છે. યાત્રા ભાલકા પહોંચ્યાના બીજા દિવસે એટલે કે 13 ઓક્ટોબરે નારાયણ યાગ મહાયજ્ઞ અને 51 સત્યનારાયણની કથા સાથે સુવર્ણ શિખર ચઢાવવામાં આવ્યું હતું.

ભાલકાતીર્થ

આ સુવર્ણ કળશની લંબાઈ 06 ફૂટની છે. જેમાં 12.50 લાખ રૂપિયાનું સોનું વાપરવામાં આવ્યું. બે દિવસીય મહોત્સવમાં અંદાજિત 3 લાખ લોકો ઊમટ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારિકાથી મર્મભૂમિ ભાલકા તીર્થ સુધીની આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ત્યારે આવો આપણે ભાલકા તીર્થનું વિશેષ મહત્વ પણ જાણીએ…

વેરાવળથી પ્રભાસ તરફના રસ્તે જતા અને સોમનાથથી આશરે પાંચ કિ.મી.ના અંતરે ભાલકાતીર્થ આવેલું છે. પૌરાણિક કથા અનુસાર મદિરાપાનથી ચકચૂર થયેલા યાદવો એકબીજા સાથે યુદ્ધ કરીને નાશ પામે છે. પોતાના યાદવકુળના નાશથી દુઃખી થયેલા શ્રીકૃષ્ણ દ્વારકા છોડીને હાલમાં જ્યાં ભાલકાતીર્થ આવેલું છે, ત્યાં દુઃખમાં પીપળાના વૃક્ષ નીચે ડાબા પગ પર જમણો પગ ચડાવીને વિશ્રામ કરવા બેઠા હોય છે. શ્રીકૃષ્ણના જમણા પગના તળિયામાં જન્મથી જ પદ્મનું નિશાન હોય છે કે જે અંધારામાં પણ ચમકતું રહે છે એટલે દૂરથી એક જરા નામના પારઘીને તે હરણની આંખ લાગે છે.

ભાલકાતીર્થ

જેથી જરા નામનો પારઘી પોતાનું વિષવાળું બાણ શ્રીકૃષ્ણ ના પગના તળિયે છોડે છે. નજીક જતા જરાને ખ્યાલ આવે છે અને તે તરત જ શ્રીકૃષ્ણની માફી માંગે છે, પરંતુ શ્રીકૃષ્ણ તેમને આ બધું નિયતિ છે એમ સમજાવીને માફ કરે છે, જોકે આપણે બધાને પ્રશ્ન એ રીતે થાય કે અખિલ બ્રહ્માંડના માલિક આ રીતે એક સામાન્ય પારઘીથી કઈ રીતે મૃત્યુ પામી શકે? એની પાછળ પણ એક પૌરાણિક કથા છે.

ત્રેતાયુગમાં શ્રી કૃષ્ણ શ્રીરામના અવતારે જન્મેલા હતા. જ્યારે વાલી અને સુગ્રીવ મલ યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે શ્રીરામે વાલીને કપટથી એક ઝાડ પાછળ છુપાઈને તીરથી માર્યો હતો, બાલીના પત્ની તારાએ શ્રીરામને શ્રાપ આપ્યો હતો કે આવતા જન્મે મારો પતિ પણ તમને છુપાઈને મારશે.

દ્વાપર યુગમાં વાલી, જરા નામના પારઘી સ્વરૂપે અવતરે છે અને શ્રીકૃષ્ણને છુપાઈને મારે છે. ભાલા એટલે કે બાણ વડે શ્રીકૃષ્ણને મારવામાં આવ્યા હોવાથી એ સ્થળને ભાલકાતીર્થ કહેવામાં આવે છે. બાણ લાગ્યા પછી શ્રીકૃષ્ણ હિરણ નદીના કિનારે પોતાનો દેહ ત્યાગ કરવા જાય છે. જે સ્થળે શ્રીકૃષ્ણ પોતાનો દેહત્યાગ કરી અને મોક્ષને પ્રાપ્ત થાય છે તે તીર્થને દેહોત્સર્ગ કહેવામાં આવે છે. ભાલકા તીર્થે પાંચ હજાર વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ પણ આવેલું છે કે જે ક્યારેય સુકાતું નથી જે શ્રી કૃષ્ણના દેહત્યાગની સાક્ષી પૂરે છે.

જય શ્રી કૃષ્ણ

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : જૂનાગઢ જેલ ખાતે જૂનાગઢ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું