જૂનાગઢમાં આવેલી બાવા પ્યારેની ગુફા સાથે જોડાયેલી રોચક વાતો

જૂનાગઢવાસીઓની ખરી ઓળખ હોય તો એ છે, હરવાનું, ફરવાનું, અને મોજ કરવાની… ખરું ને? પછી કોઈ તહેવાર હોય કે હોય રવિવાર, ફરવા તો જવાનું જ!!! તળેટી, ભવનાથ, તળાવની પાળે કે બીજી કોઈ અન્ય જગ્યા વિશે તો તમે ચોક્કસ જાણતા જ હશો અને કેટલી બધી વખત તમે ત્યાં ફરવા પણ ગયા હશો, પરંતુ આજે હું તમારા ફરવાલાયક સ્થળોના લીસ્ટમાં વધુ એક નામ એડ કરવા જઈ રહી છું, એ છે બાવા પ્યારેની ગુફા. બહુ ઓછા લોકો જાણતા હશે જૂનાગઢમાં આવેલી આ પૌરાણિક જગ્યા વિશે. તો ચાલો જાણીએ… baba pyare gufa

baba pyare gufa

ઉપરકોટની પાછળ આવેલી ત્રણ હારમાળામાં આ ગુફાઓ ખડકમાંથી કોતરી બનાવવામાં આવી છે. એક હારમાળા ઉત્તરમાં છે, બીજી હારમાળા દક્ષિણ તરફ જાય છે. અને ત્રીજી હારમાળા આ ગુફાની પાછળ પશ્ચિમ દિશામાં છે. આ ગુફાના મુખ્ય દ્વાર પર લત્તા કે વેલની આકૃતિઓ કોતરેલી છે. ગુફાઓના આકાર ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આ ગુફામાં પ્રદક્ષિણા કરી શકાય તેવો સ્તુપ હશે. આ ગુફાઓનો છેડો અર્ધ ગોળાકાર છે. આ ગુફાઓ બૌધ્ધ સાધુઓના રહેવાની જગ્યા હશે તેમ પુરાતત્વવિદો માને છે. આ ગુફાઓનો મુખ ભાગ ઉપરકોટની ગુફાઓના મુખ ભાગ જેવો છે.

આ ગુફાના ઉપરના અર્ધ સ્તંભોમાં અને મુખ ભાગના તોરણ ઉપરના નાગદંતોમાં સિંહોની આકૃતિઓ છે, તે ઉપરથી પુરાતત્વવિદો માને છે કે એક કાળે અહીં બૌધ્ધોનું ધર્મસ્થાન હશે. જ્યારે અન્ય આકૃતિઓ જૈન મંદિરોમાં હોય તેવી જ જોવા મળે છે તેથી એક સમયે આ જૈન ગુફાઓ હશે તેમ પણ માનવામાં બાધ નથી.

આ ગુફાઓ વિશે તો ઘણું બધુ જાણી લીધું, હવે પ્રશ્ન એ થાય કે આ ગુફાનું નામ કઈ રીતે પડ્યું હશે? તો ચાલો જાણીએ તેનાથી જોડાયેલી બે રસપ્રદ વાતો…

એક મત મુજબ એમ જાણવા મળે છે કે, આ ગુફાઓની સામે પૂર્વ દિશામાં બાવા પ્યારેની જગ્યા છે અને તેથી આ ગુફાઓ બાવા પ્યારેની ગુફાઓ કહેવાય છે, પરંતુ બાવા પ્યારેના મઢ તરીકે ઓળખાતી જગ્યા સાથે ગુફાઓને વાસ્તવમાં કોઈ સંબંધ નથી. બાવા પ્યારે સિધ્ધ પ્યારે રામજીનું સંક્ષિપ્ત નામ હતું તેમ માનવામાં આવે છે. કહેવાય છે કે વૈરાગ્ય આવતા તેઓ બિહારીદાસ નામના સંત પાસે દીક્ષા લઈ જુનાગઢ આવી વસ્યા.

 

બીજી વાત પ્રમાણે એમ પણ જાણવા મળે છે કે, બાદશાહી સમયમાં પ્યારે બાવા થઈ ગયા તેમના નામ ઉપરથી આ જગ્યાનું નામ બાવા પ્યારેની ગુફા એવું પડ્યું.

તો, આ હતી આપણા જૂનાગઢમાં આવેલી પૌરાણિક જગ્યા “બાવા પ્યારાની ગુફા” સાથે જોડાયેલી રોચક બાબતો…
Author: Morvee Raval #TeamAapduJunagadh